ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં આવેલો વેલી ઓફ ફ્લાવર્સ નામનો વિસ્તાર મર્યાદિત સમય માટે જ ખુલે છે. પ્રવાસીઓ હવે ૧લી મેથી ૩૧મી ઓક્ટોબર સુધી ત્યાં જઈ શકશે. એ વિશેની તમામ માહિતી
હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત દૂર દૂર સુધી ફેલાયેલા ફૂલોના બગીચા જોયા હશે. એવો જગતનો સૌથી અનોખો અને કુદરતી બગીચો ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં આવેલો છે. એ સ્થળનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ઘાટી અથવા ફૂલોની ખીણ.
આ વિસ્તારમાં આખુ વર્ષ જઈ શકાતુ નથી. વિષમ વાતાવરણ અને અનોખું પર્યાવરણ હાવાને નાતે મર્યાદિત સમય સુધી જ પ્રવાસીઓને ત્યાં પ્રવેશ મળે છે. ટ્રેકિંગના શોખીનો માટે આ વિસ્તાર સ્વર્ગથી ચડિયાતો છે. ફૂલોની આ ઘાટીને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. કેમ કે અહીં 600થી વધારે પ્રકારના ફૂલો જોવા મળે છે. એમાં પણ કેટલાક લોકો તો અહીં ખાસ બ્રહ્મકમળ જોવા આવે છે, જે ધરતી પર ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. આખો વિસ્તાર 88 ચોરસ કિલોમીટરનો છે, પરંતુ ધરતી પરના ઘરેણા જેવો છે.
ત્યાં માત્ર ટ્રેકિંગ દ્વારા જ જઈ શકાય છે. એ વિશેની જરૃરી માહિતી અહીં રજૂ કરી છે.
- વેલી ઓફ ફ્લાવર્સનો ટ્રેક ૧લી મેથી ૩૧મી ઓક્ટોબર ૨૦૨૨ વચ્ચે જ કરી શકાશે.
- પહાડી વિસ્તાર હોવાથી ત્યાં આખુ વર્ષ જઈ શકાતું નથી.
- આ ઘાટી 3600 મીટરની ઊંચાઈ પર હોવાથી ત્યાં સફર માટે શારિરીક સજ્જતા પણ જરૃરી છે.
- ફૂલો ઉપરાંત હિમાલયમાં થતાં કેટલાંક દુર્લભ સજીવો પણ અહીં જોવા મળે છે.
- વેલીમાં અંદર કોઈ પ્રકારના વાહનો જઈ શકતા નથી
- એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વેલીમાં પ્રવેશ મળતો નથી.
- પ્રવેશ માટે 150 રૃપિયા રજીસ્ટ્રેશન ફી લેવામાં આવે છે
- વધારાના મોઝાં, રેઈનકોટ, પોન્ચો, વગેરે સામાન સાથે રાખવો, ગમે ત્યારે વરસાદ આવી શકે છે.
- ખાવા-પીવાની પુરતી સામગ્રી સાથે રાખવી. અંદર કોઈ જ ચીજો મળશે નહીં.
- પોતાની સાથે જેટલી પ્લાસ્ટીકની ચીજો લીધી હોય એ બધી પરત આવતી વખતે સાથે લીધી હોવાનો પુરાવો આપવો પડે છે. અંદર પ્લાસ્ટીકની કોઈ ચીજ રાખવાની છૂટ નથી.
- વેલીમાં સવારના 7થી 2 સુધી જ એન્ટ્રી મળી શકે છે, સાંજે પાંચ સુધીમાં બહાર નીકળવું ફરજિતાય છે. રાત રોકાવાની છૂટ નથી.
- સામાન્ય રીતે ખીણ ફરી વળતા ૫થી ૮ કલાક લાગે છે.
- વેલી ઓફ ફ્લાવરની સફર એક જ દિવસમાં પુરી થાય છે પણ આસપાસના વિસ્તારો ગણીએ તો ટ્રેક ૩ દિવસનો બની શકે.
- વેલી ઓફ ફ્વાવર્સ અને બાજુમાં જ નંદાદેવી નેશનલ પાર્ક આવેલો છે. હિમાલયન મોનાલ, કસ્તુરી મૃગ જેવા દુર્લભ સજીવો અહીં વસે છે.
- જંગલ ઉપરાંત અહીં શીખોનું પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબ આવેલું છે. હેમકુંડ સાહિબ સુધી જવા માટે પણ ટ્રેકિંગ સિવાય કોઈ રસ્તો નથી.
- અહીં ટ્રેકિંગ ઉપરાંત હેમકુંડ સાહિબ જવા શ્રદ્ધાળુઓ આવે છે. તો વળી હિમાલયનો ગ્રામ્ય વિસ્તાર માણવા ઈચ્છતા પ્રવાસીઓ પણ આવતા હોય છે.
- ટ્રેકિંગમાં જવા ઈચ્છતા પ્રવાસીઓએ ઘાંઘરિયા Ghangharia અથવા ગોવિંદઘાટ Govindgha ગામે પહોંચવુ પડે છે.
- વેલી આખુ વર્ષ સુંદર જ લાગે છે, પણ સૌથી વધારે ફૂલો જૂલાઈ-ઓગસ્ટ દરમિયાન જોવા મળે છે.