હિમાલયની પદયાત્રા : હિમાલયમાંથી લખાયેલા પત્રો

કિશનસિંહ ચાવડાએ હિમાલયમાં રહેતાં-ફરતાં ઉમાશંકર જોશીને લખેલા 15 પત્રોનો સંગમ આ પુસ્તકમાં છે. સામે ઉમાશંકર જોશીએ લખેલો ઉત્તર પણ પ્રસ્તાવનારૃપે છે.

હિમાલયની પદયાત્રા-કિશનસિંહ ચાવડા
પ્રકાશક – રવાણી પ્રકાશન, અમદાવાદ
કિંમત – 4 રૃપિયા (સપ્ટેમ્બર 1964ની પ્રથમ આવૃત્તિ)
પાનાં – 185

બહુ ઓછા પુસ્તકો પત્ર સ્વરૃપે લખાયેલા હોય છે. આ પુસ્તક પણ પત્રરૃપે લખાયેલું છે. પુસ્તકનું નામ વાંચીને પહેલી નજરે એમ લાગે કે આ હિમાલયમાં કરેલી પગપાળા યાત્રાનું પ્રવાસ વર્ણન હશે. પણ સાવ એવું નથી. હિમાલયમાંથી લખાયેલા પત્રો છે, જેમાં પ્રવાસ ઓછો, આધ્યાત્મ, પ્રકૃત્તિનું વર્ણન, નિબંધ પ્રકારનું લખાણ વધારે છે.

1961ના ગાળામાં કિશનસિંહ હિમાલયમાં ઉત્તરાખંડના અલમોડા પાસે રહ્યા એ દરમિયાન તેઓ કાગળ લખતા હતા, જે ઉમાશંકર સંચાલિત સામયિક સંસ્કૃતિમાં પ્રગટ થતાં હતા. અઢી વર્ષની સફર પંદર પત્રોમાં લખાઈ છે. પત્રોમાં હિમાલયની વાતો તો છે, સાથે સાથે પોતાના સંસ્મરણો પણ કિશનસિંહે વણી લીધા છે. કુમારના સંસ્થાપક અને સમર્થ ચિત્રકાર બચુભાઈ રાવતે પુસ્તકનું કવર તૈયાર કર્યું છે.

એ પુસ્તકના થોડાક અંશો..

  • થોડી થોડી વારે પાછી કરાની રમઝટ થાય અને માર્ગમાં હીરાની જેમ વીખરાઈને પાણીમાં ભળી જાય.
  • એમને જોવા આકાશ તરફ દૃષ્ટિ ઊંચી થઈ ત્યાં તો વળી નવું દૃશ્ય. પક્ષીઓનું એક જૂથ મીઠું સંગીત લહેરાવતું ચાલ્યું જાય છે. સભાન રચના વિનાની સ્વાભાવિક આકૃત્તિએ ઊડે છે. અરે આ તો બલાકા. આ જ ગતિમય કાવ્ય જોઈને રવીન્દ્રનાથે પોતાના કાવ્યસંગ્રહનું નામ બલાકા પાડ્યું હશે.
  • હેમંત-શિશિરની બરફવર્ષા કારમી અને અસહ્ય ઠંડીમાં જે બે નવા મિત્રોની ઓળખાણ વધુ ગાઢ બની તે આકાશ અને અગ્નિ.
  • આ પહાડના વસનારાઓને વસુંધરાનો જે સહજ, સઘન અને સંન્નિષ્ઠ સંપર્ક હોય છે તેને લીધે એમનો ધરતીમાતા  તરફનો પ્રેમ એટલો બધો સ્વાભાવિક, ઉત્કટ અને નિષ્ઠાવંત હોય છે કે એ સંબંધમાં પ્રાણનો  પરિમલ સદા મહેકતો હોય છે.
  • કૌસાની, બિનસર અને પિથોરાગઢ પાસે આવેલા ચંડક પરથી હિમાલયની હિમમઢી ગિરમાળાના સેંકડો માઈલોને દૃષ્ટિમાં સમાવી લેતા વિશાળ દર્શનના રોમાંચક અનુભવે એક વાત તો સ્પષ્ટરૃપે સમજાવી હતી કે હિમાલયની અલૌકિક ભવ્યતા કદીય ગદ્યિલ નહીં હોય. કાવ્યની તાઝગી અને  અભિનવતા એમાં હોવાના જ.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *