જાપાનમાં હોઈએ એટલે ટેકનોલોજીના ચમકારા દેખાય એમાં કોઈ નવાઈ નથી. અમે પણ જાતજાતની ટેકનોલોજીથી અભિભૂત થઈ રહ્યાં હતાં. ભવિષ્ય એટલે કે ફ્યુચર કેવું હશે તેની તૈયારી પણ જાપાને બરાબર રીતે કરી જાણી છે. અલબત્ત, ભવિષ્ય આપણા હાથમાં નથી, પરંતુ ભવિષ્યમાં જ્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તેની સામે લડવું કેમ તેની જાપાન પાસે તૈયારી છે. એટલે કે દેશ ફ્ચુયર ટેકનોલોજી પર કામ કરી રહ્યો છે. 2020માં ઓલિમ્પિક્સ છે, તેની પણ તૈયારી ચાલતી હતી.
જોકે ખરા ફ્ચુયરનો ભેટો તો અમને શિન્ઝુકુ વિસ્તારમાં થયો. ટોકિયો તો ઘણુ મોટું છે અને અનેક સ્થળો સેન્ટર પોઈન્ટ જેવા છે. એકએવો વિસ્તાર શિન્ઝુકુ છે, જ્યાંની નાઈટ-લાઈફ વખણાય છે. ટોકિયોની અસલ રંગત જોવા અમેપગપાળા આમ-તેમ ફરી રહ્યાં હતા. ત્યાં એક સ્થળે એક માજી નાનકડા ટેબલ પર બેઠા હતા.તેમની સામે એવડું જ ગોઠણ સુધીનું ટેબલ હતું. તેના પર વળી એક ડબ્બો હતો. બાજુમાંબીજું ટેબલ હતુ, તેના પર ચડ્ડો પહેરેલો યુવાન બેઠો હતો.
એ શું કરે છે, એની અમને કોઈ જિજ્ઞાસા નહતી, કેમ કે અહીં તો અનેક લોકો ફરવા નીકળી પડ્યાં હતા. પણ અકિકોએ માહિતી આપી કે એમાજી ‘મધર ઓફ શિન્ઝુકુ’ નામે ઓળખાય છે અને તેમનું કામ જોશ જોવાનું છે. પળવારમાં સમજાઈ ગયું કે જાપાન હોય કો જામનગર લોકોને પોતાનું ભવિષ્ય શું છે એ જાણવામાં રસપડે જ. અલબત્ત, ભવિષ્ય ક્યારેય જાણી શકાતું નથી અને અહીં બેઠા બેઠા કરોડોકિલોમીટરના ગ્રહો કોઈ રીતે નડી શકવાના નથી એવી સામાન્ય સમજ લોકો સ્વીકારતા નથી.માટે જ્યોતિષનું કામકાજ ચાલ્યા કરે. મીરાંબાઈએ પણ ભજન લખ્યું છે – જોશી મારા જોશરે જૂઓ ને, કે દાડે મળશે અમને ઘેલો કાન…
જાપાનમાં એ દૃશ્ય નવાઈપ્રેરક હતું પણ સાથેસાથે માનવિય ફિતરત દર્શાવતું હતું. માજીને જોઈને આગળ ચાલ્યાં ત્યાં એક સાંકડી ગલીઆવી. દિલ્હીની પરાઠેવાલી ગલી જાણીતી છે, એવી એ ગલી હતી. બન્ને તરફ ખાદ્ય સામગ્રીનીદુકાનો, જેને જે ભાવે એ લઈને બેસી જવાનું. હેંગ આઉટ માટેનું એ ઉત્તમ સ્થળ હતું અને જુવાનિયાઓ ત્યાં એ જ કરી રહ્યાં હતા.
જાપાનમાં એવુ કહેવાય કે એક તરફ આખુ જાપાન,એક તરફ એકલું ટોકિયો. જાપાનની ચોથા ભાગની વસતી ટોકિયોમાં છે અને આમેય ટોકિયોની ગણતરી દુનિયાના સૌથી મોટા, સૌથી મોંઘા, સૌથી આધુનિક શહેરમાં થાય છે. દૂરદરાજમાં રહેતા લોકો ટોકિયોમાં આવે તો એવુ લાગે કે જાણે બીજા દેશમાં આવી ગયા. કેમ કે ટોકિયોમાં દુનિયાભરની વસતી છે, માટે ત્યાં શુદ્ધ જાપાની સંસ્કૃતિ જળવાઈ નથી.
આખા જાપાનમાં ક્યાંય રસ્તા પર કચરો જોવા નમળ્યો, પણ ટોકિયોમાં થોડો-ઘણો જોવા મળ્યો. તો વળી બે-ચાર ભીખારી પણ અહીં નજરે પડ્યા. જાહેરમાં બીડી પીવાની મનાઈ હોવા છતાં યુવક-યુવતીઓ કશ મારી રહ્યાં હતા.ટૂંકમાં આખા જાપાન કરતાં ટોકિયો થોડું કાબુ બહાર જતું રહ્યું હોય એવુ લાગે. તો પણ શિસ્તબદ્ધ તો ખરું જ.
આગળ ચાલતાં એક ખુબ ઊંચી હોટેલ દેખાઈ. તેની બાજુમાં કદાવર માથું કાપીને રાખવામાં આવ્યું હોય એવુ દૃશ્ય જોવા મળ્યું. એ માથું હકીકતે ગોડઝિલાનું હતું, અને મોટું કદ હોવાથી સૌ પ્રવાસીને જોવાની મજા પડતી હતી. પરમાણુ કચરાનો નિકાલ બરાબર ન થાય તો તેમાંથી જે રાક્ષસ સર્જાય તેને ગોડઝિલા નામ આપવામાંઆવ્યું છે. એ અંગેની બે ફિલ્મો પણ આવી ગઈ છે.
આ વિસ્તારમાં આપણે જોઈએ એ બધું મળી રહેએવી અનેક દુકાનો છે. જોકે મોટાભાગના લોકો શોપિંગને બદલે અમારી જેમ ફરવા-જોવા-માણવાનીકળી પડ્યાં હતા. ફરતાં ફરતાં હોટેલમાં પરત આવ્યા. કેઈઓ પ્લાઝા આજે તો જાપાનીબાંધકામો સામે ખાસ મોટી ન લાગે, પરંતુ જ્યારે 1971માં અહીં બની ત્યારે જાપાનની પહેલી સ્કાય-હાઈ હોટેલ હતી. વળી ત્યારે શિન્ઝુકુ વિસ્તાર પણ વિકસતો હતો.
એટલે અનેક સેલિબ્રિટી અહીં રહી ચૂક્યા છે, જેમ કે બોક્સર મહમ્મદ અલી અહીં અઠવાડિયું રોકાયા હતા. તેનો ઓરડો હવે સાચવી રખાયોછે. હોટેલ ખરેખર તોતિંગ છે, કેમ કે તેમાં 1438 રૃમ, તેની દેખરેખ માટે એક હજારથીવધુનો સ્ટાફ, ડઝનથી વધુ રેસ્ટોરાં અને એટલી જ લિફ્ટ.. એવી તો અનેક સુવિધાઓ હતી,જેનો ગણતા પાર ન આવે. સૌથી વધુ મજા એ વાતની આવી કે ગ્રાઉન્ટ ફ્લોરે લિફ્ટમાં ઘૂસ્યા અને 55 સેકન્ડ પુરી ન થઈ ત્યાં 38મા માળે પહોંચી ગયા. લિફ્ટ ઝડપી હોય એવુ સાંભળ્યું-વાંચ્યુ હતુ, અહીં અનુભવ્યુ.
રાત પડી ગઈ એટલે બારીમાંથી ટોકિયોની લાઈટો એવી દેખાતી હતી, જાણે કોઈ તારામંડળમાંથી પસાર થઈ રહ્યાં હોઈએ. તારામંડળની મજા લઈને પથારીમાં પડ્યાં કેમ કે સવારે ટોકિયોની સફરે નીકળવાનું હતું.