કનૈયાલાલ મુનશીની ‘નવલત્રયી (પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ)’ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હજારેક વર્ષ પહેલાનું એ ગુજરાત આજના ગુજરાતથી થોડું અલગ હતું, પણ ગુજરાતને ગુજરાત તરીકે ટકાવી રાખવાની ખુમારી તો ત્યારેય હતી. એ ખુમારી જ આ વાર્તામાં છલોછલ ભરી છે. નવલકથામાંથી કેટલાક બહુ ગમેલા સંવાદ-વાક્યો-પેરેગ્રાફ…
– તાપણી આગળ બેઠેલો યુવક તેમનો તેમ બેસી રહ્યો. તેને મન દેવતામાં છોડિયું નાખવા કરતાં વધારે આકર્ષક કામ કંઈ પણ હોય એમ દેખાતું નહોતું.
– મશાલના અજવાળામાં કાકે મુંજાલ સામે જોયું. તેની ભવ્ય મુખરેખા, તેજના અંબાર વરસાવતી આંખો ને આછી મૂછોની છાયા નીચે રહેલ ગર્વમુદ્રિત મુખ, એ તેણે જોયાં. મંત્રીશ્વરના સાંભળેલા વખાણ યાદ આવ્યાં, ઓછાં લાગ્યાં. તેણે જુવાનીમાં જીતેલાં હૃદયની કથાઓ યાદ આવી, અને સત્ય લાગી. તે હાથ જોડી, શીશ નમાવી ઊભો રહ્યો.
– પાટણના કવિઓ કહેતા કે, પાટણના શૂરાઓની સમશેર અને ધર્મ મંદિરોના કળશ – એ બેના તેજે સૂર્ય પણ ઝાંખો થતો. એ વાત કાકને સત્ય લાગી.
– તેમાં શું? માબાપોનો વઢવાનો ધર્મ છે, છોકરાંઓનો વઢવવાને માથે ઊંધા ચાલવાનો ધર્મ છે.
– કાક વહેમાયો. મુંજાલની સામે કાવતરામાં જોડાવું એટલે ઊંધા ગણપતિ બેસાડવા જેવું થાય.
– કાક ચમક્યો. એને ભાન આવ્યું. આ સામાન્ય દેખાતો નમ્રતાની મૂર્તિ જેવો – જેને એણે નજીવો જૈન ધાર્યો હતો તે
– બીજો કોઈ નહીં, પણ ખંભાતની દોલતનો ધણી અને ચાર વર્ષના મંત્રીપણામા પાટણને પણ ગભરાવનાર ઉદયન મંત્રી!
– કોઈ લાવણ્યમયી બાળાને નીહાળવી એ પુરુષજીવનનો મોટામાં મોટો લહાવો છે, કાકને અત્યારે તેમ જ લાગ્યું.
– રા’હવે પકડાવાનો એમ તેમને ખાતરી થઈ. પણ તે સોરઠી યોદ્ધાને અને તેની ઘુઘરિયાળી ઘોડીને તેઓ ઓળખતા નહોતા. એક પળ પાણીની પાસે ઘોડી ઠમકી, અને બીજી પળે રા’ની એડીને પ્રતાપે તે પાંખાળી બની હવામા ઊડીને વહેળાને પેલે તીરે જઈ પડી. ત્રિભુવન અને કાક બંને સ્તબ્ધ થઈ ગયાં.
– તે હતા જુવાન, પણ ગણાતા વૃદ્ધોમાં વૃદ્ધ.
– જયદેવ મહારાજની માનસિક સ્થિતિ વિચિત્ર થઈ હતી. સોરઠના નાથને હરાવ્યો તેથી તેનું મન પ્રફુલ્લ હતું. ત્રિભુવને પહેલ કરી તેથી અદેખું બન્યું હતું, ઉબક આવ્યો તેથી ખિન્ન થયુ હતું અને માલવેશ કન્યાનું માગું આવ્યાથી પરિતૃપ્ત થયું હતં.
– કાક ગયો. તેને લાગ્યુ કે મુંજાલે તેના પર વિશ્વાસ મૂકી ઘણી ખાનગી વાત કહી હતી, પણ મુંજાલ મહેતાની ચાણક્યનીતિનો તે માહિતગાર નહોતો.
– કાકને ફરી કમકમાં આવ્યાં. પાટણના સ્મશાનમાં તેઓ જતા હતા.
– અમારાં બૈરાંની કહેવત ખબર છે? આપણાથી વધારે પ્રતાપી કુળની કન્યા ન લાવીએ, સમજ્યો?
– સાથે સાથે ત્રિભુવનપાળના શબ્દો સાંભર્યા : આપણામાં બુદ્ધિ ન હોય ત્યારે બુદ્ધિશાળીને સોડમાં રાખવા.
– જેની પાસે શક્તિ કે સત્તા ન હોય એ ડરાવે, મારી પાસે બંને છે. જય સોમનાથ! આવજો, મુંજાલે કહ્યું અને તે ઊભો થઈ ગયો.
– આખા રાજ્યમાં કોઈને હક્ક ન હોય તેવા હક્કો કાશ્મીરા ભોગવતી અને તેમાંનો એક રાજમાતા કે મહાઅમાત્ય જેવી ભયંકર ગૌરવશાળી વ્યક્તિઓને પણ સીધા અને સચોટ રીતે ઠેકાણે લાવવાનો.
– સેવકે ચાલતું હોય તો લોકો સ્ત્રી કરે શું કામ?
– ત્યારે તમે ભુલ ખાઓ છો, કાકે કહ્યું. મુંજાલને પાટણની પરવા નથી, પાટણને મુંજાલની છે.
– લાટના ઘણાખરા યોદ્ધાઓ પાટણમાં નવરાં પડ્યા મજા કરતાં હતા, એટલે ગમે તે કંઈ નવું ટીખળ તેમને પસંદ પડે એમ હતું.
– તેને કંપારી આવી, કારણ કે ભોંયરામાં કાળભૈરવ વસતો હતો તેમ મનાતું હતું. પણ કાકે વિચાર કર્યો કે જ્યાં જૈન મારવાડી જાય ત્યાં તેના જેવા બ્રાહ્મણવીરને શો ડર?
– આ (મંજરી) દેવાંગના હતી કે ડાકણ તેનો નિર્ણય કરવા તે આ વખતે અશક્ત હતો.
– કોઈએ એક વાત સાચી માની – બીજાએ ખોટી ઠેરવી – ત્રીજાએ પુરાવા આપ્યા – ચોથાએ સામાં પ્રમાણો કહ્યાં, પણ સામાન્ય વર્ગે આ વાત ખરી માની, અને તેનું કારણ એ હતું કે આ વાત દામોદર વાણંદે કહી હતી.
– બહાર નીકળીને કાકને ચટપટી થઈ આવી. જયદેવ મહારાજની મૃગયામાં તેને કંઈક ભરમ લાગ્યો અને આ ભરમ ભાંગવાનો તેણે નિશ્ચય કર્યો.
– મણિભદ્ર રાજગુરુનો શિષ્ય હતો, પણ વેદાભ્યાસ કરવા કરતાં રસોઈ કરીને ઝાપટવામાં વધારે પ્રવીણ હતો.
– તમને નમતું આપવું તેમાં હું ગર્વ માનું છું, પણ મારે બે મુંજાલ મહેતા નથી જોઈતા.
હેડિંગમાં જે સવાલ કર્યો છે એ સવાલ મારો નથી, 37 પાનાંની પ્રસ્તાવનામાં નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ કરેલો છે. જોકે, વાર્તા વાંચ્યા પછી જવાબ મળી રહે છે. કથાકથનમાં કનૈયાલાલ મુનશી ગુજરાતી લેખકોમાં શીરમોર સ્થાન ભોગવે છે. શા માટે ભોગવે છે.. એ પણ આ ત્રણેય કથા વાંચ્યા પછી સમજી શકાય એમ છે.
*****
પ્રકાશક
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
(079)22144663, 22149660