ભાગ-2ની લિન્ક
અમારું આગામી મુકામ ‘ગડીસર તળાવ’ હતું. કિલ્લાથી જરા દૂરના એ તળાવના કાંઠે રાજા-મહારાજા સમય પસાર કરવા આવતા હતા. રણમાં પાણી ઓછું હોય ત્યારે આ તળાવ પાણીનો સંગ્રહ કરે અને પછી આખું વર્ષ તેનું પાણી ચાલ્યા કરે એવી ગોઠવણ કરવામાં આવી હતી. બાંધેલો કાંઠો, પગથિયાં, ઝરૃખા, વચ્ચે પણ નાનાં-મોટાં બાંધકામો પરથી જ એ રોયલ હોવાનું દેખાઈ આવતું હતું.
તળાવમાં વિશિષ્ટ પ્રકારની પહોળા મોઢા ધરાવતી કેટફિશ નામે ઓળખાતી પહોળા મોઢાવાળી માછલીઓની ભરમાર હતી, માટે પાણીમાં પગ મૂકવાની કોઈએ હિંમત ન કરી. તળાવના કાંઠે શાંતિ હતી. અમારા જેવા ચાર-પાંચ ઝૂંડને બાદ કરતા કોઈ હતું નહીં. અમે રખડતા રખડતા સામે કાંઠે પહોંચ્યા. ત્યાં અમને એક પરદેશી પ્રવાસી મળ્યા. તેમની દાઢી વધેલી હતી, ખભે એક દેશી થેલો હતો, પગમાં ચપ્પલ…અમને કોઈ ફકીર જેવા લાગ્યા… પરદેશી પ્રવાસીઓ ભારતમાં આવીને ઘણી ગરબડો કરતાં હોય છે. એવા કોઈ આ ભાઈ હશે? કે પછી ‘મેડ ઈન ફોરેન’ ગરીબ હશે, જે અહીં રહી ગયા હશે…વગેરે સવાલો અમારા મનમાં ઊઠ-બેસ કરતાં હતા.
એટલી વારમાં તો પ્રોફેસર તેમની પાસે પહોચી ગયા. બન્ને સમજી શકે એવી એક ભાષા પ્રોફેસર જાણતા હતા, અંગ્રેજી! તેમણે વાતચીત પણ કરી. પછી પ્રોફેસર અમારી પાસે સરપ્રાઇઝિંગ માહિતી સાથે હાજર થયા. એ મુફલિસ લાગતા પરદેશી હકીકતે તો જળ-સંસાધનો પર અભ્યાસ કરવા યુરોપના કોઈ દેશથી આવીને ભારત ફરતા હતા. આખાભારતમાં પાણીની સૌથી વધુ અછત ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર પ્રદેશમાં રહી છે, માટે જ અહીં વાવ-કૂવા વધારે છે. પાણીનો અભ્યાસ કરવા આવે તેમણે પશ્ચિમ ભારતની અચૂક સફર કરવી પડે.
પરદેશી પ્રોફેસર અને દેશી પ્રોફેસરે વાતોની મંડળી જમાવી અને અમે સાંભળી. એ પરદેશી ગુજરાતમાં પણ આવી ચૂક્યા હતા. પછી તો અમે કાર્ડની આપલે કરી. એમ પણ સમજ્યા કે જે લોકોને ખરેખર કામ કરવું છે, એમને પોતના દેખાવની પરવા નથી.
જેસલમેરથી દસેક કિલોમીટર દૂર આવેલી છત્રી પણ પ્રખ્યાત છે. છત્રી એટલે રાજા-મહારાજા-રાજવી પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર પછી ઊભા કરવામાં આવે સ્મારક. મૃત્યુની ખાંભી ખરી, પણ માથે છત્રી બાંધેલી. કચ્છમાં રાવની આવી છત્રીઓ જાણીતી છે, જોકે ઘણી ખરી તો ભૂકંપમાં નાશ પામી છે. જેસલમેરની આ છત્રીઓ ‘બડા બાગ’ તરીકે જાણીતી છે.
એ જોવામાં ખાસ વાર ના લાગી. આમેય ગમે એમ તોય એ હતું તો સ્મશાન જ ને! અમે ત્યાંથી આગળ નીકળ્યા. હવે પછીનું સ્થળ રોમાંચક હતું. કેમ? કેમ કે એ શહેરમાં ભૂતનો વાસ હોવાનું કહેવાતું હતું. નામ એનું કુલધરા.
કુલધરા – ચાલો કુંવારી કન્યાની શોધમાં
જેસલમેરથી વીસ-પચ્ચીસ કિલોમીટર દૂર આવેલું કુલધરા ગામ ખાલી છે. ગામ છે છતાં ખાલી છે, એટલે કે માત્ર ખંડેર સ્વરૃપે છે. ગામ શાપિત હોવાની માન્યતા છે. હાલ પુરાતત્ત્વ ખાતાના કબજામાં છે અને રાત ત્યાં રહેવાની મનાઈ છે, કેમ કે રાતે એ ગામમાં કુંવરીનું ભૂત ફરે છે.
ચાલો કુંવરી તરફ…અમારામાં જેટલા કુંવારા હતા એ સૌ ઉત્સાહિત થયા. પ્રવેશદ્વારે રહેલા ચોકીદાર પાસે વાહન નોંધણી- ટિકિટ વગેરે કાર્યવાહી કરી અમે અંદર પહોંચ્યા. એક મુખ્ય રસ્તો અને તેની બંને તરફ મકાનો. વચ્ચે નાના-નાના પેટા રસ્તા પણ ખરા. એકાદ-બે મંદિર…થોડી ખુલ્લી જગ્યા… ગામમાં હોય એવું બધું. ગામનાં બધાં મકાનો તૂટેલાં છે, કોઈની છત નથી. દીવાલો સાત-આઠ ફીટ ઊંચે સુધીની ખરી. ઠેર ઠેર પથ્થરો વિખરાયેલા પડયા છે. રણમાં રેતીની આંધી ઊડતી રહેતી હોવાથી કેટલોક ભાગ દબાયેલો, તોકેટલોક ખુલ્લો. પ્રવાસીઓને ગામનો ખ્યાલ આવી શકે એટલા માટે એક મકાન આખું બનાવીને રાખ્યું છે. એજોઈને એ જમાનામાં કુલધરા કેવું હશે તેની કલ્પના કરવી રહી.
આ ગામ અને આસપાસના કુલ મળીને 84 ગામોમાં એક સમયે પાલીવાલ બ્રાહ્મણો રહેતા હતા. બ્રાહ્મણોની સમૃદ્ધિ જોઈ જેસલમેરના સૂબા સાલમસિંહે કરવેરા વધારી દીધા. સ્વાભાવિક રીતે ગામવાસીઓ એ માટે તૈયાર ન હતા. સાલમસિંહે પહેલા કર વધાર્યો પછી 84 ગામોમાં અગ્રણી ગણાતા કુલધરાની એક કન્યા પર નજર માંડી. સાલમસિંહે કહ્યું કે કન્યાનો હાથ મને સોેંપી દો એટલે સમાધાન થઈ જશે.
એ સમાધાન કન્યાને કે બ્રાહ્મણોને કોઈને માન્ય ન હતું. બીજી તરફ જેસલમેરના દળ-કટક સામે ક્યાં સુધી ટકી શકાશે? એ પણ પ્રશ્ન હતો. એટલે નક્કી થયું કે રાતોરાત ગામ ખાલી કરી રણમાં વિલીન થઈ જવું. સવારે દળ-કટક આવે ત્યારે ગામ જ ખાલી હોય તો કોના પર હુમલો કરે. વળીજતી વખતે બ્રાહ્મણોએ શાપ આપ્યો હતો કે આ ગામ ક્યારેય જીવંત નહીં બને. એટલે કે તેમાં કોઈ રહી નહીં શકે. ત્યારથી એ ગામ ખાલી છે. ગામમાં રાતે ભૂત-પ્રેત-આત્માઓ જીવતી થતી હોવાની માન્યતા છે, પણ તેમાં ખાસ દમ જણાતો નથી.
ઇતિહાસકારો પણ ગામ રાતોરાત ગામ ખાલી કરવાની થિયરી સાથે સહમત નથી. ચોર-લૂંટારાથી ત્રસ્ત થઈ અને પાણીની અછતનો સામનો ન કરવો પડે માટે ગામ ખાલી કરાયું હોવાનું ઇતિહાસકાર નંદકિશોર શર્મા માને છે. જોવાની વાત એ છે કે અહીં આવતા પ્રવાસીઓને સત્ય કરતા ગામની સાથે સંકળાયેલી માન્યતાઓ સ્વીકારી લેવામાં વધુ રસ છે. વળી રાજસ્થાન સરકાર પ્રવાસન વિકસાવવામાં પહેલેથી ગિલિન્ડર છે. બહુ પહેલેથી જ આ ગામને ‘મોસ્ટ હોન્ટેડ પ્લેસિસ ઑફ ઇન્ડિયા’માં સ્થાન આપી દેવાયું છે. બાકી તો 20 વર્ષ પહેલાં, 1998માં અહીં કોઈ ફરકતું સુધ્ધાં ન હતું.
અહીં પ્રવાસીઓ આવતા રહે એટલા માટે પણ ભૂત જીવતું રહે એ જરૃરી છે. બાકી તો કુલધરા આસપાસ બીજાં કેટલાંક ખાલી થયેલાં ગામો સ્પષ્ટ રીતે રણમાં રઝળતા જોવા મળે છે. ગામમાં કોઈ પ્રવાસી નથી આવતા કેમ કે ત્યાં કોઈ પ્રેતાત્મા નથી એટલે કે પ્રેતાત્માની થિયરી નથી.
ગામના છેડે એક નદી છે, એમાં ચોમાસા પૂરતું થોડું ઘણું પાણી હોય છે. ગામ પૂરું કરીને અમે ત્યાં પહોંચ્યા, જ્યાં સામાન્ય રીતે કોઈ પ્રવાસી જતાં ન હતા એટલે સ્મશાનવત શાંતિ હતી. અહીં અમે એક પથ્થર સાથે બીજા પથ્થરો અથડાવ્યા તો કર્ણપ્રિય ધ્વની પણ પેદા થયો. અમારો અવાજ સાંભળીને કદાચ કુંવરી આવતા આવતા રહી ગઈ હોય કે જે હોય એ પણ મળી નહીં એટલે અમે ત્યાંથી રવાના થયા.
કુલધરાથી આગળ ‘સામ સેન્ડ ડયુન્સ’ નામનું સ્થળ છે. ત્યાં રેતીના ઢૂવા (ડયુન્સ) છે, ઊંટ સવારી છે, રણમાં થતો સૂર્યાસ્ત છે અને તંબુમાં રહેવાનું તથા રાજસ્થાની સંગીત સાથે ભોજનની સુવિધા…અમને એ બધામાં ખાસ રસ ન હતો. કેમ કે એ બધી ચીજો ટુકડે ટુકડે અમારી સફરમાં આવી હતી, અાવવાની હતી.