જેસલમેર ભાગ -3ની લિન્ક
જેસલમેર પાસે આવેલું તનોટ મંદિર ત્યાં રખાયેલા પાકિસ્તાની તોપ-ગોળા માટે જાણીતું છે. એવા તોપ-ગોળા જે પાકિસ્તાને ભારત પર ફેંક્યા પણ ફૂટ્યા નહીં!
1971ની લડાઈ વખતે પાકિસ્તાને રાજસ્થાન સરહદેથી આક્રમણ કરી જેસલમેર સુધી ઘૂસી આવવાનું આયોજન કર્યું હતું. એ માટે પાકિસ્તાની કુમકે લોંગેવાલાને ‘દરવાજા’ તરીકે પસંદ કર્યું હતું. સરહદે આવેલું એ થાણું હવે તો ‘બેટલ ઑફ લોંગેવાલા’ માટે જાણીતું છે. એ બેટલમાં પાકિસ્તાનીઓને હરાવીને ભારતે ફતેહ હાંસલ કરી હતી. એ કથા શરીરમાં શેર લોહી ચડાવે એવી છે. એવાત કરતાં પહેલા લોંગેવાલા તરફ સફર તો આરંભીએ.
સવારે વહેલા ઊઠીને અમે જેસલમેરથી સવાસો કિલોમીટર ઉત્તરે આવેલા ‘તનોટરાય’ના મંદિરે જવા નીકળી પડયા. લોંગેવાલા ચેક પોસ્ટ પાસે જ એ મંદિર છે. એ પછી સરહદી વિસ્તાર શરૃ થાય. જે. પી. દત્તાની ફિલ્મ ‘બૉર્ડર’ યાદ હોય તો કદાચ આ મંદિર પણ યાદ હોય એવું બની શકે. ફિલ્મમાં આ મંદિરની કથા રજૂ થઈ છે, કેમ કે આ મંદિરને ધર્મ કરતાં લશ્કર સાથે વધુ નાતો છે.
પાકિસ્તાની જ્યારે જ્યારે થરપારકરના રણ તરફથી હુમલો કરે ત્યારે તેમને પહેલા જે સ્થળોનો ભેટો થાય એમાં લોંગેવાલા, તનાેટ માતા વગેરેનો સમાવેશ થાય છે. અહીં પાકિસ્તાનીઓએ 1965 અને પછી 1971ના યુદ્ધ વખતે જબરદસ્ત બૉમ્બમારો કર્યો હતો, પણ તનોટમાતાની કૃપા સમજો કે મંદિરના પ્રાંગણમાં ફૂટેલો એક પણ તોપ-ગોળો ફૂટયો નહીં. એટલે બૉર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ એ બધા ગોળા વીણીને યુદ્ધ પછી મંદિરમાં જ પ્રદર્શન માટે રાખી દીધા છે. એટલે આજે પણ તનોટ આવતા પ્રવાસીઓ માતાજીના દર્શન કરે ન કરે, લીલા કલરના ન ફૂટેલા પાકિસ્તાની ગોળાઓના અચૂક દર્શન કરે છે. એ મંદિરે અમારે જવાનું હતું એટલે ઉત્સાહનો પણ પાર ન હતો..
જગતના નવમા સૌથી મોટા રણમાં સ્વાગત
ગાડી રવાના થઈ. થોડી વારે જેસલમેરનો શહેરી વિસ્તાર અને શહેરના પડછાયામાં પથરાયેલો ગ્રામ્ય વિસ્તાર પૂરો થયો. એપછી શરૃ થયું પ્રકૃતિનું નવું સ્વરૃપ. એ સ્વરૃપ એટલે રણ-પ્રદેશ. એક તો રસ્તા સાવ ખાલી અને બંને બાજુ રેતીના ઢૂવા. લગભગ નિર્જન કહી શકાય એવો વિસ્તાર. ડામરનો રોડ આમ તો કાળા કલરનો હોય, પણ અહીં પીળો પડી ગયો હતો. કારણ? રણની રેતી આમથી તેમ ઊડયા કરે, ઢૂવા રસ્તા પર પણ ખડકાય, વળી રેતી ઊડે એટલે રસ્તો સાફ થાય. એ રેતીનો કલર છેવટે રસ્તા પર પોતાની છાપ છોડી જાય. એટલે કોઈ પણ સમયે તનોટમાતાના રસ્તાનો કલર તો રેતી સાથે ઓતપ્રોત થયેલો જ જોવા મળવાનો.
જગતના નવમા સૌથી મોટા રણનું સૌંદર્ય અમારી સામે હતું. રેતીના ઢગલા ઉપર ક્યાંક ક્યાંક ગાંડો બાવળ ઉગેલો, એ સિવાયની વનસ્પતિની તો આશા કેમ રાખી શકીએ? પવન સૂસવાટા મારતો હતો અને એ વચ્ચેથી અમારી ગાડી હવા કાપતી પસાર થઈ રહી હતી. રસ્તા પર ડામર ઓછો અને મૃગજળ વધારે દેખાતું હતું. અમારે સામ સેન્ડ-ડયુન્સમાં જોવા હતા એવા ઢૂવાઓનો અહીં પાર ન હતો.
અમારો વિચાર હતો કે એકાદ ઢૂવા પાસે ગાડી ઊભી રાખીને જાત-અનુભવ લઈએ. પરંતુ અમે કયા ઢૂવા પર ચડવું, 50-60 ફીટ ઊંચા ઢૂવા પર ચડવામાં ખતરો કેવો હોઈ શકે તેની ચર્ચા કરવી, રેતીમાં પગ ખૂંપવા માંડે તો શું કરવું, ઢૂવા પર ચડતી વખતે જ પવન વધારે આક્રમક બને તો…વગેરે પ્રશ્નોની ચર્ચા કરતા હતા. અમારી એ ચર્ચા જોકે ફાલતુ હતી. કેમ કે આ રેતીમાં એવો કોઈ ખાસ ખતરો ન હતો. એ વાતની અમને ક્યાંથી ખબર હોય?
અમે ઢૂવા પાસે પહોંચીએ એ પહેલા ઢૂવો જ અમારી પાસે આવી પહોંચ્યો. એટલે કે એક ઢૂવાનો છેડો છેક રસ્તાની મધ્ય સુધી લંબાતો હતો. જેથોડાં-ઘણાં વાહનો આ રસ્તેથી પસાર થતાં હતાં એ બાજુમાંથી ધીમેથી પસાર થતાં હતાં. અમે એઢૂવાની જ મુલાકાત લેવાનું નક્કી કર્યું. ગાડી બાજુમાં ઊભી રાખી ત્યાં જ અમને ઢૂવા પર ચડવામાં ખતરો નથી એવું સર્ટિફિકેટ મળી ગયું, કેમ કે ત્યાંના ગામના બાળકો ઢૂવા પર ચડીને રમતાં હતા.
અમે બાળકોની માફક ઉપર ચડયા, રેતીના વિવિધ રંગો તપાસ્યા કેમ કે દૂરથી એકરંગી દેખાતા રેતીના કણો પણ પચરંગી હતા. બાળકો સાથે વાતો કરી, ઉપરથી દેખાતું અફાટ રણ જોયું. ઉપરથી જોયું તો થોડે દૂર છૂટાં-છવાયાં પાંચ-સાત મકાનો નજરે પડયાં. બાળકોને પૂછયું તો એમણે કહ્યું કે આ તો અમારું ગામ છે. આવું ગામ હોય? ગણીને પાંચ-સાત મકાન હતાં. એ પણ એકબીજાંથી ખાસ્સાં દૂર. રસ્તાના કાંઠે સૌથી પહેલું એક બાંધકામ હતું. અે જોકે મકાન નહીં, પણ જનરેટરની ઑફિસ હતી. અહીં લાઇટ માટે આ જનરેટર સિવાય કોઈ વિકલ્પ ન હતો.
રખેવાળી માટે નજીકમાં ચોકીદારની ઓરડી હતી. તેણે ચા-પાણીનું પૂછયું. થોડી વાતો કરી અને આવાં ગામો પણ હજુ ભારતમાં છે. એવાઅમારા કેટલાક મિત્રોના અચરજભાવ સાથે ત્યાંથી રવાના થયા. વહેલું આવે તનોટ.
રાઇફલના બદલે હાથમાં પૂજાની થાળી
અઢી-ત્રણ કલાક પછી આખરે નિર્જન વિસ્તાર વચ્ચે થોડું બાંધકામ દેખાવાની શરૃઆત થઈ. એ તનોટ મંદિર અને આસપાસ વસેલાં ગામો હતાં. લશ્કરના વિવિધ પ્રકારનાં બાંધકામો, લશ્કરી જવાનોની આવન-જાવન…વગેરે ચહલ-પહલ વચ્ચે અમે ગાડી પાર્ક કરી મંદિર તરફ આગળ વધ્યા. મોટા કદનાં બકરાં આટાં મારતાં જોઈ કેટલાક મિત્રોએ શંકા પણ વ્યક્ત કરી કે આ ક્યાંક પાકિસ્તાની જાસૂસો તો નથી ને!
મંદિરના પ્રાંગણમાં જ તનોટ માતાનો ઇતિહાસ લખ્યો હતો. એપ્રમાણે પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજીનું જ આ એક સ્વરૃપ છે. મંદિરના પ્રાંગણમાં હળવો કોલાહલ થતો હતો, ધજાઓ પવનમાં ફરફરતી હતી, ઘંટારવનો પણ ધીમો અવાજ આવતો હતો. એ બધું જોતાં અમે મંદિરની લાંબી પરસાળમાં પ્રવેશ્યા. એસાથે જ અમને એક પછી એક સરપ્રાઇઝ મળવાની શરૃઆત થઈ.
સાૈથી પહેલું સરપ્રાઇઝ તો એ કે લાંબી પરસાળના અંતે ગર્ભગૃહ હતું, પણ વચ્ચે ક્યાંય મંદિર-સહજ ગંદકી ન હતી. વધુમાં મંદિરમાં સામાન્ય નાગરિકો ઓછા અને બીએસએફના જવાનો વધારે હતા. અમેઆગળ વધ્યા એટલે ધીમે ધીમે સુવાસ ફેલાવતી એક ધૂણી જોવા મળી. અેમાં કેટલાક ત્રિશૂલ ખોડેલા હતા. એ પછી મંદિરનું ગર્ભગૃહ હતું, જ્યાં પૂજા સહિતની કામગીરી બીએસએફના જવાનો જ કરતાં હતા. વાહ! હાથમાં ‘ઇન્સાસ’ કે ‘એક-47’ લેવા ટેવાયેલા જવાનો સવાર-સાંજ પૂજાની થાળી, હાથમાં ઝાંઝ-પખવાજ લઈને બુલંદ અવાજે ગાતા ગાતા પૂજાવિધિ કરે છે.
ફૂટેલી પાકિસ્તાની તોપ
મંદિરનું મહત્ત્વ એ વાતે વધ્યું છે કે અહીં દુશ્મનોના ગોળા-બારૃદ નિષ્ફળ નીવડયા છે. 1965 અને પછી 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાને આ વિસ્તારમાં જબરદસ્ત તોપમારો કર્યો હતો. બંને યુદ્ધમાં કુલ મળીને 3 હજારથી વધુ ગોળા-શસ્ત્રો આ મંદિર તથા આસપાસના વિસ્તારમાં ફેંકાયા. પણ ફૂટયાં કેટલાં? મંદિરના પ્રાંગણમાં તો એકેય નહીં. આસપાસમાં કેટલાક ગોળા ફૂટયા, પણ કોઈ નુકસાન કરી ન શક્યા. મંદિરના પ્રાંગણમાં એક ઊંટ ઊભું હતું. તેના પૂંછડા સાથે એક ગોળો અથડાયો પણ એય ફૂટયો તો નહીં જ!
એ પછીઆ મંદિરનું રક્ષણ માતાજીએ કર્યું એવી વાત ફેલાતા વાર ન લાગી. બૉર્ડર ફોર્સના જવાનોની પણ શ્રદ્ધા વધી ગઈ. ભારતીય લશ્કરે ન ફૂટેલા પાકિસ્તાની તોપ-ગોળા એકઠા કર્યા. તેમાંથી 9 ગોળા અહીં મંદિરમાં ગર્ભગૃહની બાજુમાં શો-કેશમાં પ્રદર્શિત કરાયા છે. સાથે સાથે યુદ્ધની શૌર્યગાથા રજૂ કરતાં ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો પણ રજૂ કર્યા છે.
કેટલાક ગોળા લશ્કરે પોતાના અભ્યાસ માટે રાખ્યા હશે, બાકીના પાકિસ્તાનને પરત કરી દીધા. અહીં રહેલા ગોળા હવે ફૂટે એમ નથી કેમ કે તેનો વિસ્ફોટક પદાર્થ તો બહુ પહેલેથી કાઢી નાખવામાં આવ્યો છે. આજેતો આ મંદિર તેની વિશિષ્ટતાને કારણે ઘણું પ્રચલિત છે. ઈશ્વર સાથે મોતનો અનુભવ કરાવતા ગોળા બીજે જોવા પણ ક્યાં મળે? અમે પણ એ બધી વાતોથી ધન્યતા અનુભવી રહ્યા હતા.
દરમિયાન મંદિરમાં જવાનો કૃષ્ણજન્મોત્સવની તૈયારી કરી રહ્યા હતા. અમારા મિત્રો તેમની પાસે પહોંચી ગયા. જવાનો સાથે વાતો કરી કામમાં મદદ કરવા લાગ્યા. સામાન્ય રીતે મંદિરોમાં ભક્તોને ઈશ્વરોથી દૂર રાખવા માટે મંદિરના ઠેકેદારો પૂરતો પ્રયાસ કરતાં હોય છે. અહીં એવી કોઈ જફા ન હતી.
પાકિસ્તાની સૈનિકો પણ જેની પૂજા કરે છે…
સામાન્ય મંદિરોમાં સામાન્ય નાગરિકો બાધા-માનતા માટે આવે, તો અહીં સૈનિકો પોતાની માનતા કરવા આવે છે. ભારતના જવાનો તો આવે એમાં નવાઈ નથી, પરંતુ પાકિસ્તાની સૈનિકોએ પણ અહીં માથું ટેકવ્યાના દાખલા નોધાયા છે. 1965ના યુદ્ધ વખતે ગોળાબારી કર્યા પછી પણ મંદિરને કંઈ ન થયું. એ વાતની પ્રભાવિત થઈને એ પછી પાકિસ્તાની બ્રિગેડિયર શાહનવાજ ખાન આ મંદિરે ખાસ છત્ર ચડાવવા આવ્યા હતા.
તનોટ ગામનું નામ છે અને તેની વસતી 500થી વધારે નથી. દૂર, સાવ છેવાડે કહી શકાય એવા ગામે સ્વાભાવિક રીતે જ સુવિધાઓ પહોંચી શકી નથી. આવા છૂટા-છવાયાં ઘણાં ગામો રણના ઢૂવા પાછળ છુપાયેલાં પડયાં છે. ત્યાં શિક્ષણ, મેડિકલ કૅમ્પ વગેરે સમાજોપયોગી પ્રવૃત્તિ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અહીં શ્રદ્ધાળુઓ રહી શકે એવી પૂરતી સગવડ છે. જોકે ત્યાં ખાસ સામગ્રી મળી શકે એવી દુકાનો નથી એટલે જરૃરી ચીજો જેસલમેરથી સાથે લેવી રહી.
તનોટની બાજુમાં જ લોંગવાલા ચેકપોસ્ટ છે. અહીં આવતા પ્રવાસીઓ લોંગેવાલા અને ખાસ તો ત્યાં પાકિસ્તાન પાસેથી કબજે લીધેલી રણગાડી જોવા અચૂક જાય છે. બાઇકિંગના શોખીનો માટે આ રૃટ ફેવરિટ છે.
અમે પણ અહીં નિરાંતે ફર્યા, કેમ કે આખો વિસ્તાર જ નિરાંતનો છે. અહીં કોઈ ઇચ્છે તો પણ ઉતાવળ કરવાનું કોઈ કારણ મળતું નથી. અામ-તેમ આંટાફેરા કરી અમે પરત ગાડીમાં સવાર થયા અને રણના ઢૂવા વચ્ચેથી પસાર થતાં ફરી જેસલમેર તરફ આવવા રવાના થયા.
જેસલમેરમાં જ બપોરા કર્યા પછી અમદાવાદ તરફ અમારી ગાડી આગળ વધી. રસ્તામાં એક સ્થળે કદાવર રાજસ્થાની પથ્થરો કપાતા હતા. માર્લબના ઉત્પાદન માટે રાજસ્થાન જાણીતું છે. આ પથ્થર જોકે ઍક્ઝેટ માર્બલના નહીં પણ બીજા પ્રકારના સ્ટોન પેદા કરવા માટેના હતા. વિશાળ પથ્થરને કાપવા માટે અહીં વિશાળ ચકરડી હતી. અમે એ સ્થળના સંચાલક-માલિકને પૂછીને પથ્થર-કટિંગ જગ્યામાં આંટો મારી લીધો. એ સાથે જ રણમાં રખડવાનો પ્રવાસ પૂરો થયો.