દક્ષિણ અમેરિકા ખંડની દુર્ગમ પર્તમાળા પર આવેલી માચુ પિચ્છુ નામની ઈન્કા સંસ્કૃતિની સાઈટ જગતના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. એમેઝોનના જંગલથી ઘેરાયેલું આ પુરાતન નગર વર્ષે બારેક લાખ પ્રવાસીઓને ખોવાયેલી દુનિયાની સફરે લઈ જાય છે.
માનવ સમુદાય આજે કેટલોક પ્રગતિશિલ છે, તેની ખબર ભૂતકાળ સાથે સરખામણી કર્યા પછી જ કરી શકાય. આપણે ત્યાં ઘોળાવીરાનું બાંધકામ છે, તો યુરોપમાં રોમનકાળના સ્થાપત્યો છે.. એ રીતે દક્ષિણ અમેરિકા ખંડના અનેક દેશોમાં પુરાતન ઈન્કા અને મય સંસ્કૃતિના અવશેષો વિખરાયેલા પડ્યા છે. આ બન્ને સંસ્કૃતિ આજે લગભગ નષ્ટ થઈ ચૂકી છે, માટે એ સમયે તેનો કેવો દબદબો હતો એ કુતૂહલ સંશોધકોને હંમેશા રહે છે. એમાં પણ ત્યાં તો કેટલાક નગરોની દીવાલ સોને મઢેલી હોવાની વાતો પણ ઇતિહાસના પાને પથરાયેલી છે. આવા સુવર્ણજડીત નગર શોધવા કોને ન ગમે? મય-ઇન્કા સંસ્કૃતિ કેવી હતી એ કુતૂહલતા સંતોષવા જતાં જ એકથી એક ચડિયાતા નગરો, બાંધકામો, અવશેષો, કિલ્લા, મહેલ.. એમેઝોનના જંગલોમાં મળી આવ્યા છે, મળતાં રહે છે. એ બધા બાંધકામોમાં શીરમોર હોય તો પેરુમાં આઠેક હજાર ફીટની ઊંચાઈએ આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ માચુ પિચ્છુ છે.
દૂરના અંતરે આવેલો દક્ષિણ અમેરિકા ખંડ આમ તો ગુજરાતી પ્રવાસીઓના લિસ્ટમાં હોતો નથી. ત્યાંની સંસ્કૃતિ, ખાન-પાન વગેરે સાવ અલગ છે. સાવ નાનકડી સંખ્યાને બાદ કરીએ તો ગુજરાતી પ્રવાસીઓ માટે આ આખો ખંડ વણખેડાયેલો છે. સામે પક્ષે તેમાં ખેડવા જેવા અઢળક સ્થળો છે. માચુ પિચ્છુ એ બધા સ્થળોમાં સુપર સ્ટાર સ્થાન ભોગવે છે.
વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષતું આ નગર-કિલ્લો કઈ રીતે મળી આવ્યું એ કહાની ભારે રસપ્રદ છે.
એક નગરની શોધમાં મળેલું બીજું નગર
એકાદ સદી પહેલાની વાત છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં ભણાવતા પ્રોફેસર હિરમ બિંગમને ઇન્કા સંસ્કૃતિના છેલ્લા ધમધમતા નગર ગણાતા વિલકબામ્બાના અવશેષો શોધવામાં રસ હતો. ૧૯૧૧ના વર્ષે તેઓ પહોંચ્યા દક્ષિણ અમેરિકા ખંડના દેશ પેરુ. ઇન્કા સંસ્કૃતિ સોળમી સદીમાં અદૃશ્ય થઈ એ પહેલા તેના છેલ્લા શાસકો વિલકબામ્બામાં રહેતા હતા. પણ એ નગરના અવશેષો હજુ સુધી શોધાયા ન હતા. એ નગરની સમૃદ્ધિનો કોઈ પાર ન હતો, એટલે જ્યારે ૧૫૩૨માં સ્પેનિશોએ દક્ષિણ અમેરિકા ખંડમાં રહેલા ઈન્કા પ્રજાને લૂંટવાની શરૃઆત કરી ત્યારે આ નગર ખાલી કરી નાખ્યું હતું. ઇતિહાસ-સંસ્કૃતિ-સમૃદ્ધિ એ બધુ જ સમજવા માટે આ નગરના અવશેષો મળે એ બહુ જરૃરી હતું.
અવશેષો હોવાની શક્યતા હતી એવા જંગલ વિસ્તારમાં પ્રોફેસર પહોંચ્યા. ત્યાં તેમનો ભેટો સ્થાનિક આદિવાસી સાથે થયો. વાતવાતમાં જાણવા મળ્યું કે ઊંચાઈ પર કંઈક બાંધકામ છે ખરું. આદિવાસીને સાથે લઈને પ્રોફેસરે આકરું ચઢાણ શરૃ કર્યું. હાંફી રહ્યાં ત્યારે તેમને એક પછી એક કદાવર પગથિયાં બનાવ્યાં હોય એવુ પ્રાચીન બાંધકામ જોવા મળ્યું, પરંતુ પગથિયાં હકીકતે ઢોળાવ પર સીધી જમીન કરીને બનાવેલા ખેતર હતા. આઠેક હજાર ફીટની ઊંચાઈએ ત્રણેક પરિવાર રહેતા હતા.
એ પરિવાર માટે પુરાતન બાંધકામ પથ્થરના ઢેરથી વિશેષ કંઈ ન હતું. પણ ઇતિહાસમાં દૂર સુધી નજર પહોંચાડી શકતા પ્રોફેસર તુરંત પારખી ગયા કે આ ઈન્કા સંસ્કૃતિના જ કોઈ અવશેષો છે. મળી આવેલું સ્થળ વિલકબામ્બા તો ન હતું, પરંતુ એટલો જ રસપ્રદ માચુ પિચ્છુ નામનો કિલ્લો હતો. માચુ પિચ્છુ શબ્દ સ્થાનિક ભાષાનો હતો, જેનો અર્થ જૂનું શીખર એવો થતો હતો. વિલકબામ્બા તો મળતાં મળશે પરંતુ જૂના શીખર પર ઉભેલા નવતર બાંધકામમાં હિરમને રસ પડ્યો અને તેમણે વધુ ખાંખા-ખોળાં કર્યા.
આ બાંધકામ મળી આવ્યા પછી પરત આવેલા પ્રોફેસર હિરમે ‘નેશનલ જ્યોગ્રાફિક’ના એપ્રિલ 1913ના અંકમાં શોધયાત્રાનું વર્ણન કરતાં લખ્યું : ‘ચાલતાં ચાલતાં અમે અચાનક જ જંગલ વચ્ચે બાંધકામમાં અટવાઈ પડ્યાં. નાની-મોટી દીવાલો હતી, ભગ્ન અવશેષો હતા અને સિમેન્ટ જેવા કોઈ પદાર્થનો ઉપયોગ કર્યા વગરનું બાંધકામ હતું. સેંકડો વર્ષથી રાહ જોઈ રહેલા બાંધકામની ઉપર હવે તો ઘાસની જમાવટ થઈ ચૂકી હતી. ઊંચા-નીચું બાંધકામ હોવાથી અમને ખ્યાલ ન આવ્યો કે આખુ માળખું કેવું છે, એ આઠ હજાર ફીટની ઊંચાઈએ વાદળો પણ અમારી દૃષ્ટિ આડે પડદો બનતાં હતા. પરંતુ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કપાયેલા ગ્રેનાઈટના પથ્થરો આજે પણ એમના એમ જોઈને મારા રોમ રોમમાં હરખ સમાતો ન હતો…’
એ બધુ તો પ્રથમ દૃષ્ટિએ જોવા મળતું હતું. એ પછી તો તેનું ઉત્ખન્ન થયું અને ડુંગરની જરા સપાટ કહી શકાય એવી ટોચે આખુ નગર મળી આવ્યું. જોકે નગર કે કિલ્લો એ અંગે વિદ્વાનો એક મત પર નથી, પરંતુ તેનું બાંધકામ અભિભૂત કરનારું છે. કેમ કે કદ એવડું મોટું નથી કે આખુ નગર હોય, પરંતુ બાંધકામની ભવ્યતાની દૃષ્ટિએ નગર કહીએ તો ખોટુંય નથી.
આસમાની સુલતાની
દુશ્મનોથી સુરક્ષિત રહેવા સત્તાનું કેન્દ્ર હંમેશા ઊંચાઈ પર જ હોવુ જોઈએ, એ બાંધકામ પછી રાજસ્થાનના રાજવીઓ કરે કે ઈન્કા સંસ્કૃતિના શહેનશાહો. માચુ પિચ્છુ પણ આઠ હજાર ફીટ ઊંચાઈએ છે. એટલે આસાનીથી ત્યાં કોઈ પહોંચી શકે એમ નથી. નગર જેની ધાર પર વસેલું છે એ એન્ડિજ પોતે જ મહાદુર્ગમ પર્વતમાળા છે. એટલું ઓછું હોય એમ ફરતું ગાઢ વર્ષાજંગલ છવાયેલું છે. એટલે જો હિરમ ત્યાં પહોંચ્યા ન હોત તો ન જાણે ક્યારે આ નગરની જાણકારી જગતને મળી હોત.
માચુનો મુગટ હોય એમ તેની પાછળ પણ એક હુયાના પિચ્છુ નામનું ઊંચુ શીખર આવેલું છે. તો માચુની આગળ જરા ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરી છે. એ શીખરોની ફરતે વળાંકદાર નદી વહે છે, એટલે કોઈ આસાનીથી ત્યાં પહોંચી શકે એમ નથી. જોકે ઈન્કા પ્રજાએ એ જમાનામાં નદી પાર કરવા દોરડાના પુલ બાંધ્યા હતા.
નગરની શોધ પછી તો તેના વિવિધ અભ્યાસો થયા અને તેના અંતે બે મહત્ત્વપૂર્ણ તારણ નીકળી શક્યા. એક તો ઈન્કા પ્રજાએ આ નગર અકબંધ હાલતમાં છોડી દીધું હતું. એ અકબંધ બાંધકામો આજે સાડા ત્રણ શહસ્ત્રાબ્દી પછી પણ જોઈ શકાય છે. પથ્થરો એ રીતે ગોઠવાયેલા છે, કે તેમની વચ્ચે ચાકુ ઘૂસી શકે એટલી પણ તીરાડ નથી. બીજું તારણ એ નીકળ્યું કે જે વિલકબામ્બા નગરની શોધ હતી એ આ નથી.
વિલકબામ્બા નગર માચુ પિક્છુથી પચાસેક કિલોમીટર દૂર જંગલમાં હોવાનું કહેવાય છે. ત્યાં કેટલાક અવશેષો પણ મળ્યાં છે. પરંતુ સુવર્ણથી સમૃદ્ધ નગર વિલકબામ્બાના જ અવશેષો હોવા અંગે મતમતાંતરો છે. એટલે કોઈ પ્રવાસી ઇન્ડિયાના જોન્સની માફક નગર શોધવા નીકળી શકે એમ છે.
પથ્થરમાં પારંગત પ્રજાનું સ્થાપત્ય
માચુમાં રહસ્યો દબાયોલા છે એટલે એ જાણવા આમ-તેમ ભમવું પડે પણ તેનું સ્થાપત્ય તો સામે જ ઉજાગર થાય છે. પ્રવાસીઓને અહીં પગ મુકતા પહેલી કોઈ ચીજનો ભેટો થાય એ પાંચેક સદી જૂની સ્થાપ્ત્યકળા છે. પથ્થરકળામાં પારંગત ઈન્કા પ્રજાએ બાંધકામ માટે ‘અશલર (Ashlar)’ તરીકે ઓળખાતી પદ્ધતિ વાપરી હતી, જેમાં સિમેન્ટ જેવો કોઈ ચીટક પદાર્થ વપરાતો નથી. આજે સિમેન્ટ વગરનું બાંધકામ કલ્પી શકાતું નથી અને કરી પણ શકાતું નથી. આઠેક હાજર ફીટ ઊંચાઈએ માચુમાં ઈન્કાના લગભગ ૨૦૦ સ્થાપત્યો સલામત રહ્યા છે, જેમાં સ્થાપત્યનિષ્ણાતોએ ૧૭૨ ઓરડા અને ૧૦૯ સીડી (દાદર)ની ગણતરી પણ કરી છે. પરંતુ બધાની છત ગૂમ છે! કેમ? કેમ કે એ લાકડા-ઘાસ વગેરેની બનેલી હતી, જે સદીઓ સુધી સલામત ન રહી શકી.
રંગીન પોશાક, માથે ટોપી કે પાઘડી, પહોળું મોઢું અને ચપટું નાક ધરાવતી ઇન્કા પ્રજા એક સમયે દક્ષિણ અમેરિકા ખંડમાં ફેલાયેલી હતી. 16મી સદીમાં સ્પેનિશોએ આક્રમણ શરૃ કર્યા પછી ઇન્કા સંસ્કૃતિ ખતમ થતી ગઈ અને આજે માત્ર અવશેષો કે મ્યુઝિયમમાં રહી ગઈ છે. ઇન્કા પ્રજા વિશે મોઢા એટલી વાતો થતી રહે કેમ કે એ પ્રજાએ પોતાની પરંપરા વિશે લેખિત નોંધ રાખી નથી. એ પ્રજાની સંસ્કૃતિ, જ્ઞાન, વારસો પેઢી દર પેઢી મુખોમુખ ઉતરતો હતો.
100થી વધારે સમુદાયમાં વહેંચાયેલા ઇન્કાની વસતી એક સમયે સવા કરોડ જેટલી હતી. ઇન્કા મૂળભૂત રીતે સુર્યપુજક પ્રજા હતી. એ ઉપરાંત પ્રકૃત્તિના વિવિધ સ્વરૃપો તેમના દેવી-દેવતા હતા. માત્ર માચુ પિક્છુ નહીં પેરુના કુસ્કો જેવા શહેરોમાં આજે પણ એવા બાંધકામો મોજુદ છે, જ્યાં ઇન્કા રહેતા હતા. પહાડોમાં રેતી અને ખેતી કરતી ઇન્કા પ્રજાએ દક્ષિણ અમેરિકા ખંડમાં રોડ-રસ્તાનું વિશાળ નેટવર્ક ઉભું કર્યું હતું. ત્રીસેક હજાર કિલોમીટર લાંબા એ નેટવર્કના કેટલાક રસ્તા આજે સચવાયેલા છે. બટેટાનું પ્રથમ વાવેતર પણ ઇન્કાએ જ કર્યું હતું. એ પ્રજા એટલી બધી સમૃદ્ધ હતી કે સોના-ચાંદીના વાસણનો ઉપયોગ કરતી હતી. શારીરિક વાઢકાપમાં પણ ઇન્કાના તબીબો નિષ્ણાત હતા. એમણે પોતાનું કેલેન્ડર તૈયાર કર્યું હતું. એ કેલેન્ડરમાં જ 2012 પછીનું વર્ષ ન દેખાતું હોવાથી એવી વિશ્વવ્યાપી વાયકા ફેલાઈ હતી કે 2012માં જગતનો નાશ થશે.
જોવા જેવા મુખ્ય સ્થળો
માચુનો કિલ્લો મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગ એટલે ખૂલ્લો વિસ્તાર, જ્યાં જમીન સપાટ કરીને ખેતી થતી હતી. એ ખૂલ્લી અગાસીઓ આજે પણ જોઈ શકાય છે. બીજો ભાગ એટલે રહેણાંક વિસ્તાર, જ્યાં રસ્તા, ચોક, મકાનો, મહેલો, સુર્ય અને અન્ય દેવતાના મંદિર વગેરે હતું. તેના અવશેષો પણ સચવાયેલા છે. એમાં કેટલાંક જોવા જેવાં સ્થળ..
- સુર્ય દ્વાર – જ્યારે આ કિલ્લો ધમધમતો હતો ત્યારે આ માચુનું મુખ્ય પ્રવેશ દ્વાર હતું, રાજા અને રંક સૌ કોઈ અહીં ઉભેલા દરવાનોની નજરતળેથી પસાર થતા હતા. ટ્રેકિંગ કરીને આવનારા પ્રવાસીઓ આ દરવાજેથી માચુ સુધી પહોંચે છે, જ્યારે બાકીના પ્રવાસીઓએ ચાલીને ત્યાં સુધી પહોંચવુ પડે છે, કેમ કે મુખ્ય કિલ્લાથી આ દ્વાર થોડુ દૂર, ઊંચાઈ પર છે. સાઈટથી દૂર હોવાથી એ સ્થળ જોવા વધારાના બે-ત્રણ કલાકનો સમય ફાળવી રાખવો હિતાવહ છે. આજે પ્રવાસીઓ ત્યાં પહોંચે ત્યારે તેમને ખીણ, ખીણમાં ભરાયેલા વાદળના ઝૂંડ, દૂર સુધી ફેલાયેલી એન્ડીઝની હારમાળાનો અદ્ભૂત નજારો જોવા મળે છે.
- ટેમ્પલ ઓફ સન – માચુના બધા બાંધકામ પથ્થરના જ છે, પરંતુ એક જરા અલગ પડે છે. ગોળાકાર દીવાલ ધરાવતુ એ બાંધકામ એક સમયે સુર્ય મંદિર હતું. ઢાળ પર ટકી રહે એ પ્રકારની જરા ત્રાંસ ધરાવતી, અર્ધગોળાકાર દીવાલોની ડિઝાઈનમાં મજબૂતીનું રહસ્ય પણ સમાયેલું છે.
- આકાશદર્શ- એક સ્થળે ઊંચાઇ પર મોટી શીલા છે, તેના પર ચોરસ પથ્થર ઉભો છે. દેખાવે ખાસ આકર્ષક ન લાગતા એ સ્થળનું સ્થાનિક ભાષામાં નામ ઇતિહુઅતના (intihuatana) છે. તેનો ઉપયોગ આકાશમાં સુર્ય-ગ્રહોની સ્થિતિ જોવા માટે કરવામાં આવતો હતો. પથ્થર ચાર બાજુ ધરાવે છે, જે ચારેય દિશા દર્શાવે છે. પૃથ્વીનો ઉત્તર ધ્રુવ ઓળખી શકાય એ રીતે પણ પથ્થરમાં સંકેત રજૂ કરેલા છે.
- ટેમ્પલ ઓફ થ્રી વિન્ડો – પથ્થરના બાંધકામ વચ્ચે 3 બારી ધરાવતી એક દીવાલ પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે. એ સ્થળ ટેમ્પલ ઓફ થ્રી વિન્ડો તરીકે ઓળખાય છે. ઉંચાઈ પર આવેલી હોવાથી કોઈ પથ્થરનો જરૃખો બનાવ્યો હોય એવુ આકર્ષક બાંધકામ છે.
- ટેમ્પલ ઓફ કોન્ડોર – કોન્ડોર એ ગીધનો એક પ્રકાર છે. ઇન્કા પ્રજાની પથ્થર ઘડવાની આવડત અહીં છતી થાય છે. કેમ કે એક પથ્થર જમીન પર પડ્યો છે, પાછળ ગુફાની દીવાલ જેવી શીલા ઉભી છે. દૂરથી જોતાં જમીન પરનો પથ્થર ગીધનું ધડ અને પાછળનો પથ્થર ફેલાયેલી પાંખો જેવો દેખાય છે. બન્ને પથ્થર અલગ છે અને કુદરતી રીતે રચાયેલા છે. ઇન્કાએ તેને મંદિરમાં પરિવર્તિત કરી નાખ્યા છે. આજનો યુગ થ્રીડીનો છે, પરંતુ અહીં આવેલું આ મંદિર હજારો વર્ષથી થ્રીડી રચના ધરાવે છે. આ જગ્યાએ સંભવતઃ ઇન્કા પ્રજા બલી આપતી હશે.
- નગર રચના – અહીંના મોટા ભાગના મકાનો એક માળના છે, પરંતુ ક્યાંક એકથી વધારે માળની ઊંચાઈ પણ જોઈ શકાય છે. અમુક મકાનોમાં ત્રાંસી બારીઓ પણ હતી. રહેણાંક વિસ્તારમાં લગભગ ૧૨૦૦ લોકો રહી શકતા હશે. રહેણાંક અને ખેતી વિસ્તાર એક પછી એક બે દીવાલથી અલગ પાડેલો છે. ખેતરાઉ વિસ્તાર બહારના ભાગે હતો, જ્યાંથી નીકળતા રસ્તા વાટે કૃષિ પેદાશો છેક ૮૦ કિલોમીટર આઘે આવેલા (આજના પેરુના મહાનગર)કુસ્કો સુધી પહોંચી શકતી હતી. ઊંચાઈવાળા દરેક મકાનમાંથી પાણી વહીને ખેતર સુધી પહોંચે એ રીતે નીકો બનાવેલી હતી. અહીં જેટલુ બાંધકામ દેખાય છે, તેનાથી વધુ નથી દેખાતુ એટલે કે જમીન નીચે દટાયેલું હોવાનું મનાય છે. ગાઈડ સાથે હોય તો આવી કેટલીક ચેમ્બરના દરવાજા દેખાડી શકે છે.
તસવીરો કે વીડિયોમાં જોતા માચુના પથ્થરો નાના લાગે, પરંતુ અમુક પથ્થરો ૫૦ ટન સુધીના છે. એ બધા જ પથ્થરોને એકબીજા સાથે ચોંટાડી રાખવા માટે તેનું પરફેક્ટ કટિંગ કરવામાં આવ્યું હતું. મોટા ભાગના પથ્થર છ બાજુ, આઠ ખૂણા ધરાવતા લંબચોરસ છે. કાપ-કૂપ પછી પથ્થરને અડોઅડ એ રીતે ગોઠવ્યા છે કે આજે પણ તેમાં કાગળ ઘૂસાડી શકાય એવી નાનકડીય તીરાડ મળતી નથી. એ જોયા પછી ઈન્કાની આવડત પર આફરિન પોકાર્યા વગર રહી ન શકાય. એવુ પણ મનાય છે કે ઈન્કા પથ્થરોને ખસેડવા માટે પૈંડાવાળા વાહનોનો ઉપયોગ કરતા ન હતા. સાઈટની નજીકમાં આવેલી પથ્થરની ખાણમાંથી મનુષ્યોએ દોરડા કે અન્ય કોઈ ટેકનીક વડે જ પથ્થરોની હેરાફેરી કરી હશે. તો પછી વધુ માન ઈન્કા પ્રજાના બાહુબળ માટે થાય, જે આવા પથ્થરો ખસેડી શક્યા. પથ્થરોને લેવલ ટુ લેવલ કાપવા માટે ઇન્કા પાસે તાંબાના હથિયારો વાપરતા હોવાની શક્યતા છે, કેમ કે ઈન્કા પ્રજાએ લોખંડનો ઉપયોગ કર્યાના ક્યાંય સંકેત મળતા નથી. એક પછી એક ભૂકંપો નગરને ટૂકડે ટૂકડે ભાંગતા રહ્યા, તો પણ હસ્તી સાવ મિટાવી શકાઈ નથી.
માચુ અભયારણ્યનું વન્યજીવન
પાંચ-સવા પાંચ સદીથી સાવધાનની મુદ્રામાં ઉભેલા પથ્થરો વચ્ચે પસાર થયાં પછી બહાર નીકળીએ ત્યારે અહીં જીવનો સંચાર થતો જોવા મળે. કેમ કે આ વિસ્તાર મૂળભૂત રીતે વનથી ઘેરાયેલો છે. આસપાસનો સવા ત્રણસો ચોરસ કિલોમીટરનો વિસ્તાર અભયારણ્ય જાહેર થયેલો છે. દક્ષિણ અમેરિકા ખંડની ઓળખ બનેલું બિલાડકુળનું પ્રાણી પુમા, એન્ડિઝની ઊંચાઈએ જોવા મળતું શિયાળ, તારુકા તરીકે ઓળખાતા હરણ, દક્ષિણ અમેરિકામાં જોવા મળતું સફેદ મોઢાવાળું કાળુ રીંછ વગેરે સજીવોનો વસવાટ આ સાઈટમાં છે. પરંતુ પ્રવાસીઓને સૌથી વધુ જાણીતું લાગે એવુ પ્રાણી એટલે ઊંટને જરા મિનિમાઈઝ કરી દીધું હોય એવુ દેખાતુ લામા નામનું પ્રાણી. ડોક ઊંટ જેવી, શરીર પર ગુચ્છાદાર ઊન ઘેટાં જેવું અને કદ વળી ઘોડા જેવડું.. એ રીતે મિશ્ર થયેલું આ પ્રાણી અહીં આવતા ઘણા ખરા પ્રવાસીઓને અચૂક જોવા મળે છે. જોકે હકીકત એ છે કે એક જ દેખાતા આ ‘કેમેલિડ્સ ફેમિલી’ના ચાર સજીવો અહીં વસે છે, લામા, અલ્પાકા, વિકુના અને ગુનાકો. દેખાવે લગભગ સરખા હોવાથી દરેક પ્રવાસીઓ તેમની વચ્ચેનો ભેદ પામી શકતા નથી. ચાર પૈકી બે તો અહીં દસેક હજાર વર્ષથી રહે છે અને ઈન્કા પ્રજા તેનો સામાન હેરાફેરી માટે ઉપયોગ કરતી હતી.
વનવિસ્તારમાં લગભગ સવા ચારસો પ્રજાતીના પક્ષી, સાતસોથી વધુ પ્રકારના પતંગીયા અને અસંખ્ય પ્રકારના છોડ-વેલા પણ જોવા જેવા છે. માચુની મુલાકાત લીધા પછી ઘણા પ્રવાસીઓ આસપાસના વનવિસ્તારમાં ટ્રેકિંગ પર જવાનું પસંદ કરે છે. ત્યારે આ બધી ભવ્યતાથી રૃબરૃ થવાની તક મળે છે. માચુ પાસેના હુયાન સુધી પહોંચીને માચુનું વિહગાંવલોકન કરી શકાય છે. એ શીખર પર રોજના 400 પ્રવાસીને જ પ્રવેશ મળી શકતો હોવાથી હવેલી સવારથી લાઈન લાગી જાય છે.
દક્ષિણ અમેરિકા ખંડના જંગલોમાં દબાયેલા રહસ્યો હંમેશા દુનિયાને આકર્ષતા રહ્યાં છે. લાખ પ્રયાસ છતાં અનેક નગર, બાંધકામ હજુ સુધી મળી શક્યા નથી. સામે પક્ષે માચુ જેવી નમૂનેદાર સાઈટ મળી આવી અને સચવાઈ રહી છે, જે મુલાકાતીઓને સીધા પાંચ સદી પહેલાના મધ્યયુગમાં લઈ જાય છે. મધ્યયુગમાં જવા માટે દક્ષિણ અમેરિકા ખંડની આ સાઈટ સુધી લાંબુ થવું રહ્યું.
જતાં પહેલા જાણી લો
- મેથી ઓક્ટોબર વચ્ચે વાતાવરણ વધારે સ્વચ્છ અને ખુશનુમા હોય છે. ગમે તે દિવસે વહેલી સવારે મુલાકાત લેવી હિતાવહ છે. જૂનથી ઓગસ્ટ વચ્ચે સૌથી વધુ ભીડ હોય છે.
- પરદેશથી આવતા પ્રવાસીએ પહેલા પેરુમાં પહોંચવાનું રહે છે. માચુની નજીકનું એરપોર્ટ ૮૦ કિલોમીટર દૂર આવેલુ કુસ્કો શહેર છે. મુંબઈ કે દિલ્હીથી કુસ્કોની સીધી ફ્લાઈટ નથી, પરંતુ યુરોપ વાયા થઈને જઈ શકાય છે. ગુજરાતથી રવાના થયા પછી પેરુ પહોંચતા ઓછામાં ઓછા ચોવીસ કલાક તો લાગે જ છે.
- ઘણા પરદેશી પ્રવાસી કુસ્કોને બદલે પેરુના પાટનગર લીમા ઉતરવાનું પસંદ કરતા હોય છે. લીમા ઉતર્યા પછી ૧૧૦૦ કિલોમીટર દૂર આવેલા કુસ્કો પહોંચવાના બે રસ્તા છે, ફ્લાઈટ અથવા બસ. બસની સફર લગભગ ૨૪ કલાક ચાલે છે. તેની સામે ફાયદો એ છે કે પેરુની ભાગ્યે જ જોવા મળતી સિન-સિનેરી અને સંસ્કૃતિ વચ્ચેથી પસાર થવાની તક મળે છે. સામે પક્ષે એન્ડિઝની ધાર પરથી પસાર થતી બસનો પ્રવાસ થોડો ડેન્જરસ પણ ગણાય છે. પ્રવાસીઓની અઢળક સંખ્યા જોતા લીમા અને કુસ્કો વચ્ચે રોજની સરેરાશ ૭૫ ફ્લાઈટ ચાલે છે અને દોઢ કલાકમાં કુસ્કો પહોંચાડે છે.
- કુસ્કોથી માચુ પહોંચવા માટે ટ્રેન અથવા ખાનગી બસો એવા બે વિકલ્પ છે. અલગ અલગ ટ્રેન ૨થી ૩ કલાકમાં માચુની તળેટી સુધી પહોંચાડે છે. ટ્રેન સંખ્યા લિમિટેડ છે અને તેની ટિકિટ https://www.perurail.com/ પરથી મળી શકે છે. જંગલની લીલોતરી વચ્ચે પસાર થતી બ્લૂ કલરની ટ્રેન અનોખું સોંદર્ય ઉભું કરે છે.
- માચુ પહોંચ્યા પછી વળી શીખર સુધી પહોંચવા માટે એકથી વધુ રસ્તા છે. વાહનમાં બેસીને ઉપર સુધી પહોંચી શકાય છે. તળેટીમાં પહોંચ્યા પછી કેટલાક પ્રવાસીઓ ‘ઈન્કા ટ્રેલ’ નામનો રૃટ પસંદ કરે છે. ૧૯૧૧માં હિરમ જ્યારે ચાલીને ગયા ત્યારે તેમને ઉપર પહોંચતા છ દિવસ લાગ્યા હતા. હવે હાઈકિંગ-ટ્રેકિંગ કરવું હોય તો ચારેક દિવસનો સમય લાગે છે. વરસાદી સિઝનને કારણે ફેબ્રુઆરીમાં ઈન્કા ટ્રેલનો રસ્તો બંધ રહે છે. આ ટ્રેકિંગમાં રોજના ૫૦૦થી વધુ મુસાફરોને લઈ જવાતા નથી, બીજી તરફ દક્ષિણ અમેરિકાનો સૌથી લોકપ્રિય ટ્રેકિંગ રૃટ છે, માટે મહિનાઓ અગાઉથી બૂકિંગ થતું રહે છે. ટ્રેકિંગની ઈચ્છા હોય એમણે અચૂક એડવાન્સમાં બૂકિંગ કરાવવું. આ રહી તે માટેની સાઈટ https://www.inca-trail.com.pe/ એ સિવાયના અઘરા ટ્રેકિંગ વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
- માચુ આસપાસ જ અનેક નાના-મોટા પ્રકારની હોટેલ્સ છે, જે જંગલ વચ્ચે પહાડી ઢોળાવ પર રહેવાની તક આપે છે.
- અહીં જનારા પ્રવાસીઓએ એક જ દિવસમાં વિવિધ ઋતુનો અનુભવ થઈ શકે છે. ઊંચાઈ પર હોવાથી ઠંડી લાગે એ સ્વાભાવિક છે. પહાડી વાતાવરણમાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે. તો વળી સૂરજ નીકળશે ત્યારે તડકો પણ આકરો લાગશે. એ માનસિક તૈયારી સાથે જવું.
- સાઈટ પર ખાસ લખાણો કે જાણકારી નથી, એ માટે નજીકમાં આવેલા મ્યુઝિઅમની મુલાકાત લેવી રહી. કુસ્કોમાં પણ એક મોટું મ્યુઝિયમ છે, જેમાં માચુમાંથી મળેલા અવશેષો સચવાયેલા છે.
- ભોળાનાથના ગળામાં સાંપ વિટાળ્યો હોય એમ શીખર ફરતેથી ઉરુબામ્બા નદી પસાર થાય છે. તેનું પાણી એકદમ સફેદ દેખાતું હોવાથી જંગલ વચ્ચે સફેજ રેખા પસાર થતી હોય એવુ લાગે છે. એ નદીમાં રિવર રાફ્ટિંગ સહિતની રમતોની સુવિધા ઉપલબ્ધ છે.
- સાઈટથી પોણો કિલોમીટર ‘ઓગસ ક્લિઅન્ટીસ’ નામના નાનકડા નગરમાં ગરમ પાણીના ઝરા છે. ત્યાં સ્નાન કરવા માંગતા પ્રવાસીઓ માટે ચેન્જિંગ રૃમ જેવી સગવડ પણ ત્યાં છે.