ખીજડીયા : ગુજરાતની નવી રામસર સાઈટનો પ્રવાસ કેમ કરવો?

khijadiya Wildlife Sanctuary

જે રીતે ઐતિહાસિક બાંધકામોને હેરિટેજ સાઈટ જાહેર કરીને રક્ષણ આપવામાં આવે છે એમ જળાશયોને રામસર સાઈટની ઓળખ આપીને તેને સુરક્ષીત કરાય છે. જાનમગર પાસે આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા 2021માં ગુજરાતના થોળ અને વઢવાળા સહિત દેશના ચાર જળાશય (વેટલેન્ડ્સ)ને રામસર સાઈટમાં સમાવાયા હતા. રામસર સાઈટ એ આંતરરાષ્ટ્રીય સંધિ છે, જે હેઠળ પક્ષીઓ તથા અન્ય સજીવો જ્યાં રહી શકતા હોય અને વિકસી શકતા હોય એવા જળાશયોનું વિશેષ રક્ષણ કરવામાં આવે છે. 1971માં ઈરાનના રામસર નગરમાં સૌથી પહેલી આ બેઠક મળી હતી, માટે એ લિસ્ટ રામસર લિસ્ટ તરીકે ઓળખાય છે.

ગુજરાતની રામસર સાઈટ્સ

  1. નળ સરોવર – વીરમગામ (2012) 120 ચોરસ કિલોમીટર
  2. થોળ – અમદાવાદ (2021) 7 ચોરસ કિલોમીટર
  3. વઢવાણા – વડોદરા (2021) 6.30 ચોરસ કિલોમીટર
  4.  ખીજડીયા – જામનગર (2022) 5.12 ચોરસ કિલોમીટર    

ખીજડીયા લેટેસ્ટ જાહેર થયેલી રામસર સાઈટ છે. એ સાથે ભારતની રામસર સાઈટ્સની સંખ્યા 49 થઈ છે. આખા એશિયામાં સૌથી વધુ રામસર સ્થળો ભારતમાં છે.

જામનગર પાસેની ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટનો આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. એ સ્થળના પ્રવાસ વિશે પ્રાથમિક માહિતી.

રામસર સાઈટ જાહેર થયેલા ખીજડીયા વાઈલ્ડલાઈફ સેન્ચુરી જામનગર પાસે આવેલો ખારા-મીઠા પાણીનો મિશ્ર જળવિસ્તાર છે. જામનગરથી આમ તો અંતર બારેક કિલોમીટર જેટલું જ છે. ધરતીના ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળામાં દક્ષિણ તરફ જતા પક્ષીઓ રસ્તામાં જ્યાં જ્યાં વીરામ લે છે એ પૈકીના સ્થળોમાં ખીજડીયાનો સમાવેશ થાય છે. એટલે દેશ-પરદેશના અને ગુજરાતના પક્ષી પ્રેમીઓમાં તો આ સ્થળ પહેલેથી જાણીતું અને લોકપ્રિય છે જ. હવે તેને વધુ મોટી આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે.

  • અહીં પક્ષીઓની 314 જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાંના 170 જાતિના પક્ષીઓ પરદેશી પ્રવાસી છે. એમાંથી વળી ત્રીસેક પ્રકારના પક્ષીઓ એવા છે, જે વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે. જોકે ભારતના જાણીતા પક્ષીશાસ્ત્રી સલીમ અલી 1984માં અહીં આવ્યા હતા. એ વખતે તેમણે પક્ષીઓના અભ્યાસમાં 100થી વધુ પ્રજાતિઓ નોંધી હતી.
  • વર્ષ 1984 માં ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ આ અભયારણ્યની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમાં 104 જાતના પક્ષીઓને તેઓએ ઓળખી કાઢ્યા હતા.
  • આમ તો દરેક જળાશશયો પક્ષીઓને આકર્ષે જ, પરંતુ ખીજડીયા વિશિષ્ટ છે કેમ કે ખારા અને મીઠા પાણીનું મિશ્રણ છે. માટે બન્ને પ્રકારના પાણીથી આકર્ષાતા પક્ષીઓને અહીં ઉતીરા-ઓરડા કરવાનું ગમે છે.
  • આ જળાશયની રચના આઝાદી પહેલા થઈ હતી. એ વખતના જામનગરના રાજવીએ રૃપારેલ નદીનું પાણી સમુદ્રમાં જતુ અટકાવવા બંધ બનાવડાવ્યો હતો. એ બંધને કારણે આ તળાવ સર્જાયુ છે. આઝાદીના વર્ષો પછી 1981માં તેનું મહત્વ પારખીને સરકારે બર્ડ સેન્ચુરીનો દરજ્જો આપ્યો હતો.

જતાં પહેલા જાણી લો

  • જામનગરથી આ સ્થળ 12 કિલોમીટર દૂર છે.
  • સામાન્ય રીતે 1 દિવસનો સમય પૂરતો થઈ પડે છે.
  • ઓક્ટોબરથી માર્ચ મુલાકાતનો સર્વોત્તમ સમય છે.
  • જળાશયમાં અંદર જવાનું હોવાથી થોડું ચાલવાની તૈયારી રાખવી પડશે.

થોળ અને વઢવાણા

અગાઉ જાહેર થયેલી બન્ને રામસર સાઈટ થોળ અને વઢવાણા પણ જોવા જેવી છે.

થોળ ગુજરાતમાં અમદાવાદ અને કડી પાસે આવેલું જળાશય છે. અહીં 320થી વધારે પ્રજાતિના પક્ષીઓ આખા વર્ષ દરમિયાન આવતા જતાં રહે છે. ખાસ કરીને મધ્ય એશિયાથી શિયાળામાં પ્રવાસે નીકળતા પક્ષીઓ માટે થોળ મહત્વનો પડાવ છે. સવા ત્રણસો પ્રકારના પક્ષીઓમાં વળી 30થી વધારે પક્ષીઓ એવા છે, જે દુર્લભ છે.

વડોદરાથી 40 કિલોમીટર દૂર આવેલું વઢવાણા લગભગ 80 જાતના પક્ષીઓને સાચવે છે. મધ્ય એશિયાથી ઉડીને સફરે નીકળતા પક્ષીઓ ત્યાં શિયાળામાં વિરામ લેતા હોય છે. વઢવાણા સરોવર હકીકતે ગાયવાડ રાજાઓએ તૈયાર કરાવેલું જળાશય છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *