જાપાન પ્રવાસ –5 : ખોરડાની ખાનદાની સાચવીને બેઠેલા ગામની સફરે..

ભાગ 4ની લિન્ક –  http://rakhdeteraja.com/?p=902

પહાડોની પેલે પાર આવેલા ગામની સફરે..

ચારે તરફ ટેકરી અને વચ્ચે ખાડામાં પસાર થતી એક નદી. સફેદ પાણી ધરાવતી નદીનું નામ શિરાકા હતું. તેના કાંઠે જે ગામ વસ્યું એ પછી શિરાકાવા-ગો તરીકે ઓળખાયું. નગાનોથી થોડે દૂર આવેલા ટાકાયામા શહેર સુધી ટ્રેનમાં પહોંચ્યા અને પછી ત્યાંથી વધુ દૂર આવેલા ગામે જવા ટેક્સીમાં સવાર થયા.

જાપાનના ઉત્તર ભાગમાં બરફ પડે છે અને ક્યાંક ક્યાંક તો બરફનો મોટો થર થઈ જાય છે. એ ઉત્તરી ભાગનું પ્રવેશદ્વાર આ ટાકાયામા શહેર ગણાય છે. ત્યાં વળી ચેરીના ઢગલાબંધ વૃક્ષો પણ છે, જેમાં સિઝન આવ્યે ફળો લચી પડે. અમે ત્યાંથી પસાર થયા ત્યારે ચેરી કે બરફ બેમાંથી કોઈની મોસમ ન હતી.

આ ગામ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, ઉપરથી ભલે સામાન્ય દેખાય પણ..

પહાડી વિસ્તાર હોવાથી અહીં ખાસ્સી લાંબી ટનલો આવતી હતી. એક ટનલ તો 11 કિલોમીટર લાંબી હતી. ટનલમાં જોકે પૂરતી લાઈટો અને આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સગવડ કરેલી હતી. વચ્ચે વચ્ચે ટેલિફોન બૂથ પણ આવતા હતા, જ્યાં ઈમર્જન્સી માટે ફોન રાખવામાં આવ્યા હતા. કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. જોકે આવા ટેલિફોન આખા જાપાનના હાઈવે પર ઠેર ઠેર ફીટ થયેલા જોવા મળે છે.

જાપાનમાં સૌથી વધુ જોવા મળતી ગાડી ટોયોટાની જ હોય છે અને અમારી વાન પણ ટોયોટાની જ હતી. સડસડાટ ગામ તરફ આગળ વધતી હતી. એક પછી એક ટનલ, નદી, ટેકરી, વન વટાવતી આખરે ગાડી ધીમી પડી ત્યારે બોર્ડ મારેલું જોવા મળ્યું.. શિરાકાવા.. આ તરફ.. એ તરફ ચાલ્યા.

પ્રવાસીઓ અહીં ઉભા રહીને ગામના દીદાર કરે, પછી ચાલીને ગામ સુધી પહોંચે..

અગાઉ સમાચારમાં, ટ્રાવેલ મેગેઝિન્સમાં આ ગામના ફોટા જોયા હતા. એ અદ્ભૂત હતા, એટલે ગામ જોવાની ઉત્સુકતાનો કોઈ પાર ન હતો. અમે ઉતર્યા એ ભાગ ખાસ્સો ઊંચો હતો. પરંતુ મહેલના ઝરૃખેથી આખા ગામ-નગરના દર્શન થાય એમ એ ટેકરી પરથી જ આખુ ગામ જોવાનું હતું. મોટા બાઉલમાં નાનકડાં રમકડાંના ઘર ગોઠવ્યાં હોય એવું એ લાગતું હતુ. પરંતુ એ ગામની વિશિષ્ટતા તેના ખોરડાની બાંધણી હતી. એ જોવા માટે અમે નીચે ઉતરવાની શરૃઆત કરી.

આ વિસ્તારમાં ખૂબ બરફ પડે, શિયાળો શરૃ થાય ત્યારે. ઘર પર બરફ જામ થતો જાય તો છતને નુકસાન થાય અને વળી ઠંડી પણ લાગતી રહે. તો શું કરવું? છત 60 ડીગ્રી ત્રાંસી બનાવવી જેથી બરફ પડે એ સાથે જ લસરીને નીચે આવતો રહે. હવે છત 60 ડીગ્રી ત્રાંસી રાખવી પડે તો મકાન ખાસ્સુ ઊંચુ રાખવું પડે. એક માળનું જ મકાન હોય તો એમાં 45 ડીગ્રીથી વધુ ત્રાંસી છત ન થઈ શકે. કેમ કે 45 ડીગ્રી કરે ત્યાં જ જમીનને અડી જાય. એટલે 45 ડીગ્રી પણ વધુ પડતી થઈ પડે.

દૂરથી નાના લાગતા મકાન કેવડાં કદાવર છે, જોઈ લો..

અહીંના મકાન ઓછામાં ઓછા બે માળના અને વધુમાં 5 માળ સુધીના છે, પણ દૂરથી કોઈ ઝૂંપડી હોય એવુ લાગે. એ મકાનની ભવ્યતા નજીક પહોંચ્યા પછી જ ખબર પડી. તળિયાથી ટોચ સુધી લાકડાનું બાંધકામ, લાકડની બારી, લાકડાના દરવાજા, લાકડાની છત, લાકડાની સીડી.. છત પણ લાકડાની પરંતુ એના ઉપર દોઢ-પોણા બે ફીટ જાડો ઘાસનો થર.

ઘાસનો એ થર જોઈને સરસ્વતીચંદ્ર જેવો દળદાર ગ્રંથ કદાવર સ્વરૃપે છત પર ત્રાંસો ગોઠવી દીધો હોય એવુ લાગે. શાહબુદ્દીન રાઠોડ ઉપમા આપે છે કે મોટા ગોળા પર નાનકડું બુજારું મુક્યું હોય એમ અહીં નાનકડા મકાન પર મોટી છત ગોઠવી હોય એવુ લાગે. બધા જ મકાન એવા લાગે. મકાન બાંધકામની આ સ્ટાઈલને જાપાની ભાષામાં ધ ગાસ્સો સ્ટાઈલ કહેવાય છે. એટલે કે બે હાથ પ્રાર્થના માટે જોડ્યા હોય એવી સ્ટાઈલ.

ઘાસ, વાંસ, લાકડાનનું બાંધકામ. ગામના રસ્તા પર ગટરનાં ઢાંકણા પર મકાનની ડિઝાઈન દોરેલી છે.

એક મુખ્ય રસ્તો, બન્ને તરફ મકાન, રસ્તાના કાંઠે પાણી વહેવા માટે ધોરીયા અને એમાં વળી એટલું શુદ્ધ પાણી હતું કે તરી રહેલી માછલી દેખાતી હતી. અહીં દોઢેક હજાર માણસો રહે છે, પરંતુ સતત અહીં રહે એવુ નથી. કેટલાક પરંપરાગત મકાનો જેવી હોટેલો બની છે. જોકે આ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે એટલે અહીં બાંધકામમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી.

જાપાનમાં નીચે સુવાનું મહત્ત્વ છે. સાવ નીચે નહીં, પણ ટાટામી તરીકે ઓળખાતી વાંસની ચટાઈ પર. એ અનુભવ લેવા પ્રવાસીઓ અહીં આવે છે. જોકે જમીન પર સુવાનો વિકલ્પ તો જાપાનની ફાઈવ-સ્ટાર હોટેલ્સ પણ આપે છે. જમીન પર સુવાનું મહત્ત્વ અને વિજ્ઞાન ત્યાંની પ્રજા જાણે છે અને તેનાં કરતાં પણ એમને જમીન પર સુવામાં કોઈ શરમ નથી.

જમીન પર બેસવું, સુવું.. જાપાનીઓ માટે ગૌરવનો વિષય છે. 

જાપાનમાં હવે આવા મકાન ધરાવતું એક જ ગામ છે. બીજા બે ગામ આસપાસમાં છે અને સમગ્ર વિસ્તાર એક જ ગણાય છે. પરંતુ સૌથી વધુ મકાન આ ગામમાં છે. માટે પ્રવાસીઓ અહીં જ ઉમટે છે. એ ગામ જોતાં જોતાં અમે એક મકાનમાં પ્રવેશ્યા, જે મ્યુઝિયમ તરીકે રખાયું હતું.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “જાપાન પ્રવાસ –5 : ખોરડાની ખાનદાની સાચવીને બેઠેલા ગામની સફરે..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *