કોચરબ : ગાંધીજીએ ભારતમાં સ્થાપેલા પ્રથમ આશ્રમની સફર

અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલો સાબરમતી આશ્રમ જાણીતો છે. આશ્રમ રોડના એક છેડે સાબરમતી આશ્રમ છે તો બીજા છેડે કોચરબ આશ્રમ છે. એ જોવા જેવા સ્થળની મુલાકાતે જોકે ઓછા પ્રવાસીઓ આવે છે.

1915માં મોહનદાસ ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા. એ વખતે તેમની પાસે ભારતમાં આશ્રમ સ્થાપવા માટે રાજકોટ, હરિદ્વાર, કલકતા એમ વિવિધ સ્થળેથી તેમના ચાહકો આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ ખાદી વણાટનું કેન્દ્ર હોવાથી, આફ્રિકાની લડતમાં સાથ આપનારા કેટલાક અમદાવાદમાં હોવાથી અને અન્ય અનુકૂળતા હોવાથી મોહનદાસે આશ્રમની સ્થાપના માટે અમદાવાદ શહેર પસંદ કર્યું.

અમદાવાદના બેરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈ ગાંધીજીના સાથીદાર હતા. આશ્રમ માટે મકાનની શોધ ચાલતી હતી ત્યારે જીવણલાલે પોતાનું મકાન જ આશ્રમ માટે ઓફર કર્યું, ગાંધીજીએ ત્રિકોણાકાર વિશાળ જગ્યા ધરાવતું મકાન સ્વિકારી લીધું. મે-1915માં અહીં વાસ્તુપૂજન કરી ગાંધીજીએ આશ્રમ જીવનનો આરંભ કર્યો.

ભારતમાં આઝાદીની લડત શરૃ કરવા માટે ગાંધીજીએ સ્થાપેલો એ પ્રથમ આશ્રમ હતો. એ આશ્રમની તસવીરી સફર..

ગાંધીજીએ જ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ આ આશ્રમનું સંચાલન કરે છે. અહીં ગાંધીજી શરૃઆતના બે વર્ષ 1915થી 1917 સુધી રહ્યા. એ પછી આશ્રમવાસીઓ વધતા ગયા, સત્યાગ્રહની પ્રવૃતિઓ વિસ્તરતી ગઈ અને ગાંધીજીની કામગીરી પણ વધારે વ્યાપક થતી ગઈ એટલે જગ્યા ટૂંકી પડી. એ માટે બીજો આશ્રમ સ્થાપ્યો, સાબરમતી.
સવાસોએક વર્ષ પહેલા બનેલો આ બંગલો ભારે આકર્ષક છે. આજે પણ તેની ભવ્યતા ઓછી નથી થઈ. સાદગી છે અને ભવ્યતા પણ છે. મકાન બે માળનું છે. આ જગ્યાનું સત્તાવાર નામ તો સત્યાગ્રહ આશ્રમ છે, પણ કોચરબ ગામ પાસે આવેલી હોવાથી કોચરબ આશ્રમ નામે જ લોકપ્રિય થઈ છે.
ગાંધીજી અહીં આવ્યા ત્યારે કેવા કપડાં પહેર્યા હતા… આ તસવીરમાં દેખાય એવા. આ તસીવર આશ્રમમાં મોટા કદની કરીને લગાવાઈ છે. સાથે સાથે આશ્રમના પિલ્લર ઉપર સ્થાપનાની વિગત આપતી તકતી પણ મારેલી છે.
આશ્રમનો ટૂંકો ઇતિહાસ આ રીતે લખીને દીવાલ પર ટાંગી રાખવામાં આવ્યો છે. આશ્રમ બન્યો ત્યારે આશ્રમ રોડ આજની જેમ ધમધમતો ન હતો. આસપાસ બંજર જેવી જગ્યાઓ હતી. આશ્રમમાં પાણીની કમી હતી, માટે રસ્તાના સામે કાંઠે આવેલા કૂવામાંથી પાણી ભરવા જવું પડતું હતું. એ જગ્યાએ હવે કૂવો છે પણ પેટ્રોલનો એટલે કે ત્યાં પેટ્રોલપંપ છે.
મકાન ભવ્ય છે, તેનો લે-આઉટ પણ અંદર રાખવામાં આવ્યો છે. મૂળ મકાન, પાછળ રસોડું, પ્રાર્થના માટે ઘાસનું મેદાન, ડાબે ખૂણે આવેલી ખાદીની ચીજોના વેચાણની દુકાન વગેરે… આ મીનિ-મોડેલમાં દેખાય છે.
755 દિવસ રહ્યા પછી ગાંધીજીએ આ આશ્રમ 1917માં ખાલી કરી દીધો. એ પછી છેક 1950 સુધી આ મકાન એમ જ પડ્યું રહ્યું. એ પછી સરકારે આશ્રમની જાળવણીનો નિર્ણય લઈ રિનોવેશન કર્યું. ત્યારથી આજ સુધી આશ્રમ સારી રીતે સચવાયેલો છે.
સાબરમતી આશ્રમમાં જે રીતે ચરખો ફોટો-પડાવવાનું સ્થાન છે, એમ અહીં પણ ચરખો, બેસવાની દેશી ગાદી.. વગેરે છે. ગાંધીજી સાથે સંકળાયેલી ચીજો પણ સાચવી રખાઈ છે.
ઉપરના માળે ભવ્ય લાયબ્રેરી છે. મૂળભૂત રીતે એ ખંડ પરિષદ માટે હતો, વિવિધ પ્રકારની મીટિંગો ત્યાં થતી હતી.
પ્રાંગણમાં આવેલું પ્રાર્થના સ્થળ.. મોટી સંખ્યામાં લોકો ત્યાં બેસી શકે એ પ્રકારે સ્ટેજ અને લોનની વ્યવસ્થા છે. ગાંધીજી સાથે સંકળાયેલા દિવસોએ અહીં નાના-મોટા કાર્યક્રમો થતા રહે છે.
આશ્રમની પાછળ આવેલું આ રસોડું સાદગીપૂર્ણ બાંધકામ દેખાય છે, પરંતુ છે ભારે રસપ્રદ. આશ્રમ હતો એટલે વિવિધ નિયમો હતા. અહીંના રસોડામાં એક મોટો કબાટ છે. એ કબાટ ત્યાંના દરવાજામાંથી અંદર આવી શકે એમ નથી. એ વખતે કબાટ રસોડાની અંદર જ બનાવાયો હતો.
ગાંધીજી, વિનોબા ભાવે… સહિતના ધૂરંધરો જ્યાં જમતા એ રસોડાની બધી ચીજો કાળજીપૂર્વક સાચવી રખાઈ છે. ઘંટી છે, વજનિયાં છે, વિશાળ પાટલા છે, બીજી અનેક નાની-મોટી ચીજો છે.
રસોડાના નિયમો ત્યાં લખી રાખવામાં આવ્યા છે. જે ઘંટ વગાડવામાં આવતો હતો એ ઉપરના માળે છે.
આશ્રમમાં વિવિધ અનેક પ્રકારની કામગીરી થતી રહેતી. કોઈને નવરાં રહેવાની છૂટ ન હતી. એ માટે નિયમો હતા. અહીં કોઈ ગાંધીજીને મળવા આવે તો એમને પણ કામે વરગાડી દેવામાં આવતા હતા. એક વખત આનંદશંકર ધ્રૂવ આશ્રમની મુલાકાતે આવ્યા ત્યારે ગાંધીજી ઘંટી દળતા હતા, આનંદશંકરને પણ ગાંધીજીએ એ કામે બેસાડી દીધા હતા.
આશ્રમનું ટાઈમ-ટેબલ.. જે પાલન કરી શકે એ રહે. શરૃઆતમાં વીસ-પચ્ચીસ લોકો જ રહેતા હતા, જેમાંથી ઘણા તો ગાંધીજી સાથે આફ્રિકાથી આવેલા હતા. ગાંધીજીએ આ આશ્રમ આઝાદીની લડત માટે નહીં સાધન શુદ્ધી અને સાત્વિક જીવન માટે સ્થાપ્યો હતો. એ વખતે ગાંધીજીએ આઝાદીની લડતમાં સક્રિય પણ થવાનું ન હતું.
અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલો સાબરમતી આશ્રમ જાણીતો છે. આશ્રમ રોડના એક છેડે સાબરમતી આશ્રમ છે તો બીજા છેડે કોચરબ આશ્રમ છે. એ જોવા જેવા સ્થળની મુલાકાતે જોકે ઓછા પ્રવાસીઓ આવે છે.
1953માં આશ્રમનું મકાન રિનોવેટ થયા પછી મુંબઈ રાજ્યના (ત્યારે ગુજરાત અલગ રાજ્ય ન હતું) મુખ્યપ્રધાન મોરારજી દેસાઈના હાથે તેનું ઉદ્ઘાટન થયું હતું. પછી તો રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ, વડાપ્રધાન નહેરુ વગેરે મહાનુભાવો અહીંની મુલાકાતે આવ્યા હતા.

જતાં પહેલા જાણી લો

  •  અમદાવાદના આશ્રમ રોડ પર પાલડી ચાર રસ્તા પર આવેલા આશ્રમની મુલાકાત સમગ્ર વર્ષ દરમિયાન સવારના 8થી સાંજના સાત સુધી લઈ શકાય છે. અહીં સાદગીપૂર્ણ રીતે રાત રોકાવાની પણ વ્યવસ્થા છે. સંપર્ક – 079-26578358

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *