જાપાન પ્રવાસ – 6 : બૂટ-ચંપલ બહાર કાઢશો!

બૂટ બહાર કાઢવા એ જાપાની મકાનોની પરંપરા છે. ઘણી હોટેલ, પરંપરાગત મકાનોની બહાર બૂટ-ચંપલ બહાર કાઢવા માટે સ્ટેન્ડ ગોઠવેલું હોય છ. જે ઘરમાં ટાટામી પ્રકારની ચટાઈ પાથરેલી હોય ત્યાં કોઈ સૂચના ના હોય તો પણ સમજી જવાનું કે પગરખાં બહાર કાઢો. એ પછી ઉઘાડા પગે ફરવું પડે એવુય નથી. ઘરમાં પહેરવાના ચપ્પલની જોડીઓ ત્યાં મુકેલી હોય છે.

બુુટ-ચંપલ બહાર કાઢીને તમે આ પાંચ માળનું મકાન પ્લસ મ્યુઝિયમ જોઈ શકો છો.

પગરખાંની હેરાફેરી કરી અમે આગળ વધ્યા. જૂનાગઢના ભવનાથમાં અનેક મંદીર છે અને દરેક મંદિરમાં સતત ધૂણી ચાલુ જ હોય. એટલે કોઈ પણ મંદિરના નીચેરા દ્વારમાં ઝૂકીને પ્રવેશીએ તો પહેલો સામનો ધૂમાડાનો થાય. અહીં મકાનમાં પ્રવેશ્યા ત્યાં જમણી બાજુ ખંડમાં ધૂણી ધખતી હતી. હકીકતે એ ચૂલો હતો, પરંતુ ચોરસ હવનકુંડ બનાવ્યો હોય એવો. કેટલીક રસોઈ તેના પર ગોઠવાઈને ધીમા તાપે શેકાતી રહે.

શિરાકાવાના બધા મકાન લાકડાના જ બનેલા છે. એ લાકડામાં જિવાત ન લાગે એટલા માટે પણ સતત ધૂમાડો ચાલુ રાખવાની એમની બહુ જૂની પ્રથા છે. એ મ્યુઝિયમ કમ મકાનમાં એક પરિવાર રહે પણ છે. એ પરિવારના મુખિયાએ અમારું સ્વાગત કર્યું અને ઉપર તરફ આગળી ચીંધી. લાકડાની સીડી ચડી ઉપર પહોંચ્યાં, જ્યાં આખો ફ્લોર એક ઓરડા સ્વરૃપે જ હતો.

આ રીતે ધીમા તાપે કંઈક રંધાતુ રહે.. લાકડાના મકાન હોવા છતાં ઘરમાં સતત ધૂમાડો અનિવાર્ય છે

મકાન બહુમાળિય પરંતુ દરેક માળ એક ઓરડા જેવો સળંગ જ. વચ્ચે પાર્ટિશન કે વિવિધ ઓરડા, દરવાજા, એવુ બધુ કશું હોતું નથી. અહીં સમુરાઈ પ્રજાની ખેતીના વિવિધ સાધનો પડ્યા હતા. અમારા ગામ મોટી ખોડિયારમાં ઘણા ખેડૂતોના ઘરે અમે મેળા જોયેલા છે. એ મેળા પર ખેતીના ઓજાર પડ્યા હોય. એટલે આવા મેળા કે ઓજારની નવાઈ ન હતી. માત્ર ફરક એટલો કે અહીં તેનું જાપાની સ્વરૃપ જોવા મળતું હતું.

આ ગામે આવતા પ્રવાસીઓને મકાન કેવી રીતે બને એ જોવાની, રચના કેવી હોય એ જાણવાની ઉત્સુકતા હોવાની જ. કેમ કે મકાનની વિશિષ્ટતા તેનું બાંધકામ છે. એ બાંધકામ અને તેની બારીકાઈ આ મકાનમાં જોવા મળતી હતી. ફરતાં ફરતાં અમે ચોથા માળે પહોંચ્યા. ત્યાંની બારીમાંથી ગામના બીજા મકાન, વગેરે દેખાતુ હતું. આ મકાન એવડું મોટું હતું કે એમાં 45 માણસો એક સાથે રહી શકતા હતા.

આ બધા એમના ખેત-ઓજાર છે, ચોખાની સિઝનમાં તેની જરૃર પડે. દરેક ફ્લોર પર આવા સાધનો ખડકાયેલા હતાં.

એક જમાનામાં જ્યારે આજના જેવા રબ્બર-પ્લાસ્ટીક-લેધરના બૂટ-ચંપલ ન હતા ત્યારે ચોખાની ખેતીમાં ખેડૂતો શું કરતા હતા? વાંસ અને ઘાસનો ઉપયોગ કરીને ચપ્પલ તથા ગોઠણ સુધી પહોંચે એવા બૂટ ખેડૂતો તૈયાર કરતાં હતા. ત્યાં એક બોર્ડમાં એવા કેટલા બૂટ ખેડૂતના પરિવારને ચોખાની એક સિઝનમાં જોઈએ તેની આંકડાકિય માહિતી પણ આપી હતી. એ બોર્ડમાં કુલ 30 જોડી ચપ્પલની લખેલી હતી.

ભારતમાં ચોખાની ખેતી નવી નથી, પરંતુ પશ્ચિમના દેશોમાં ચોખા ખાસ થતાં નથી. માટે ત્યાંના પ્રવાસી આવે ત્યારે ચોખાના ખેતર જોવા પણ ભારે ઉત્સુક હોય છે. ગામ ફરતાં ફરતાં અમે છેવાડે આવેલી રેસ્ટોરાંમાં પહોંચ્યા જ્યાં અમારે બપોરનું ભોજન લેવાનું હતું. અહીં નીચે બેસીને જમવાનું હતુ. જાપાની કલ્ચરને ભારતીય સંસ્કૃતિ સાથે ઘણુ સામ્ય છે. એક સમાનતા આ નીચે બેસીને જમવાની પણ હતી.

ખાલી જગ્યા દેખાય ત્યાં ગાર્ડન બનાવી જ નાખવાનો…

બે મકાન વચ્ચે ખાલી જગ્યા હોય કે ફળિયામાં જમીન ફાજલ પડી હોય.. જાપાની પ્રજા તેનો એક જ ઉપયોગ કરે. એ ઉપયોગ એટલે ગાર્ડનિંગ. નાના-મોટા જેવડાં બની શકે એવડા ગાર્ડન આખા જાપાનમાં ઠેર ઠેર જોવા મળે. અહીં પણ રંગબીરંગી ફૂલો ગામની શોભા વધારતા હતા.

ભોજન પતાવીને ત્યાંથી ફરી વાનમાં ગોઠવાઈ આગળ વધ્યા. આગામી ડેસ્ટિનેશન ટાયાકામા શહેર હતું. નાનકડું આ શહેર શાકે બ્રુઅરિઝ માટે જાણીતું છે. શાકે એ જાપાની પરંપરાગત દારૃનું નામ છે. એ તેની ગુણવત્તા અને ટેસ્ટ માટે પ્રખ્યાત છે. જાણકારોને તેની વધુ માહિતી હોવાની. એ ગામની બીજી ઓળખ તેની જૂનવાણી બજાર છે.

નીચે બેસીને જમવાની પરંપરા અને અેક પછી અેક અનેક વાનગી આરોગવાની પણ પરંપરા… 

આમ તો શહેર આધુનિક છે, પરંતુ ઓલ્ડ ટાઉન કહેવાતો વિસ્તાર બેએક સદી પહેલા હોય એવી જ રીતે સાચવી રખાયો છે. રસ્તો અને બન્ને બાજુ લાકડાના મકાન-દુકાન. દુકાનોમાં સ્થાનિક પ્રોડક્ટ મળે. જે પ્રવાસીઓને ગ્રામ્ય જાપાન જોવું હોય એ અહીં આવે. બજારમાં આમ-તેમ આંટા મારી લીધા. એક કોફી શોપમાં પહોંચીને ચા-પાણી કરી લીધા અને પછી ત્યાંથી આગળ રવાના થયા.

આ નગરની વધુ એક ઓળખ દર વર્ષે ત્યાં યોજાતો ધાર્મિક કાર્નિવલ છે. આપણે ત્યાં ધાર્મિક પ્રસંગે સરઘસ નીકળે અને બધા સંગઠનો પોતપોતાની રીતે ટેબ્લો તૈયાર કરે. કોનો ટેબ્લો સારો એની સ્પર્ધા પણ થાય. એ રીતે અહીં વર્ષો જુના સચવાયેલા રથ લઈને લોકો બહાર નીકળે અને એકબીજાની સાથે સ્પર્ધા કરી દે. સાંજ પડ્યે ફરી રથને અંદર પેક કરી મુકી દે. છેક બીજા વર્ષે બહાર કાઢે.

ટાયાકામા શહેરની આ બજાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. 

પશ્ચિમના દેશોના પ્રવાસીઓને આ બજાર નવાઈભર્યું લાગે, મને ખાસ ન લાગ્યું. આપણે ત્યાં તાલુકામથકની રચના આવી જ હોય છે. અલબત્ત, સફાઈ, શાંતિ, શિસ્તબદ્ધતામાં આપણે એ પ્રજાને પહોંચી ન શકીએ. એ વાતનો અહેસાસ સતત થયા જ કરે.

આગામી ડેસ્ટિનેશન 300 કિલોમીટર દૂર આવેલું નાગોયા શહેર હતું, જાપાનનું ત્રીજા નંબરનું મોટું શહેર.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *