ચારણકન્યાના વંશજોના ઘરે મહેમાનગતી : ખાનદાની, ખુમારી અને ખુદ્દારીનો અનુભવ

ચારણકન્યા

ચારણોને દેવી પુત્ર કહેવામાં આવે છે અને ચોથો વેદ પણ કહેવાય છે. સરસ્વતીનો વાસ ચારણોના કંઠમાં હોય છે. એટલે ચારણનું બાળક તો ખોંખારો ખાય તો પણ રાગ કે પછી સૂરમાં હોય છે. બધાને એ વાત લાગુ ન પડે તો પણ ખાનદાની ચારણોની આપણી પાસે કમી નથી. એવો જ એક ચારણ પરિવાર એટલે ઝવેરચંદ મેઘાણી રચીત કાવ્ય ‘ચારણકન્યા’માં જેનો ઉલ્લેખ છે એ હિરબાઈના વારસદારો.

અમરૃભાઈના ઘરની દીવાલ પર પૂર્વજો અને ચારણકન્યાની ગાથા

એ વારસદારોની વાત કરતાં પહેલા અસલ કાવ્યની કથા જાણીએ. 1928માં પોતાના લેખન-સંશોધન માટે ઝવેરચંદ મેઘાણી ગીરના નદી-નાળા, ડુંગરા-ખીણ, નેસ-ગામ ખૂંદી રહ્યાં હતા. સફર કરતાં કરતાં પહોંચ્યા તુલસીશ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં. એ વખતે સાંજ ઢળવાની તૈયારી હતી. ત્યાંની હિરબાઈ નામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો. ત્યાં હાજર મેઘાણીએ તુરંત કવિતા રચી નાખી…

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

અમરૃભાઈનું ઘર

આખી કવિતા તો બહુ લાંબી છે. એ કવિતા અનેક ડાયરા, લોકસંગીતના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમોથી માંડીને સ્કૂલના કલ્ચરલ પ્રોગ્રામોમાં ગવાતી રહે છે. કવિતા રચી ત્યારે મેઘાણી સાથે સમર્થ સાહિત્યકાર અને કવિ દુલા ભાયા કાગ પણ હતા. લોકસાહિત્યના કાર્યક્રમોમાં હવે એ કવિતા રાષ્ટ્રગીતનો દરજ્જો ભોગવે છે. જોકે તેને રજૂ કરનારા કલાકારોને કદાચ જાણકારી ન પણ હોય કે એ ચારણકન્યાના વંશજો આજેય ગીરમાં ખુમારીભર્યું જીવન જીવે છે. ડાયરાના સ્ટેજ પરથી આ કવિતાની રજૂઆત કરનારા જો ચારણકન્યાના વંશજોની મુલાકાત લે તો તેમને જરૃર ખાનદાનીની નવી વાતું મળે.

1928માં રચાયેલી કવિતા પછી એ ચારણકન્યા એટલે કે હિરબાઈનું શું થયું? થોડા વર્ષો પહેલા તપાસ કરી તો ખબર પડી કે હિરબાઈને કોઈ સંતાન ન હતા. માટે એમનો સીધો વંશ-વેલો હોવાનો કોઈ સવાલ ઉભો થતો ન હતો. તો પછી એમના પરિવારજનો કે નજીકના સગા કોણ? બેશક એ સગા એટલે હિરબાઈ જ્યાં સાસરે ગયા હતા એ પરિવાર. હિરબાઈના લગ્ન સતિયા પરિવારમાં થયા હતા. હિરબાઈના જેઠ-જેઠાણીનો પરિવાર આજે ગીર ગઢડા પાસે આવેલા ઘોડાવડી નેસમાં રહે છે.  અમરુભાઈ ગઢવી પોતાના પત્ની, બે દીકરી, બે દીકરા અને માજી સાથે રહે છે. બસ એ જ છે ચારણ કન્યા હિરબાઈનો વારસ કે પછી વંશવેલો કે પછી પરિવાર જે કહો તે.

અમરૃભાઈનું ખેતર અને જંગલનો રસ્તો

અમે જ્યારે તેમનું ઘર શોધતા પહોંચ્યા ત્યારે કોઈ ઓળખાણ કે પૂછપરછ વગર સોરઠની ધરાને અને ચારણોને શોભે એવી મહેમાનગતી અમરૃભાઈ અને તેમના પરિવારજનોએ કરી. એ પછી તો ત્યાં વારંવાર જવાનું થાય અને અસલ કાઠિયાવાડી આતિથ્ય માણવા મળે.

ચારણકન્યા હિરબાઈ વિશે માહિતી આપતા અમરૃભાઈએ કહ્યું હતું : ‘હિરબાઈના લગ્ન થયા પરંતુ એમને કોઈ સંતાન થયા ન હતા. કદાચ નાની ઊંમરમાં નિધન પામ્યા હતા. સંતાન ન હોય એટલે સીધા વારસદાર હોવાનો તો કોઈ સવાલ જ નથી. એ સંજોગોમાં પરિવારના સભ્યો જ વારસદાર કે પછી સગાં-વ્હાલાં ગણાય. ચારણકન્યાના હિરબાઈના જેઠ હતા, રાસાભાઈ. રાસાભાઈ સતિયાના દીકરા રામભાઈ અને રામભાઈના દીકરા એટલે હું પોતે’.

રસપ્રદ વાત એ છે કે અમરુભાઈની બે પૈકી એક દીકરીનું નામ પણ હિરબાઈ છે. બીજી દીકરી કુંવર, જ્યારે દીકરા પાલણભાઈ અને હરદાનભાઈ છે. સતિયા શાખના તેઓ ચારણ છે. ડાયરામાં અવિરત ગવાતા ચારણ કન્યા ગીત સાથે સંકળાયેલો પરિવાર અહીં રહે છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે. એટલે આ ખાનદાની પરિવાર ખાસ લાઈમલાઈટમાં આવ્યો નથી. મેઘાણીએ કવિતા લખીએ જગ્યા ખજૂરીનો નેસ હતો. એ નેસમાં હવે કોઈ ચારણ પરિવારો રહેતા નથી. કાળક્રમે ત્યાંથી બધા અલગ અલગ સ્થળોએ સ્થળાંતરીત થયા હતા. એમાંથી આ સતિયા પરિવાર અહીં રહે છે.  વનરોજાના આ ગામમાં નિયમિત આંટા છે અને અહીં રહેતી અનેક કન્યાઓ આજે પણ ચારણ કન્યા હીર બાઈની માફક સિંહોને ભગાડે છે. અહીં આવીને દીપડા પણ નિયમિત મારણ કરે છે અને એ નુકસાન સામે તેમને બહુ ઓછું વળતર મળે છે. આજે મેઘાણી નથી અને ચારણ-કન્યાનો પરિવાર રહે છે એ ખજૂરીનો નેસ પણ નથી. પરંતુ ત્યાં સાવજોની સતત આવન-જાવન થતી જ રહે છે.

ગામ આવા જંગલ વચ્ચે આવેલું છે.

ઘોડાવડી ગીર ગઢડા પાસે આવેલું સાવ અંતરિયાળ ગામ છે. પ્રાથમિક સુવિધાઓની વ્યાખ્યા અહીં પહોંચ્યા પછી નવેસરથી કરવી પડે એટલી ઓછી સુવિધા છે. ગામ ખેતી એટલે કે આકાશી રોજી પર ટકેલું છે. ચારણકન્યાનો પરિવાર ઘણી મુશ્કેલીઓ ભોગવે છે, પરંતુ તેમની ખાનદાની, ખુમારી કે આતિથ્યભાવનામાં તસુભારનો ફરક પડતો નથી.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “ચારણકન્યાના વંશજોના ઘરે મહેમાનગતી : ખાનદાની, ખુમારી અને ખુદ્દારીનો અનુભવ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *