પહેલા ભાગમાં દુબઈનો ઇતિહાસ અને વિકાસગાથા જાણ્યા પછી હવે એક પછી એક રખડવા જેવા સ્થળની સફર..
બુર્જ ખલિફા
દુબઈના રણમાં એક સમયે ઊંચા ઊંચા રેતીના ઢૂવા સર્જાતા હતા. હવે ત્યાં દુનિયાના અતી ઊંચા મકાનોની હારમાળા ખડકાઈ ગઈ છે. જેને સ્કાયક્રેપર કહી શકાય એવા 500 ફીટથી વધારે ઊંચાઈ ધરાવતા બિલ્ડિંગ તો દુબઈમાં સાડા તેરસો જેટલા છે. એમાંય બુર્જ ખલિફા નામનું ટાવર તો આસામન ચીરતું છેક 2716.5 ફીટ (828 મિટર)ની ઊંચાઈએ પહોંચે છે. એ જગતનું સૌથી ઊંચુ બાંધકામ છે. જાન્યુઆરી 2004માં બુર્જ ખલિફાના પાયા ખોદાવાની શરૃઆત થઈ અને 6 વર્ષ પછી 2010માં તો એ તૈયાર પણ થઈ ગયું. વિક્રમજનક ઝડપે બાંધકામ થયું હતું.
દુબઈના શાસકોએ જ્યારે બચ્ચનછાપ ટાવર તૈયાર કરવાનું નક્કી કર્યું પછી બાંધકામની જવાબદારી દુબઈ સરકારની જ માલિકી ધરાવતી ‘એમ્માર પ્રોપર્ટી’ને સોંપી દીધી. દોઢેક અબજ ડોલરનું બજેટ પણ ફાળવી દીધું. કોઈ એક કંપની આ ટાવર બાંધી શકે એમ ન હતી, માટે એમ્માર પ્રોપર્ટીએ જગતના ખૂણે ખૂણેથી 30 નમૂનેદાર કન્સ્ટ્રક્શન કંપનીઓને અહીં એકઠી કરી.
રણમાં ફૂંકાતા તેજ પવન, ભૂકંપ જેવી આફત.. વગેરે સામે ટકી શકે એવી ડિઝાઈન બનાવાનું કામ અમેરિકાના આર્કિટેક એડ્રિઅન સ્મિથને સોંપવામાં આવ્યુ. સ્મિથે ‘સ્પાઈડર લીલી’ નામના ફૂલની રચનાના આધારે આ ટાવરની ડિઝાઈન બનાવી, જે ગમે તેવા વેગીલા પવન સામે તેને ટકાવી રાખે છે. બહારથી દેખાવ ફ્યુચરિસ્ટિક આર્કિટેક્ચર પ્રકારનો છે, જ્યારે અંદર ઈસ્લામિક કલ્ચરની ઝાંખી મળી રહે એ પ્રકારની રચના થઈ છે. બાંધકામ વખતે 3,33,000 ઘન મિટર કોન્ક્રિટ, 39,000 મેટ્રિક ટન સ્ટીલ, 1,03,000 ચોરસ ફીટ ગ્લાસ વપરાયા હતા. વિવિધ 45 પ્રકારના તો પથ્થરનો વપરાશ થયો છે. એ બધા ઉપરાંત 2.2 કરોડ માનવ કલાકો ખર્ચા ત્યારે આ અંદાજે પાંચ લાખ ટન (1 લાખથી વધારે હાથી જેટલું) વજન ધરાવતા મકાનનું બાંધકામ થઈ શક્યું છે.
કેટલાક વિક્રમ મકાન બંધાતુ હતું, ત્યારે તો કેટલાક વિક્રમો મકાન ખૂલ્લું મુકાયુ એ સાથે સ્થપાઈ ગયા. એટલે આજે તો સ્થિતિ એવી છે કે મકાનના માળની જેમ વિક્રમોનો ખડકલો પણ ઊંચો થતો જાય છે. જેમ કે..
- બુર્જ દુનિયામાં સૌથી વધુ 163 ફ્લોર ધરાવતુ મકાન છે અને રહેણાંક મકાન ધરાવતું જગતનું સૌથી ઊંચુ ટાવર છે.
- દુનિયામાં સૌથી ઊંચે સુધી પહોંચતા એલિવેટર ધરાવતુ મકાન છે. એ એલિવેરટ વળી દુનિયામાં સૌથી લાંબો (1654 ફીટ)પ્રવાસ કરે છે. અહીં દુનિયાની સૌથી ઝડપી ડબલ ડેક લિફ્ટ-એલિવેટર છે, જે પ્રવાસીઓને દર સેકન્ડે દસ મિટરની ઝડપે સફર કરાવે છે. આખા ટાવરમાં કુલ તો નાની-મોટી 57 લિફ્ટ છે. સૌથી શક્તિશાળી લિફ્ટ 5500 કિલોગ્રામ વજન ઊંચકી શકે છે.
- સૌથી ઊંચે 1680 ફીટે કાચ-એલ્યુમિનિયમની પેલનો ફીટ થયેલી છે.
- 1450 ફીટની ઊંચાઈએ આવેલી દુનિયાની સૌથી ઊંચી રેસ્ટોરાં ધરાવતો ટાવર છે.
- દુનિયાનો સૌથી મોટો લાઈટ એન્ડ સાઉન્ડ શો અહીં યોજાય છે. વિવિધ દેશોના રાષ્ટ્રીય તહેવાર વખતે તેનો કદાવર રાષ્ટ્ધવ્જ લાઈટોની મદદથી મકાનની દિવાલ પર તૈયાર કરવામાં આવે છે.
- દર વર્ષે 31મી ડિસેમ્બરે, નવા વર્ષના સ્વાગત વખતે અહીં ભવ્ય આતશબાજી કરવામાં આવે છે. દસેક હજાર ફટાકડા વપરાઈ જાય.
- 123મા માળે દુનિયાની સૌથી ઊંચી લાયબ્રેરી છે.
- 672 મિટરની ઊંચાઈએ હાઈએસ્ટ બેઝ જમ્પિંગ થાય છે.
- અકસ્માતે ગમે તે તાળું ખોલવું પડે તો ટાવરના મેનેજમેન્ટ પાસે તમામ માળની 4500થી વધારે ચાવીઓ છે, જ્યારે આવ-જા માટે 17000થી વધારે દરવાજા છે.
- ટાવર રોજનું 9,46,000 લીટર પાણી વાપરે છે.
- વિમાનો અથડાઈ ન પડે એટલા માટે ટાવરને ઝેનોનની લાઈટો ફીટ કરાઈ છે, જે દર મિનિટે 40 વખત ફ્લેશ થતી રહે છે.
આ મકાન ત્રિવિધ હેતુ માટે બન્યું છે. તેમાં 900 એપાર્ટમેન્ટ છે, જેમાં પોસાય એ લોકો રહી શકે છે. અંદર ઘણી હોટેલ્સ છે, જે કુલ 304 રૃમ ધરાવે છે. એ સિવાય રેસ્ટોરાં, થિએટર જેવા મનોરંજક વિભાગો તો ખરા જ. એ બધુ સમાવતો કુલ કાર્પેટ એરિયા 33,31,100 ચોરસ ફીટ થાય છે. આ મકાનને ‘વર્ટિકલ સિટિ’ પણ કહેવામાં આવે છે, કેમ કે કોઈ પણ સમયે તેમાં દસેક હજાર માણસો તો હોય જ હોય. બાકી ટાવરમાં મહત્તમ 35 હજાર લોકો સમાઈ શકે છે. આપણા કેટલાય તાલુકામથકોની વસતી પણ એટલી નથી હોતી.
મકાન દેખીતા તો ઊંચુ લાગે પણ અહીં તેનો અનુભવ કરવા માટે બીજી પણ એક રીતે છે. ટાવરની મુલાકાત વખતે થર્મોમિટર હાથવગું રાખવુ જોઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર જેટલું તાપમાન નોંધાશે તેના કરતા ટોચ પર પહોંચ્યા પછી અંદાજે 6 ડીગ્રી તાપમાન ઓછુ જોવા મળશે. ઊંચાઈ વધતી જાય એમ તાપમાન ઘટતું જાય એ વિજ્ઞાનનો સિદ્ધાંત અહીં બહુ સહેલાઈથી અનુભવી શકાય છે.
આવી બધી ભવ્યતાને પરિણામે દુબઈ જનારા પ્રવાસીઓના વિઝિટિંગ લિસ્ટમાં સૌથી પહેલું કોઈ સ્થળ હોય તો એ મોટે ભાગે બુર્જ ખલિફા જ હોય છે. ટાવરને માણવા વિવિધ વિભાગ પ્રમાણે 35 દિહારમથી માંડીને 600 દિહરામ સુધીની ટિકિટો છે. ટાવરની સત્તાવાર વેબસાઈટ https://www.burjkhalifa.ae/en/ પરથી એ ખરીદી શકાય છે. વિવિધ ફ્લોર પર ઓબ્ઝર્વેશન ડેક બનાવાયા છે. ઓબ્ઝર્વેશન ડેક પરથી વહેલી સવારે વાદળોના ઝૂંડ દેખાય તો વળી તોફાની વાતાવરણ વખતે ઉડતી રેતીનું તોફાન પણ જોવા મળી શકે. પ્રવાસીઓ અહીં ટાવર કઈ રીતે બંધાયુ તેની વિગતો પણ જોઈ શકે છે. એ સિવાય આર્ટ ગેલેરી, શિલ્પ-સ્થાપત્ય, મ્યુઝિયમ વગેરે અનેક ચીજો ટાવરમાં સમાવી લેવાઈ છે. પ્રવાસીઓ પોતાની અનુકૂળતા મુજબ તેની મુલાકાત લઈ શકે છે.
વિચિત્રતા એ વાતની કે જે ટાવર સ્વચ્છ વાતાવરણ વખતે 95 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય તેને વળી ઔપચારીક સરનામું છે. નોંધી લો – 1 Sheikh Mohammed bin Rashid Boulevard
ધ દુબઈ મોલ
દુબઈ આવનારા પ્રવાસીઓ પૈકી મોટા ભાગના શોપિંગ કરવાનું પસંદ કરે છે. કોઈક તો વળી માત્ર શોપિંગ માટે પણ દુબઈ જતાં હોય છે. શોપિંગ કરનારા નિરાશ ન થાય એવી સગવડ દુબઈના સત્તાધિશોએ ‘ધ દુબઈ મોલ’ નામનો કદાવર શોપિંગ કોમ્પલેક્સ બનાવીને કરી દીધી છે. 1300થી વધારે દુકાનો ધરાવતો મોલ 59 લાખ ચોરસ ફીટમાં પથરાયેલો છે. કદની દૃષ્ટિએ દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો મોલ છે (પહેલા નંબરનો મોલ ચીનમાં છે).
બુર્જ ખલિફાની બાજુમાં જ આવેલા મોલમાં દુનિયાની સર્વોત્તમ બ્રાન્ડ્સ તો મળે જ છે. સાથે સાથે મનોરંજનની પૂરતી સગવડ છે. શોપિંગ, ખાણી-પીણી, થિએટર્સ, હોટેલ ઉપરાંત અંદર દુબઈ એક્વેરિયમ એન્ડ અન્ડરવોરટ ઝૂ આવેલાં છે. ખૂંખાર શાર્ક અને હાથીના કાન જેવું શરીર ધરાવતી સ્ટીંગ રે માછલી સહિત લગભગ 300થી વધુ દરિયાઈ સજીવો મોલના અન્ડરવોટર ઝૂમાં રહે છે. કાચનું પારદર્શક તળિયું ધરાવતી હોડીમાં બેસીને આ દરિયાઈ સૃષ્ટિ સાથે રૃબરૃ થઈ શકાય છે. એક્વેરિયમની દિવાલ પારદર્શક એક્રેલિકની બનેલી છે.
એક્રેલિકની આરપાર જીવસૃષ્ટિ જોઈ લીધા પછી એક્રેલિકની એ દીવાલ પર પણ નજર નાખવી. કેમ કે 33 મિટર પહોળી, 8.3 મિટર ઊંચી અને 750 મિલિમિટરની જાડાઈ ધરાવતી એ દુનિયાની સૌથી મોટી એક્રેલિક શીટ પૈકીની એક છે, જેનું વજન પણ 245 ટન થાય છે. દરેક પ્રવાસીઓને મનોરંજન આપી શકતા આ મોલની વર્ષે 8 કરોડ લોકો મુલાકાત લે છે.
દુબઈના વધુ કેટલાક આકર્ષણોની વાત ત્રીજા ભાગમાં જોઈશું. આ રહી તેની લિન્ક