જાપાન-8 : 10 અબજ મુસાફરોમાંથી મોત કેટલાંનાં થયા?

જાપાનમાં અત્યારે મેગલેવ બુલેટ ટ્રેન અઢીસો કિલોમીટરની સરેરાશ ઝડપે આમથી તેમ લાખો મુસાફરોની હેરાફેરી કરી છે. પરંતુ હવે 500 કિલોમીટરની ઝડપે સુસવાટા બોલાવતી ગાડી પસાર થાય તેની તૈયારી ચાલે છે. નાગોયા બંદર છે, કાંઠે નાના-મોટા જહાજો પાર્ક થયેલા પડ્યાં છે.  જોતાં જોતાં અમે મેટ્રોના છેલ્લા સ્ટેશને ઉતર્યાં. એ સ્ટેશનનું નામ જ રેલવે પાર્ક હતું. નાગોયામાં આવેલા ‘એસસીમેગલેવ એન્ડ રેલવે પાર્ક’ નામના મ્યુઝિયમમાં અમે પહોંચ્યા. એસસી એ હકીકતે સુપરકન્ડક્ટિવિટી માટેના ટૂંકા શબ્દો છે. અહીં નાના-મોટાં 37 રેલવે એન્જિન-ડબ્બા પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

મેગલેવ મ્યુઝિયમ જોવા અમે મેટ્રો ટ્રેનમાં સવાર થઈને ઉપડ્યાં..

જાપાનમાં મેગલેવ રેલવે ખાનગી કંપનીઓ ચલાવે છે. એક કંપની છે, ‘જેઆર’ એટલે કે ‘જાપાન રેલવે’. તેની માલિકીનું આ મ્યુઝિયમ છે. અહીં એક પાંચ-સાત મિનિટની ફિલ્મ દર્શાવામાં આવે છે. જેમાં જાપાને કઈ રીતે બીજા વિશ્વયુદ્ધ પછી ફાસ્ટ રેલવે પર ધ્યાન આપ્યું અને આજે આખી દુનિયાએ ધ્યાન આપવું પડે તેવી સિદ્ધિ મેળવી લીધી તેની કથા છે. એ ફિલ્મ પ્રમાણે તો જાપાનીઓને 500 કિલોમીટરની ઝડપે ટ્રેન ચલાવામાં કોઈ વાંધો પડે એમ નથી. તેની તૈયારીઓ કરી જ લીધી છે. સલામતી અને અંદર રહેલા મુસાફરોને ઓછામાં ઓછા જર્ક આવે એ વાતનું ધ્યાન રાખવાનું છે. અત્યારે જે મેગલેવ ટ્રેનો ચાલે છે, તેમાં અંદર મુસાફરોને કોઈ જાતની હડબડાટીનો સામનો કરવાનો થતો નથી. બધા ડબ્બા એરટાઈટ હોવાથી બહાર શું ચાલે છે, તેની સાથે અંદરના લોકોને ખાસ ફરક પડતો નથી.

હારબંધ ગોઠવાયેલા ટ્રેનના મોડેલ્સ

આ મ્યુઝિયમ જાપાનમાં મેગલેવ રેલવે ટેકનોલોજીએ કઈ રીતે પ્રગતી કરી તેનો અંદાજ આપે છે. હવે ભવિષ્યમાં 1000 કિલોમીટરની ઝડપે ટ્રેન કઈ રીતે દોડાવી શકાય તેના પર એ લોકો કામ કરી રહ્યાં છે. એ દિવસો જોકે બહુ દૂર નથી. આમેય 581 કિલોમીટરની ઝડપ તો છેક 2003માં સુપરકન્ડક્ટિવિટી મેગલેવે હાંસલ કરી દેખાડી જ છે. પરંતુ એ ઝડપ પ્રયોગ માટે હતી. ધીમે ધીમે તેનો ઉપયોગ વધારાશે.

ટ્રેન ટેકનોલોજીની સમજણ (જો મગજમાં ઉતરે તો)..

નવી મેગલેવ ટ્રેન ચાલુ કરતી વખતે એક ઝડપ, બે આરામ અને 3 સલામતી.. એટલી વાત એમને ધ્યાનમાં લેવાની હોય છે. સલામતીની બાબતમાં જાપાનને કદાચ કોઈ પહોંચે એમ નથી. કેમ કે 1964થી બુલેટ ટ્રેનો શરૃ થઈ, આજ સુધીમાં 10 અબજથી વધુ મુસાફરોની હેરાફેર કરી છે અને બુલેટ અકસ્માતમાં મોતની સંખ્યા કેટલી ધારો છો?

ભારતમાં તો વર્ષે હજારો કરોડો મુસાફરો સફર કરે અને હજારો મૃત્યુ પામે છે. જાપાનમાં 10 અબજ લોકોએ શિન્કાનસેનમાં સફર કરી અને તેમાંથી મૃત્યુની સંખ્યા છે, ઝીરો. એટલે કે અડધી સદી કરતાં વધુ સમય થયે બુલેટમાં મુસાફરો સફર કરતાં હોવા છતાં આજ સુધીમાં એક પણ મોત અકસ્માતને કારણે નોંધાયુ નથી. એ મેગલેવ ટ્રેન સિસ્ટમ આખી દુનિયાને સલામત લાગે, આકર્ષક લાગે અને તેનું અનુકરણ થાય તેની નવાઈ શી?

વચ્ચે વચ્ચે નાના-મોટા વીડિયો દ્વારા સમણજણ વધારતા જાય.

‘સફારી’માં એ વાત વારંવાર વાંચી હોય કે ‘મેગલેવે (મેગ્નેટિક લેવિટેશન)’ ટેકનોલોજીને કારણે ટ્રેન ઉપડે ત્યારે પૈડાંનો સ્પર્શ પાટાં સાથે થતો નથી. પણ એ ટેકનોલોજી કઈ રીતે કામ કરે તેનો થોડો ઘણો અંદાજ અહીં એક વીડિયો જોયા પછી મળ્યો. વિમાન ઉતરવાનું થાય એટલે કે લેન્ડિંગ ગિયર (પૈડાં) પેટાળમાંથી બહાર નીકળે. એ રીતે જ ટ્રેન ચાલતી ચાલતી સ્ટેશન પાસે આવે, ધીમી પડે ત્યારે અંદર ખેંચાયેલા પૈડાં બહાર નીકળે અને પાટાને સ્પર્શે. ત્યાં સુધી એટલે કે ચાલતી હોય એ દરમિયાન પૈડાં-પાટા વચ્ચે સંપર્ક હોતો નથી. એટલે જ મેગ્નેટ કહેતા ચૂંબકિય બળના જોરે ટ્રેન આગળ ચાલતી રહે છે.

અહીં મુસાફરોને મજા કરાવતો એક વિભાગ ડ્રાઈવિંગ સિમ્યુલેટર છે. એટલે તમે પોતે બુલેટ ચલાવતા હો એવો અનુભવ લઈ શકાય. પણ એ માટેની પ્રક્રિયા જરા લાંબી છે. દરેક મુલાકાતીને તેનો લાભ મળતો નથી. અમે પહોંચ્યા ત્યારે પણ એ સિસ્ટમ ચાલુ કરી શકાય એમ ન હતી.

ફૂલ સાઈઝના 39 રેલવે મોડેલ છે, એટલે સમજવામાં સરળતા રહે

આ મેગલેવ ટેકનોલોજી જટીલ છે, પરંતુ અહીં સરળ રીતે સમજી શકાય એમ છે. જોકે બધું ન સમજાય તો આપણે ક્યાં રેલવે એન્જીનિયર થઈ જવું છે.. જેટલું સમજાય એટલું માણીએ એટલે ઘણુંય. મ્યુઝિયમ જોઈને અમે આગળની સવારી માટે રવાના થયા.

‘નાગોયા કેસલ’ એટલેકે મહેલ કે પછી કિલ્લો જે ગણો એ. એક સમયે શોગનનો અહીં વાસ હતો. જાપાનના ઈતિહાસમાં1600થી શરૃ થઈને 1868 સુધી ચાલેલા એડો પિરિયડનું બહુ મહત્ત્વ છે. જાપાનનોસામ્રાજ્ય તરીકે મહત્તમ વિકાસ એ સમયગાળામાં થયો હતો. એ પછી જાપાને આધુનિકતાઅપનાવી. એ સમયના કેટલાક પ્રતીકો આજે પણ જાપાનમાં ઉભા છે, જેમાં નાગોયા કેસલ આગળ પડતો મહેલ છે.

રાજમહેલનો આ ઓરડો વિશિષ્ટ છે.. 

આપણે ત્યાં રાજમહેલનો પાર નથી, નાના-નાના રજવાડાંઓની હવેલી પણ ઢગલાબંધ છે. એટલે એ બધુ જોયા પછી બહારથી ભવ્ય અને અંદરથી સાદગીપૂર્ણ દેખાતા આ કેસલ જોવામાં આપણને ખાસ રસ ન પડે. ઈતિહાસ જાણવા મળે અને જાપાની કેસલ કેવા હોય એ જિજ્ઞાસા પુરી થાય. જિજ્ઞાસા પતાવીને અમે આગળ વધ્યા.

હવેની સફર વધુ એક ઐતિહાસિક શહેર તરફ લઈ જઈ રહી હતી.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *