કોઈ મનુષ્ય જેવો દેખાય એવો જ હોય..? ન હોય એ વાત સૌ કોઈ જાણે છે. એટલે કે દરેક વ્યક્તિમાં સારા-ખરાબ ગુણો-અવગુણોનો સંગમ હોય જ. એ સંગમની જ કથા આ જગવિખ્યાત વિજ્ઞાન વાર્તા (સાયન્સ ફિક્શન)માં રોબર્ટ લુઈ સ્ટીવન્સને રજૂ કરી છે.
સ્કોટલેન્ડના લેખક રોબર્ટ લુઈની કથાઓ ધરતીના સાતેય ખંડ પર વંચાતી રહે છે. એમાંય એમની બે કથા ‘ટ્રેઝર આઈલેન્ડ’ અને ‘સ્ટ્રેન્જર કેસ ઓફ ડોક્ટર જેકીલ એન્ડ હાઈડ’ અનેક ભાષામાં અનુવાદિત થઈ છે. ટ્રેઝર આઈલેન્ડમાં ખજાનો શોધવાની વાત છે, તો જેકીલ એન્ડ હાઈડના ટુંકા નામે વધુ જાણીતી વાર્તામાં એક જ વ્યક્તિના બે સ્વરૃપની કથા છે. અલબત્ત, વિજ્ઞાનની દૃષ્ટિએ. 1886માં પ્રગટ થયેલી વાર્તામાં ડોક્ટર જેકીલ કઈ રીતે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પોતાના જ શરીરને બીજું સ્વરૃપ આપે છે તે વર્ણવાયું છે. તેના કેટલાક અંશો…
જેકીલ એન્ડ હાઈડ
ભાવાનુવાદ- સાધના નાયક દેસાઈ
પ્રકાશક – ફેલિક્સ પબ્લિકેશન, સુરત, 9426777001
કિંમત – રૃપિયા 140
પાનાં – 128
મહત્વનાં પાત્રો
1. ડો.હેનરી જેકીલ – લંડનના પ્રતિષ્ઠિત નાગરિક
2. એડવર્ડ હાઈડ – જેકીલનું જ બીજું સ્વરૃપ
3. ગેબ્રિઅલ જોન અટરસન – સમગ્ર ઘટનાની તપાસ કરનારા એડવોકેટ
4. રિચાર્ડ એનફિલ્ડ – અટરસનના મિત્ર
5. સર ડેનવર્સ કેરો – સાંસદ
6. ડો. હેસ્ટી લેન્યોન – જેકીલના મિત્ર
7. પોલ – જેકીલની ઘરે કામ કરનારો સહાયક
- તેના વ્યક્તિત્વમાં એક પ્રકારની કાળી છાયા હતી. અમારા સૌના ગુસ્સાની મજાક કરતો હોય તેટલી ઠંડકથી તે ઊભો હતો.
- દેખાવે ઘૃણાસ્પદ, કદરૃપી, ક્રૂપ વ્યક્તિ, પરોઢિયે ચાર વાગ્યે,કોઈક મકાનમાં ચાલી જાય. ત્યાંથી કોઈક બીજી જ વ્યક્તિના નામનો ચેક લઈને આવે! તે વ્યક્તિ ખ્યાતનામ હોય. એ કેવી રીતે બની શકે?
- તિજોરી ખોલી, સૌથી અંદરના ખાનામાંથી એક કવર કાઢ્યું. તેના પર લખ્યું હતુ, ડો.જેકીલની વસિયત.
- વસિયતમાં ગાયબ થઈ જવાની શરત એડવોકેટને બેચેન કરી રહી હતી. મનમાં મૂંઝવણ તેમજ શંકાના વાદળો ઊભા કરી દેતી હતી.
- લંડન કોલાહલનું શહેર ગણાતું હતું. પરંતુ આ ગલી પ્રમાણમાં શાંત હતી. રસ્તાની બંને બાજુનાં ઘરોમાંથી વાતચીતના ધીમા અવાજો હવામાં ફેલાઈ રહ્યા હતા. રસ્તા પર પડતાં પગલાંના અવાજો આગંતુકના આગમનની છડી ઘણા સમય પહેલા જ પોકારી દેતા હતા.
- ડર અને હિંમતનું એ કાતિલ મિશ્રણ હતું.
- અટરસનનું માનવું હતું કે એક વાર હાઈડને જોવાથી તેમની મૂંઝવણનો ઉકેલ મળી શકશે, પરંતુ જોયા બાદ તે બમણી થઈ ગઈ હતી.
- અપ્રામાણિક વકીલો તેમજ નાની-મોટી વસ્તુઓના વિક્રેતા જેવા માણસો તેમાં રહેતા હતા.
- પરંતુ એડવોકેટની નજર પારખું હતી. તે શિષ્ટાચારી ચહેરા પાછળની દુષ્ટતા તેમજ મિથ્યાચારના ભાવ તેઓ સહેલાઈથી વાંચી શક્યા.
- હાઈડને ઘણા ઓછા લોકો ઓળખતા હતા. એના ઘરની નોકરાણીએ પણ એને માત્ર બે જ વાર જોયો હતો.
- પત્ર વાંચ્યા બાદ બીજી શંકા થઈ આવી. તેમણે અચાનક જ પૂછ્યું. ‘આ તો ફક્ત પત્ર છે. કવર ક્યાં છે?’
- સર ડેનવર્સ કેરોનું મૃત્યુ દુઃખદ ઘટના હતી, પરંતુ તેના કારણે હાઈડનું અદૃશ્ય થવું વધારે મોટી રાહત હતી.
- જીવનમાં ઘણી વાર અજ્ઞાન આશીર્વાદરૃપ હોય છે.
- એક પળમાં તો બારી બંધ થઈ ગઈ. એક પળ માટે દેખાયેલું એ દૃશ્ય વિચિત્ર હતું. નીચે ઊભા રહેલા બંને મહાશયોનું લોહી એ દૃશ્ય જોઈ થીજી ગયું.
- તેઓ બંને રૃમને જોઈ રહ્યા. રૃમની વચ્ચોવચ એક માનવદેહ પડ્યો હતો. દુઃખ તેમજ પીડાને કારણે મરડાઈને બેડોળ બની ગયેલું શરીર જણાતું હતું.
- હું તેમના સંદેશાવાહકની રાહ જોઈ રહ્યો હતો. જોકે મેં એક બંદૂક ભરીને તૈયાર રાખી લીધી. કદાચ સ્વબચાવ માટે મારે તેની જરૃર પડી જાય!
- મને ખ્યાલ આવતો ગયો કે હકીકતમાં કોઈ પણ વ્યક્તિ એક નથી હોતી. દરેક માણસમાં બે વ્યક્તિત્વ હોય છે.
- છેવટે મારા આત્માના અવાજની અનેક ચેતવણીઓને અવગણીને હું આગળ વધ્યો.
- સમગ્ર માનવજાતમાં એડવર્ડ હાઈડ અનોખો હતો. એ એકમાત્ર એવો માણસ હતો-જે નખશીખ દુષ્ટ હતો. નકારાત્મક અવગુણોનો જ બનેલો હતો.
- ટૂંકમાં કહું તો મેં ખોટો રસ્તો પસંદ કરી લીધો હતો.
- એડવર્ડ હાઈડે કંઈ ખોટું કામ કર્યું હોય તોપણ શું? અરીસા પર લાગેલા ઉચ્છાશ્વાસના ડાઘાની જેમ એણે તો ગાયબ જ થઈ જવાનું હતું ને?
- આખો દિવસ ડો. જેકીલ બની સામાજિક પ્રતિષ્ઠાનો આનંદ હું ઉઠાવતો. રાત્રે હાઈડ બની હું મારા સ્વચ્છંદી સાહસો પર નીકળી પડતો.
- મારી પરિસ્થિતિ આ વિશ્વની કોઈ પણ વ્યક્તિ સમજી શકે એમ નથી.
- હાઈડ કોણ? ડો. જેકીલની નબળાઈનું પરિણામ!
- હાલ પૂરતો ફાંસીના માંચડાનો ડર ન હતો. હવે તેનાં કરતાં મોટો ડર મને રીબાવી રહ્યો હતો. ગમે ત્યારે, ગમે ત્યાં, વગર દવાએ હાઈડ બની જવાનો ડર!
- ટૂંકમાં મારી સફળતા, મારા પ્રયગોની સફળતા રસાયણની અશુદ્ધિને આભારી હતી!