નિતુલ મોડાસિયા
ભારતમાં લોકો સૌથી વધુ પસંદ પહાડોમાં ફરવા જવાનું કરે છે. ભારતમાં ઉતર ભાગમાં આવેલા હિમાલયમાં ઢગલાબંધ પહાડી પર્યટક સ્થળો આવેલાં છે. જગતભર માંથી લોકો મનાલી અને શિમલા ફરવા આવે છે. કાશ્મીરથી શરૂ થતાં અને હિમાચલ , ઉત્તરાખંડ, નેપાળ, સિક્કિમ, ભૂતાન અને અરૂણાચલ પ્રદેશ સુધી ભારતમાં હિમાલય ફેલાયેલો છે. આ પર્વતમાળામાં ઘણા બધા હિલ સ્ટેશન આવેલા છે. ભારતમાં બ્રિટિશરાજ દરમ્યાન ઘણા બધા હિલ સ્ટેશનો વિકાસ પામ્યા જે આજે દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. આ હિલ સ્ટેશનની હારમાળામાં એક મોતી છે ડેલહાઉસી. હિમાચલ પ્રદેશમાં આવેલું આ હિલ સ્ટેશન પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે.
ડેલહાઉસી – પરિચય
અંગ્રેજોએ શાંતિ લેવા માટે 1860ની આસપાસ ડેલહાઉસીની સ્થાપના કરી છે. પાંચ પહાડો પર વસેલું આ હિલ સ્ટેશન કુલ 14 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. હિમાચલ પ્રદેશના બાનીખેત પાસે આવેલું આ હિલ સ્ટેશન પ્રકૃતિ , સૌંદર્ય અને શાંતિનું કોકટેલ છે. આ હિલ સ્ટેશન મસૂરી, નૈનિતાલ, શિમલા અને મનાલી જેટલું પ્રખ્યાત નથી માટે આ હિલ સ્ટેશન પર વધુ માનવ મેદની જોવા મળતી નથી. ડેલહાઉસીમાં મુખ્ય બે ચોક, જે ગાંધીજી અને સુભાષ બાબુના નામથી પ્રખ્યાત છે. આ બંને ચોકની આસપાસનો વિસ્તાર એટલે ડેલહાઉસી ની બજાર. દરેક હિલ સ્ટેશન પર હોઈ તેવું અહી એક તળાવ પણ છે અને અંગ્રેજી બનાવટના નમૂના આપતા બે ચર્ચ પણ અહી આવેલા છે. આ હિલ સ્ટેશન પર વધુ ભીડ હોતી નથી પરંતુ ડેલહાઉસી પાસે આવેલો ખજીયાર રોડ ફિલ્મોના શૂટિંગ માટે બોલિવૂડનું પસંદગીનું સ્થળ છે. આ વિસ્તારમાં વિશાળ ઘાસના મેદાન અને ચારેય બાજુ હિમાચ્છાદિત શિખરો આવેલા છે જેના લીધે આ જગ્યા સ્વિટ્ઝર્લૅન્ડમાં હોવાનો અહેસાસ કરાવે છે.
ડેલહાઉસીમાં ફરવા જેવી જગ્યાનું લિસ્ટ
૧. ડેલહાઉસી શહેર: આ હિલ સ્ટેશન વિસ્તારમાં નાનું છે પણ અહીંનું બાંધકામ જોવા લાયક છે. અંગ્રેજી બનાવટની ઇમારતો તેમજ St Francis અને St John’s ચર્ચ એક વાર મુલાકાત કરવા જેવા સ્થળ છે. પાસેજ લક્ષ્મી નારાયણ મંદિર પણ આવેલું છે, હિમચલી બનાવટનું આ મંદિર ખૂબ પૌરાણિક છે માટે જોવાલાયક છે. મુખ્ય વિસ્તાર પાસેજ એક તળાવ પણ આવેલું છે જેમાં બોટિંગ કરવાનો આનંદ લઇ શકાય. ડેલહાઉસીની આસપાસ ઘણા પહાડી ગામડાઓ આવેલા છે. આ ગામના લોકો આજે પણ જુના રિતી રિવાજને પાળે છે માટે તેમનું રેહઠાણ, રિવાજ અને પેહેરવેશ જોવો પણ એક સારો અનુભવ છે. હિમાલયમાં આવેલું હોવાથી ડેલહાઉસી બજારમાં ઊનના કપડા , ટ્રેડિશનલ ડ્રેસ અથવા આભૂષણો ખરીદવાનો લ્હાવો લઇ શકાય. તિબેટની નજીક આવ્યું હોવાથી ડેલહાઉસીમાં તિબેટીઅન સ્ટાઇલના મોમોસ, ડમ્પલિંગ અને નૂડલ્સ મળે છે જે ખાવાનો અનુભવ પણ અનોખો છે.
૨. કાલાટોપ વાઇલ્ડલાઇફ સેંચ્યુરી : ડેલહાઉસી આવનારા પર્યટકને જો પ્રકૃતિમાં લીન થઇ જવું હોય તો તેના માટે કાલાટોપ વાઇલ્ડલાઇફ સેંચ્યુરીથી વધુ સરસ જગ્યા કોઈ નથી. હિમાલયના શિખરો અને રવી નદીના કિનારે આવેલી આ સેંચ્યુરી ખાસ ટ્રેકિંગ માટે બનાવામાં આવી છે. વિશાળ પાઈનના વૃક્ષો વચ્ચે બનાવેલા કાચા રસ્તા પર ચાલી પ્રકૃતિને માણવાનો અનોખો લ્હાવો કાલાટોપ વાઇલ્ડલાઇફ સેંચ્યુરીમાં મળી રહે છે. આ સેંચ્યુરી ડેલહાઉસીથી વધુ દૂર નથી તેમજ આ જગ્યા પર જંગલી જાનવરોનો વધુ ખતરો પણ નથી જેના લીધે પર્યટકોને અહી આનંદપૂર્વક સમય વિતાવવાનો મોકો મળે છે. 3000 હેક્ટરમાં ફેલાયેલા આ જંગલોમાં નસીબ હોઈ તો ક્યારેક રીંછ, દીપડા, હરણ જેવા જંગલી જાનવર પણ દેખાય આવે છે.
૩. ખજીયાર રોડ: ડેલહાઉસીથી 14 કિલોમીટર દુર દરેક હિલ સ્ટેશનમાં હોઈ તેવો સપાટ મેદની વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર દરેક રીતે અનોખો છે. નાની નાની ટેકરીઓ પર અહી વિશાળ મેદાન પથરાયેલું છે. આ મેદાનને લગભગ દરેક બાજુથી હિમાલયના પહાડો ઘેરીને ઊભા છે. આ વિસ્તારમાં ઘણી બધી એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાય છે. વિશાળ મેદાનમાં વિહરવાનો અને પહાડી ઘેટાંના ઝૂંડ જોવાનો આ વિસ્તારનો અનુભવ તેને સ્વિટ્ઝર્લૅન્ડ સમાન બનાવે છે. આ વિસ્તારમાં ખાવા પીવાનો અને શોપિંગ કરવાનો અનુભવ પણ કરી શકાય પણ આ સ્થળનું મુખ્ય આકર્ષણ પ્રકૃતિ છે.
૪. અન્ય સ્થળો : દરેક હિલ સ્ટેશનમાં હોય તેવો ટ્રેકિંગ નો અનુભવ અહી પણ કરી શકાય છે. ડેલહાઉસી પાસે આવેલા દાઈકુંડ ટ્રેકનો અનુભવ લેવા જેવો છે. બોલિવૂડની ફિલ્મોમાં દેખાડે તેવા પાઇનના જંગલોમાંથી આ ટ્રેક માટેનો રસ્તો પસાર થાય છે. આ ટ્રેક ખજીયાર રોડથી થઈ ડેલહાઉસીના સૌથી ઊંચા શિખર સુધીનો છે. દાઇકુંડ પાસે મહાકાળી માનું 150 વર્ષ જૂનું મંદિર આવેલું છે જે એક વાર મુલાકાત લેવા જેવું સ્થળ છે. આ ટ્રેક વધુ પડતાં લોકો એકલા પાર કરતાં હોય છે પણ ખોવાય જવાનો ડર લાગતો હોય તો અહી ગાઈડ સાથે રાખવો સલાહભર્યું છે.
ડેલહાઉસી દરેક રીતે શાંત અને સુંદર જગ્યા છે. આ હિલ સ્ટેશનની આસપાસ એરફોર્સના મથકો આવેલા છે માટે ડેલહાઉસીમાં ઘણા એરફોર્સ ઓફિસરો જોવા મળે છે. ડેલહાઉસીમાં એક સમય પર કવિ રવિન્દ્રનાથ ટાગોર રહ્યા છે માટે તેમનું રેહઠાણ પણ અહી આવનાર લિસ્ટમાં શામેલ હોઈ છે. ડેલહાઉસીમાં ઘણી મોટી કૉલેજ અને સ્કૂલો પણ આવેલી છે માટે લોકો ભણતર અર્થે પણ આ હિલ સ્ટેશન પર આવે છે. ડેલહાઉસીની આસપાસ ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે જ્યાં જવા માટેનો રસ્તે ઘણી પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે માટે રસ હોય તો જવું જોઈએ.
ડેલહાઉસી જવું કઈ રીતે ? રેહવું ક્યાં ?
ડેલહાઉસી ની સૌથી નજીકનું હવાઈ મથક અને રેલ્વે સ્ટેશન પઠાણકોટ છે. પઠાણકોટ થી ડેલહાઉસી માટે હિમાચલ પરિવહનની બસ અથવા પ્રાઇવેટ ટેક્સી સેહલાઇથી મળી રહે છે. ડેલહાઉસીમાં ફરવા માટે અને ખજીયાર રોડ જવા માટે મુખ્ય બજાર માંથી ઘણા વિકલ્પો મળી રહે છે. રોકાણ માટે ડેલહાઉસીમાં દરેક પ્રકારના વિકલ્પો ઉપ્લબ્ધ છે. બોલિવૂડ સ્ટાર્સ આવતા હોવને લીધે અહી 5 સ્ટાર હોટેલ અને રિસોર્ટ ના વિકલ્પો પણ મળી રહે છે. અનિલ કપૂરના ખેલ ફિલ્મમાં દેખડેલી હોટેલ પણ અહી આવેલી છે. આ હોટેલ ખજીયાર રોડ પાસે આવેલી હોવાથી આ હોટેલથી ઘાસના મેદાન અને હિમાલયની અનોખી પ્રાકૃતિક સુંદરતા નજરે પડે છે. બજેટમાં રોકવા માટે પણ ડેલહાઉસીમાં પૂરતા વિકલ્પ મળી રહે છે. દરેક હિલ સ્ટેશનની જેમ અહી પણ ફેબ્રઆરીથી ઓક્ટોબર વચ્ચે જવું સલાહભર્યું છે.