અમેરિકાના નાયાગરા ધોધ/Niagara Fallsને આમ તો કોઈ ઓળખની જરૃર નથી. પણ પ્રવાસે જવું હોય તો એ જાણી લેવું જોઈએ કે ધોધ ઉપરાંત ત્યાં શું શું જોવા જેવું છે? કઈ રીતે જોવા જેવું છે? કેટલો સમય લઈને જવું જોઈએ..?
નાયાગરા એ દુનિયાનો સૌથી ઊંચો ધોધ નથી કે નથી સૌથી વધુ પાણી વહેવડાવતો જળપ્રપાત. તેમ છતાં નાયાગરા ધોધ દુનિયાનો ‘સૌથી મોટો’ એવો ખોટો ખ્યાલ લોકોના મનમાં છે. જોકે ખ્યાલ સાવ ખોટો નથી. કેમ કે નાયાગરા મોટો ધોધ ખરો પરંતુ લોકચાહનાની દૃષ્ટિએ. નાયાગરા એટલે પૃથ્વી પરનો સૌથી જાણીતો ધોધ! આખી દુનિયાના ભૌગોલિક વૈવિધ્યોમાં નાયાગરા સેલિબ્રિટિ સ્ટેટસ ભોગવે છે. અમેરિકા અને કેનેડાની સરહદ પર વહેતી 60 કિલોમીટર લાંબી નાયાગરા નદી આગળ વધતી વધતી ખડકાળ ભૂમિ પરથી પતન પામે છે અને ત્યાં સેંકડો ધારાઓ વહી નીકળી છે. પરંતુ એમાંથી 3 ફાંટા ખૂબ મોટા છે જે સયુંક્ત રીતે નાયાગરા ધોધ તરીકે ઓળખ પામ્યા છે. એટલે કે નાયાગરા એક નહીં 3 ધોધનો સંગમ છે. નદી અમેરિકા-કેનેડાને (અમેરિકાના ન્યુયોર્ક રાજ્યને અને કેનડાના ઓન્ટારિયો રાજ્યને) ભૌગોલિક રીતે અલગ પાડે છે.
એમાં રચાયેલા ધોધ પૈકીનો એક ધોધ અમેરિકા તરફ છે, જે ‘અમેરિકન ફોલ્સ’ તરીકે ઓળખાય છે. બીજો ધોધ કેનેડા તરફ છે, જે ‘બ્રાઈડલ વેઈલ (દુલ્હનનો ઘૂંઘટ)’ તરીકે ઓળખાય છે. ત્રીજો ધોધ અંગ્રેજીના સી જેવા આકારને કારણે ‘હોર્સશૂ (ઘોડાની નાળ)’ અમેરિકા-કેનેડા બન્ને દેશોમાં વહે છે. અમેરિકન ફોલ્સ અને બ્રાઈડલ વેઈલ બન્ને બાજુબાજુમાં છે, જો કહેવામાં ન આવે તો અલગ રીતે ઓળખવા મુશ્કેલ છે. વચ્ચે એક ખડક દ્વારા જ જૂદા પડે છે. એ બન્નેની સંયુક્ત પહોળાઈ 1060 ફીટ અને ઊંચાઈ 176 ફીટ જેવી છે. એ બન્ને ધોધ દ્વારા દર સેકન્ડે 5,67,811 લિટર જેટલું પાણી નીચે પડે છે. પ્રવાસીઓને મુખ્ય આકર્ષણ અર્ધગોળાકાર ગોઠવાયેલા હોર્સશૂ ધોધનું હોય છે. તેની પહોળાઈ 2600 ફીટ છે, જ્યારે એ 167 ફીટ ઊંચાઈએથી નીચે ખાબકે છે. એ વખતે તેમાં દર સેકન્ડે 22,71,247 લિટર જળજથ્થો વહેતો હોય છે. આ ધોધના જળવૈભવની ભવ્યતા માણવા વર્ષે 1.4 કરોડ પ્રવાસીઓ અહીં આવે છે. ભારતમાંથી જતાં મોટા ભાગના પ્રવાસીઓ અમેરિકન બાજુથી ધોધની મુલાકાત લેવાનું પસંદ કરે છે.
આગળ વધતું પાણી નાના-મોટા ધોધ રચીને છેવટે ઓન્ટારિયો સરોવરમાં મળે છે, હા! કદાવર ધોધ રચતી નદી પોતે લંબાઈમાં તો નાની છે, જ સાથે સાથે સમુદ્ર સુધી પણ પહોંચતી નથી. એરિ નામના સરોવરમાંથી શરૃ થાય છે અને ઓન્ટારિયોમાં પૂરી થાય છે! રસપ્રદ વાત એ છે કે નદી સરોવરમાંથી નીકળતી હોવા છતાં પાણીનો જથ્થો ખૂટતો નથી. કારણ કે અમેરિકા-કેનેડાની સરહદે કુલ પાંચ સરોવર આવેલા છે, જે સંયુક્ત રીતે ગ્રેટ લેક્સ તરીકે ઓળખાય છે. દુનિયાના કુલ તાજાં પાણીના જથ્થામાંથી 18 ટકા જથ્થો આ પાંચેય સરોવરોના કબજામાં છે. તેમાંથી આવતું પાણી નાયાગરાને અવિરત વહેતો રાખે છે. નાયાગરાનું પાણી ભલે એરિ સરોવરથી શરૃ થતું હોય છે, પરંતુ ભૂગર્ભમાં તો બધા સરોવરોનું પાણી મહાગઠબંધન ધરાવે છે.
આખુ વર્ષ સવા-દોઢ કરોડ પ્રવાસીઓ જે ધોધ જોવા આવે છે, તેમાં શું શું જોવા જેવું છે?
આમ તો સામાન્ય રીતે ધોધને દૂરથી કોઈ પ્લેટફોર્મ પર ઉભા ઉભા કે પછી હેઠવાસમાં રહીને જોવાનો હોય છે. પરંતુ નાયાગરનો જોવા માટે એકથી એક ચડિયાતી પદ્ધતિઓ વિકસી છે. પ્રવાસીઓ પોતાની પસંદ અને બજેટ મુજબ ધોધના દિદારની રીત પસંદ કરી શકે છે.
ગેલેરી અને પાર્ક
જ્યાંથી ધોધ નીચે ખાબકે છે, ત્યાં બાજુમાં રહેલા ખડકો પર જ પ્લેટફોર્મ તૈયાર કરી દેવાયા છે. ત્યાં ઉભા રહીને પ્રવાસીઓ ધોધનો પ્રચંડ વેગ નીહાળી શકે છે. એ જોતી વખતે પ્રવાસીઓને આછો-પાતળો ખ્યાલ પણ આવે કે કુદરતની તાકત કેવી હોય અને આપણે તેની સામે કેટલા વામન છીએ. પ્લેટફોર્મ જેવી જ મજા ‘નાયાગરા ફોલ સ્ટેટ પાર્ક’ નામના બગીચામાંથી લઈ શકાય છે. પ્રવાસીઓ તેમાં વિનામૂલ્યે પ્રવેશી શકે છે અને મન પડે ત્યાં સુધી ધોધ જોઈ શકે છે. આ પાર્ક સવા બસ્સો એકરમાં ફેલાયેલો છે. 1885માં બનેલો આ પાર્ક ધોધ જોવાની પહેલી વ્યવસ્થા હતી.
પાર્કમાં આઈમેક્સ થિએટર છે, જ્યાં પ્રવાસીઓ ‘નાયાગરા: મિરેકલ્સ, મિથ એન્ડ મેજિક’ નામની 41 મિનિટની નાયાગરાથી પરિચિત કરાવતી ફિલ્મ જોઈ શકે છે. હોર્સશૂ અને બ્રાઈડલ ધોધ વચ્ચે હેઠવાસમાં ગોટ આઈલેન્ડ નામનો ટાપુ આવેલો છે. આ ટાપુ પણ પાર્કનો જ ભાગ છે અને ધોધ જોવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. ટાપુ પર મહા વિજ્ઞાની નિકોલા ટેસ્લાનું પૂતળું અને સ્મારક પણ છે. કેમ કે ધોધના જળમાંથી કઈ રીતે વીજળી પેદા થઈ શકે એ અંગેના સલાહ-સૂચનો ટેસ્લાએ આપ્યાં હતાં. ગોટ આઈલેન્ડની મુલાકાત વગર નાયાગરાની મુલાકાત અધુરી ગણાય.
કેનેડા બાજુનું પ્લેટફોર્મ
અમેરિકા બાજુ સ્ટેટ પાર્ક છે, તો કેનેડા બાજુએ ‘ક્વિન વિક્ટોરિયા પાર્ક’ આવેલો છે. એમાંથી પણ ત્રણેય ધોધ જોઈ શકાય છે. આ પાર્કમાં વર્ષે શિયાળામાં અહીં ફેસ્ટિવલ ઓફ લાઈટ યોજાય છે, જે પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બની રહે છે. બાકી રોજ સાંજ પડ્યે ધોધ પર વિવિધ કલરની લાઈટના શેરડાથી રંગછટા ઉભી કરવામાં આવે છે. જાણે વિવિધ કલરનું પાણી એક સાથે વહેતું હોય એવું એ દૃશ્ય પ્રવાસીઓ ક્યારેય ભૂલી ન શકે.
રેન્બો બ્રિજ
ધોધ વિસ્તારમાં કુલ ત્રણ પુલ છે, કેમ કે ધોધ ઉપરાંત અહીંથી કેનેડા-અમેરિકાને જોડતો રસ્તો પણ પસાર થાય છે. બધા પુલ પર પ્રવાસીઓને પ્રવેશ મળતો નથી. અમેરિકા બાજુ આવેલો ‘રેન્બો (કમાન આકારનો) બ્રીજ’ ખાસ પ્રવાસીઓ માટે જ છે. તેના પર કોઈ કમર્શિયલ વાહનને પ્રવેશ અપાતો નથી. માટે પ્રવાસીઓ ચાલીને ટહેલતા ટહેલતા, પોતાની કાર કે બાઈક પરથી ધોધ આરપાર થઈ શકે છે. એ માટે જોકે 1 ડોલરની ફી ચૂકવવી પડે છે. આ બ્રિજ અમરિકન ફોલ્સથી અડધો કિલોમીટર જ દૂર આવેલો હોવાથી તેના પરથી નજારો જોવા જેવો હોય છે. આ પુલ 202 ફીટ ઊંચો અને 440 મિટર લાંબો છે.
ધોધના તળિયા સુધી લઈ જતી બોટ
પ્રવાસીઓના રોમ રોમમાં રંગ ભરી દેતી ધોધ જોવાની જો કોઈ રીત હોય તો એ બોટ સફરની છે. સરકાર અહીં ‘મેઈડ ઓફ ધ મિસ્ટ’ નામની બોટ સફર આયોજિત કરે છે. સાહસિક પ્રવાસીઓને એવો વિચાર આવ્યો હશે કે ધોધ કંઈ દૂર ઉભા રહીને જોવો એવુ જરૃરી થોડું છે? એટલે બોટ સફરની શરૃઆત થઈ. છેક 1846થી આ સફર ચાલે છે અને પ્રવાસીઓમાં એ સૌથી વધુ લોકપ્રિય છે કેમ કે ધોધના ધસમસતા પ્રવાહની મહત્તમ નજીક લઈ જાય છે. માનો કે ધોધ તમારી ઉપર પડી રહ્યો છે, એવુ વાતાવરણ એ બોટ સફર ખડું કરે છે. આ ધોધ વીસેક મિનિટની સફર દરમિયાન ત્રણેય ધોધ ઉપરાંત નાયાગરા નદીની કોતર વચ્ચેથી પણ પસાર થાય છે. દર પંદર મિનિટે એક હોડી પ્રવાસીઓ ભરીને રવાના થાય છે.
જેમ ધોધ નજીક આવતો જાય એમ લાગે કે જાણે આકાશમાંથી કોઈ કદાવર પડદો લહેરાઈ રહ્યો છે. લાખો લિટર પાણી નજરથી સાવ નજીક ખાબકતું હોય છે. સિઝન કોઈ પણ હોય આ હોડીની સફર દરમિયાન પ્રવાસીઓને રેઈનકોટ પેહરવાની સલાહ આપવામાં આવે છે અને રેઈનકોટ પણ પૂરો પાડવામાં આવે છે. બાકી પ્રવાસીઓ ઈચ્છે તો રેઈન કોટ વગર પણ ધોધના વરસાદનો આસ્વાદ લઈ શકે છે. આ હોડીની બીજી કરામત તેનો કુશળ ચાલક છે. સ્વાભાવિક રીતે ધોધ ખાબકતો હોય ત્યાં પાણીનો વેગ જેવો-તેવો તો હોય નહીં. એમાં હોડીને કાબુમાં રાખી પ્રવાસીઓને સફર કરાવે. એટલે ઘડીભર તો એ ચાલકને પૂછવાનું મન થઈ આવે કે કોન સી ચક્કી કા આટા ખાતે હો!
આ હોડીની સફર કરવાં મોટેરાઓએ સવા ઓગણિસ ડોલર, બાળકોએ સવા અગિયાર ડોલરની ટિકિટ લેવી પડે છે. 26મા અમેરિકી પ્રમુખ થિઓડોર રૃઝવેલ્ટ, આપણા વડા પ્રધાન જવાહરલાલ, રશિયન વડા પ્રધાન એલેક્સી કોસીગન.. સહિતના મહાનુભાવો આ હોડીમાં સફર કરીને ધોધની ધૂંઆધાર ઝાકળનો આનંદ માણી ચૂક્યા છે. મેઈડ ઓફ ધ મિસ્ટ અમેરિકન બાજુથી ચાલતી હોડી છે. કેનેડા તરફથી પણ ‘હોર્નબ્લોઅર’ નામની સાધન-સજ્જ બોટ દ્વારા પ્રવાસીઓ ધોધની સફર કરી શકે છે. બોટ સફરની વધુ માહિતી https://www.maidofthemist.com પરથી મળી શકશે.
ધોધના મૂળ સુધીની વોકિંગ ટ્રીપ
બ્રાઈડલ વેઈલ ધોધના તળિયા પાસે જઈ શકાય એ માટે પ્લેટફોર્મ બનાવાયું છે. એ સફરનું નામ ‘કેવ ઓફ ધ વિન્ડ્સ’ છે. ધોધની છેક 20 ફીટ સુધી નજીક લઈ જાય એવો લાકડાના પ્લેટફોર્મ પર રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ટિકિટ લઈને પીળા કલરનો ત્યાંથી આપવામાં આવતો રેઈનકોટ-પોન્ચો, ખાસ પ્રકારના શૂઝ પહેરી પોતાની રીતે ચાલતાં ચાલતાં નજીક સુધી જઈ શકે છે.
દરિયામાં પેદા થતાં હેરિકેનની નજીક તો ન જઈ શકાય, પરંતુ ધોધની નજીક પહોંચ્યા પછી હેરિકેનનો આછો-પાતળો અનુભવ થઈ શકે છે. માટે અહીંના પ્લેટફોર્મને ‘હેરિકેન ડેક’ નામ આપવામાં આવ્યું છે. ધોધ જ્યારે ચોમાસા દરમિયાન વધારે રૌદ્ર રૃપ ધારણ કરે ત્યારે વોકિંગ ટૂર બંધ કરી દેવાય છે. સામાન્ય રીતે મેથી નવેમ્બર સુધી જ આ સફર ચાલુ રહે છે.
નજીક પહોંચ્યા પછી ધોધના કારણે સર્જાતો શક્તિશાળી પવન પણ અનુભવી શકાય છે. અહીં પણ નિયત થયેલી 19 ડોલરની ફી ચૂકવવી પડે છે. એ ઉપરાંત ધોધની પાછળ રહેલા પથ્થરો વચ્ચે ટનલ પણ તૈયાર કરવામાં આવી છે. ધોધની પેલેપારની દુનિયા જેમને જોવી હોય એ પ્રવાસીઓ ‘જર્ની બિહાઈન્ડ ધ ફોલ્સ ટુર્સ’ નામની સફર દ્વારા ત્યાં જઈ શકે છે.
નાયાગરા ધોધ જોવાની વધુ કેટલીક રીત બીજા ભાગમાં જોઈશું.