બંગાળ, સિક્કીમ, હિમાલયના ઊંચા શિખરો, વિશ્વયુદ્ધના મેદાનો…એમ વિવિધ ખંડ-ભૂગોળ-ભુપૃષ્ઠની સફર કરાવતા કબૂતર સાથે તેના માલિક, અન્ય સાથીદારોની વાત આ પુસ્તકમાં કહેવાઈ છે. કબૂતર-કથા સાથે સાથે થોડું આધ્યાત્મ છે, તો થોડાં જંગલના અનુભવો છે.
ચિત્રગ્રીવા
ભાવાનુવાદ – વિશાલ શાહ
પ્રકાશક – ખુશી બુક્સ, રાજકોટ (9898032623)
કિંમત – 200 રૃપિયા
વર્ષો પહેલા વિજયગુપ્ત મૌર્યએ એક પુસ્તક લખ્યું હતું, ‘માણસ જેમ બોલીને સુપરસ્ટાર બનેલી એક હતી મેના’. એ પુસ્તકમાં એક રાફેલ્સ નામની મેનાની સત્યકથા હતી, જે બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકામાં ભારે લોકપ્રિય થઈ હતી. આવા પશુ-પક્ષીની કથા કહેતાં પુસ્તકોની સંખ્યા ગુજરાતી ભાષામાં બહુ ઓછી છે. એમાં લેટેસ્ટ પુસ્તક પત્રકાર-લેખક વિશાળ શાહે ઉમેર્યું છે.
‘ચિત્રગ્રીવા’ એ હકીકતે Gay Neck, the Story of a Pigeon નામના ધન ગોપાલ મુખરજીએ 1927માં લખેલા પુસ્તકનો અનુવાદ છે. ગે શબ્દનો અર્થ ચમકદાર ગળું એવો થાય છે. ચમકદાર-ભરાવદાર ગળુ ધરાવતા કબૂતરની આ વાર્તા છે. પરંતુ માત્ર કલ્પના કથા નહીં સત્યઘટનાઓ એકઠી કરીને લખાયેલી વાર્તા. કબૂતર વળી ઘર આંગણે જોવા મળતું સામાન્ય કબૂતર નથી, સંદેશાવાહક (મેસેન્જર પિજન) છે, જેનું કામ ગુપ્ત સંદેશા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું છે.
અમેરિકામાં બાળ સાહિત્ય માટે અપાતા ‘જહોન ન્યૂબેરી મેડલ’ વિજેતા આ ભારતનું એકમાત્ર પુસ્તક છે. 1955 સુધીમાં એકલા અમેરિકામાં જ આ વાર્તાની 45 આવૃત્તિ પ્રગટ થઈ હતી. અમેરિકા અને જગતના અન્ય ભાગોમાં સન્માન પામેલું પુસ્તક નવ દાયકા પછી ગુજરાતીમાં અનુવાદ પામીને આપણને મળ્યું છે. આ તેનો પહેલો સાહિત્યિક અનુવાદક હોવાની સ્પષ્ટતા પ્રસ્તાવનામાં જ વિશાલે કરી દીધી છે. કબૂતરના કેટલાક ચિત્રો પણ દરેક પ્રકરણની શરૃઆતમાં આપવામાં આવ્યા છે. એ પુસ્તકના કેટલાક અંશો રજૂ કર્યા છે.
- અરે, ત્રણ મહિનાનું થયું ત્યાં સુધી તો એવી આશઆ પણ નહોતી કે, તે મેઘધનુષ્ય જેવા ગળાનું માલિક બનશે, પરંતુ આખરે એ સિદ્ધિ મેળવીને તે ભારતમાં મારા શહેરનું સૌથી સુંદર કબૂતર બન્યું.
- કબૂતરોની દુનિયામાં ઇંડા સેવવામાં ત્રીજા ભાગનો સમય નર જ આપે છે. તેઓ રોજ રોજ સવારથી બપોર સુધી આ કામ કરતા હોય છે. આમ છતાં, કબૂતરો જાણતા નથી હોતા કે બચ્ચાંનો જન્મ ક્યારે થશે, પરંતુ કબૂતરીઓ પોતાની દિવ્યતાથઈ એ ક્ષણ જાણી લેતી હોય છે.
- હિંદુઓ વહેલી સવારે ઊઠીને આ ભવ્ય પર્વતમાળા જોઈને ઈશ્વરને પ્રાર્થના કરે છે. ભગવાનને યાદ કરવા આનાથી ઉત્તમ સ્થળ બીજું ક્યું હોઈ શકે?
- ઓર્કિડના વૃક્ષો પર રત્ન જડ્યાં હોય એવાં પતંગિયા ફરફરી રહ્યાં હતાં. બુરાંસના ફૂલો ચમકતાં હતાં અને તેમાનાં કેટલાક તો ચંદ્રમાં જેટલા વિશાળ હતા. ક્યારેક વચ્ચે વચ્ચે જંગલી બિલાડીનો અવાજ સંભળાતો હતો. જાણે બપોરની ઊંઘમાં બોલતી હોય એમ લાગતું હતું.
- માણસ કાગળની ગડી કરે એમ તેણે પાંખો અંદર કરી લીધી.
- એટલી ઊંડી શાંતિ હતી કે, નગારા પર શ્વાસ છોડવામાં આવે તો તેમાંથી પણ માણસ કણસતો હોય એવો અવાજ આવે!
- ચપટો ચહેરો ધરાવતા એ લામાએ આંખના પલકારામાં મક્કમ અવાજમાં જવાબ આપ્યો કે હું તમારા વિચારોને વાંચી શકું છું.
- ક્યારેક ઘોંડ જમીન પર કાન રાખીને ધ્યાનથી કશુંક સાંભળતો હતો. થોડી વાર સાંભળ્યા પછી તે અમને કહેતો કે આપણી સામે ભેંસોનું ઝુંડ આવી રહ્યું છે.
- એ દિવસ મેં દક્ષિણ તરફની યાત્રામાં તેઓને મદદ કરવામાં વિતાવી દીધો. મને એ જાણીને આશ્ચર્ય થયું કે, તેમનો ઈરાદો શ્રીલંકા કે આફ્રિકામાં માળો બનાવવાનો હતો.
- હવે અંધારું એટલુ ઘનઘોર હતું કે હું કશું જ જોઈ શકતો ન હતો. કાળાં કપડાં પર બીજું એક કપડું પડે એ રીતે અંધકાર વધતો ગયો.
- ટેલિગ્રાફ અને રેડિયો જેવી ટેકનોલોજિ આવી હોવા છતાં કોઈ પણ સેના સંદેશાવાહક કબૂતરોની અવગણના કરી શકે એમ નથી.
- અત્યંત ભયાનક જંગલમાં આખા એક દિવસમાં પણ ના હોય એટલો ખતરો તો, આધુનિક શહેરના ચાર રસ્તા પર એક જ મિનિટમાં અનેક જિંદગીઓને હોય છે.
- જો અમે હિમાલયમાં હોત તો તેને કોઈ લામા પાસે લઈ જાત અને પહેલાંની જેમ તેની સારવાર કરત! પરંતુ અહીં શહેરમાં તો લામા હોતા નથી.
- તે જીવિત રહેશે ત્યાં સુધી તેને, ના તોપમારાનો અવાજ અના ના તો ગોળીઓની ધણધણાટી, ઘરે પાછા ફરતા રોકી શકશે.
- એ માણસ પાકેલી ચેરી જેવો દેખાતો અને તેનામાંથી સાબુની સુગંધ આવતી હતી. તે બીજા સૈનિકોથી વિપરિત દિવસમાં બે-ત્રણ વાર સાબુથી સ્નાન કરતો હશે!
- આખરે માણસો પાસે પક્ષીઓ કરતાં ઓછી જાણકારી હોય છે.
- કબૂતરોના ભગવાનની કૃપાથી થોડી વારમાં મને આગળનું દૃશ્ય દેખાવા લાગ્યું.
- તે બંને ગુપ્તચર તંત્રના કેટલાક અધિકારીઓની આગેવાનીમાં કાળા ડિબાંગ અંધારામાં મોરચા તરફ આગળ વધતાં ગયાં.
- તેનું અંગ્રેજી જ્ઞાન પણ ત્રણ શબ્દ સુધી સીમિત હતું-યસ, નો અને વેરી વેલ.
- ઘોંડે સીટી મારી. શિકારીઓ યુગોથી આ જ સંકેત ઉપયોગ કરે છે, પછી ભલે તે દુનિયાનો કોઈ પણ દેશ હોય!
- તે એક જંગલી કૂતરો હશે કારણ કે સભ્ય સમાજમાં રહેતા કૂતરા શોરબકોર કરતા હોય છે. તેઓ શાંતિથી ચાલી પણ નથી શકતા. માણસની સંગત જ ભ્રષ્ટ કરનારી છે.
- વાઘ કે દીપડા સિવાય તેણે જીવનમાં કોઈની હત્યા નહોતી કરી.
- આજે અહીં એક સમાચાર આવ્યા છે, ગઈ રાત્રે એક જંગલી પાડાએ એક માણસને મારી નાખ્યો.
- તું કહે છે કે ચિત્રગ્રીવાએ સૂર્યાસ્તને નમન કરવા પાંખો ખોલી હતી. તો તેમાં આશ્ચર્યની વાત શું છે? પશુ-પક્ષીઓ ધાર્મિક હોય છે, પરંતુ માણસો અજ્ઞાનને કારણે એવુ નથી માનતા. મેં વાંદરા, ગરૃડ, કબૂતર, દીપડા અને નોળિયા જેવા પ્રાણીઓને પણ સૂર્યનું અભિવાદન કરતાં જોયા છે.
- જંગલમાં ફરી એકવાર ઓછામાં ઓછી એક રાત ગુજારવાની શક્યતા સર્જાઈ હોવાથઈ મારી ખુશીનો પાર ન હતો.
- ઝૂની સો વાર મુલાકાત લઈએ એના કરતાં એકવાર કુદરતના સાંનિધ્યમાં જવું સારું.
- આખી જિંદગી પાંજરામાં કેદ રહેવા કરતાં મરી જવું સારું. જીવતા મરવા કરતાં વાસ્તવિક મૃત્યુ ઈચ્છનીય છે.