જાપાન પ્રવાસ -16 : નથી જોઈતો મારે આ તાજ!

ટોકિયોના હાર્દ ગણાતા શિન્ઝુકુમાં આગળ વધતાં વધતાં એક કદાવર મકાન જોવા મળ્યું, જેની આખી મોટી દીવાલ કાચની બનેલી હતી. કાચ કાપવાની ટેકનોલોજી જરા અઘરી છે. મોટા કદના કાચ કાપવાનું કામ આસાન નથી. અહીં તો ખાસ્સા મોટા કાચ હતા, વળી તેની ડિઝાઈન બનાવેલી હતી. મને એ કાચમાં રસ પડ્યો એટલે અમારી ટીમ એ બિલ્ડિંગમાં જ પહોંચી ગઈ. ત્યાં એક કોફી શોપ હતી, જ્યાં ચા-પાણી કરી શકાય એમ હતા. અમે આમેય ચા-નાસ્તાની શોધમાં જ હતા. આમ-તેમ આંટા-ફેરા કરીને થાક્યા હતા એટલે ક્યાંક બેસીએ એવો વિચાર હતો.


જાપાનમાં દરેક મોટા બાંધકામાં પ્રવેશો એ સાથે જ આખા મકાનનો નકશો ‘(ફ્લોર-પ્લાન)’ જોવા મળે. ક્યા માળે શું છે, ક્યાં એક્ઝિટ છે, ક્યાં કઈ સુવિધા છે… વગેરે માહિતી આપેલી હોય એટલે આગંતુકના કેટલાક સવાલ ત્યાં જ શમી જાય. આપણે ત્યાં આવા ફ્લોર પ્લાન બહુ ઓછા બિલ્ડિંગમાં જોવા મળે. હા, પ્રવેશદ્વાર પાસે કોની ઓફિસ ક્યા માળે તેના બોર્ડ રેલવે યાર્ડમાં ગોઠવાયેલા ડબ્બાની માફક ગોઠવાયેલા હોય છે. અમે કોફી હાઉસમાં પહોંચ્યા, ‘ઈન્ડિયન મસાલા ટી’ મેનુમાં લખેલી હતી, એટલે કોફી જેવા પીણા પર પસંદગી ઉતારવાનું કોઈ કારણ ન હતું.

ટોકિયોની સફર દરમિયાન અકિકો અને ફુકુશિમા ઉપરાંત અમારી સાથે જાપાન ટુરિઝમના કાઓરી કાવાયોકો નામક યુવતી જોડાયા હતા. એ પણ જરૃર પ્રમાણે રસપ્રદ માહિતી આપતા હતા અને અમારા અભિપ્રાય જાણવા પ્રયાસ કરતા હતા. એમણે ત્યાં બેઠા બેઠા જ કાચની પેલે પાર થોડે દૂર દેખાતા એક જૂના બાંધકામ તરફ આંગળી ચીંધીને કહ્યું કે એ જાપાનના શહેનશાહ અકિહિતોનું રહેઠાણ કહેતાં મહેલ છે. જાપાનમાં હવે કંઈ રાજાશાહી નથી પરંતુ બંધારણના વડા તરીકે તેમનું પદ યથાવત રખાયું છે. છેલ્લા 500 વર્ષથી એ પરિવાર જાપાન પર રાજ કરે છે, એટલે કે વંશપરંપરાગત રીતે શહેનશાહના પદે બિરાજે છે. મારો સવાલ એ હતો કે શહેનશાહનું કામ શું? સરકાર ચલાવવામાં તેમનો કોઈ રોલ ખરો? પ્રજા-શહેનશાહના સબંધો કેવાં?

કાઓરીએ કહ્યું કે વર્ષમાં બે-ચાર પરંપરા નિભાવવા સિવાય એમનું ખાસ કોઈ કામ હોતું નથી. એક તો એ વર્ષના અમુક દિવસે મહેલના પ્રાંગણમાં આવેલા મિનિ ખેતરમાં ધાનનું રોપણ કરે. આખા જાપાનમાં સારી એવી ખેતપેદાશ ઉપજે એ માટે પ્રાર્થના કરે અને તેની પ્રતિકાત્મક વિધિ તરીકે બિજ રોપણ કરે. ટેકનોલોજીમાં ગમે તેટલાં આગળ નીકળ્યાં છતા જાપાની પ્રજા જમીન સાથે જોડાયેલી છે. શહેનશાહ પોતે જ પ્રતીકાત્મક ખેતી કરતાં હોય પછી પ્રજા ખેતી રત રહે તેની કોઈ નવાઈ નથી. જાપાન તો ટાપુ રાષ્ટ્ર છે, જરૃરિયાતની ઘણી ચીજો બહારથી મંગાવવી પડે છે. પણ જાપાનમાં તેમની જરૃરિયાત કરતાં વધારે ચોખા પેદા થાય છે, એ વાતનું ગૌરવ અકિકોએ વ્યક્ત કર્યું.

એમ્પેરર માટે ખાસ પ્રથા-રીત-રિવાજ નક્કી થયેલા છે. જે કોઈ શહેનશાહ બને તેમણે એ પ્રમાણે વર્તવું ફરજિયાત છે. એ બધી રીત-ભાતનું પાલન કરવું અઘરું પડે છે. જેમ કે ખાસ પ્રકારનો પોશાક પહેર્યા સિવાય શહેનશાહ કે રાજવી પરિવારના અન્ય સભ્યો બહાર નીકળી શકતા નથી. એટલે કે રાણી સાહિબાએ રોજ રોજ સાડી જેવો ભારેખમ જાપાની ડ્રેસ કિમોનો જ પહેરવો પડે. એમાં પણ મોર્ડન કે આકર્ષક લાગતા કિમોનો ન ચાલે કેમ કે જાપાની ટ્રેડિશનલ કિમોનો તો સાદગીપૂર્ણ જ હોય છે. 84 વર્ષના થયેલા એમ્પેરર અકિહિતો આ બધી પરંપરાથી કંટાળ્યા છે. શહેનશાહીનો તાજ એમને હવે કાંટાળો લાગે છે. માટે પોતે નિવૃત્ત થવા માંગે છે, એવી એમણે ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ જાપાનના બંધારણમાં રાજા નિવૃત્ત થાય એવી જોગવાઈ નથી. રાજા અવસાન પામે પછી વારસ ગાદી પર આવે એવી સિસ્ટમ પાંચ સદીથી ચાલી આવે છે. અકિહિતો એ પરંપરામાં બ્રેક મારવા ઈચ્છે છે.

પરિવાર-સરકારે ચર્ચા કર્યા પછી વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. બંધારણમાં જોગવાઈ નથી, પણ હવે જોગવાઈ કરી દઈએ. એટલે કોઈને ઈચ્છા વિરૃદ્ધ આજીવન તાજ પહેરી ન રાખવો પડે. માટે હવે સરકારે કરેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે એપ્રિલ 2019માં અકિહિતો નિવૃત્ત થશે અને મોટા દીકરા કુંવર નુરિહિતો ગાદી પર આવશે. કહેવાય કુંવર પણ એ છે તો 58 વર્ષના. સત્તાના હસ્તાંતરણ પછી અકિહિતો અને રાણી બન્ને બીજા ‘અકાસ્કા પેલેસ’ કહેવાતા મહેલમાં રહેવા જતા રહેશે. કેમ કે ટોકિયોના રોયલ પેલેસમાં તો સત્તાધિશ હોય એ રાજા-રાણી જ રહી શકે.

ત્યાં અમારી ચા-કોફી આવી એટલે રાજાશાહીમાંથી બહાર નીકળી અમે ટેબલ પર ધ્યાન આપ્યું. અમારી ટૂકડીમાં રહેલી જપાની યુવતી-મહિલાઓ હવે ઓળખાણ પછી અંગત વાતો કરતી થઈ હતી, પોતાની વ્યથા-સમસ્યા પણ રજૂ કરતી હતી. જાપાનમાં બાળક જન્મદર નીચો હોવાનો મોટો પ્રોબ્લેમ છે. અકિકોએ કહ્યું કે અમારા જેવી યુવતીઓને લોકો સતત પૂછ્યા કરે કે લગ્ન થયા તોય હજુ બાળક કેમ નથી, ક્યારે થશે… પણ એ લોકો નથી સમજતાં કે હું કરિયર પર ધ્યાન આપું છું. તો વળી કાઓરીએ તો લગ્ન જ કર્યા ન હતા, હજુ તેની ઉંમર એટલી બધી થઈ ન હતી, એટલે કદાચ.

લગ્ન થાય તો પણ કંઈ ભલીવાર નથી. કેમ કે લગ્ન થયા પછી છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. કારણ? આધુનિક યુવતીઓ કરિયર પર ધ્યાન આપે છે, જ્યારે પુરુષોને રસોડુ સંભાળે એવી મહિલા જોઈએ છે. અલબત્ત, એ સમસ્યા બીજા દેશો કરતા જાપાનમાં ઘણી નાની છે, પણ જાપાનની શિસ્તબદ્ધ પ્રજાને મોટી લાગે છે.

વૃદ્ધોની સતત વધતી સંખ્યા જાપાન માટે વધુ એક મોટી મુશ્કેલી છે. પહેલેથી જન્મદર ઓછો છે અને એમાંય હવેની પેઢી તુરંત બાળકો પેદા કરવામાં માનતી નથી. એવું તો ભઈ બધે છે.. દરેક દેશને પોતાની સમસ્યા તો હોવાની જ ને! આપણે થોડા કંઈ યુટોપિયા પર રહીએ છીએ?
એવી ચર્ચા કરતાં કરતાં ચા-કોફી પતાવીને અમે કાચ-આકર્ષક મકાનમાંથી બહાર નીકળ્યા. સાંજ શરૃ થઈ ચૂકી હતી, ટોકિયોની રંગત અમારી રાહ જોતી હતી.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *