સફારી -4 : સતત આઠ વર્ષ સુધી ‘સફારી’ની કિંમતમાં વધારો થયો ન હતો!

દુનિયાભરના વિજ્ઞાન સામયિકોની છૂટક કિંમત જ્યારે 500-700 રૃપિયા હોવાનું જાણીએ ત્યારે ખબર પડે કે સફારી ઘણા સસ્તામાં દુનિયાની જાણકારી આપણને આપી દે છે..

સફારીના 35 વર્ષ – ભાગ 4 (ત્રીજા ભાગ માટે લિન્ક http://rakhdeteraja.com/?p=340&)

સફારીની અત્યારે છૂટક કિંમત કેટલી છે? સફારીનો અંક જોયા વગર જવાબ આપવાનો હોય તો કદાચ એક્ઝેટ આંકડો કહેવો મુશ્કેલ થશે.. કેમ કે સફારીના ઘણાખરા વાચકો કિંમત જોઈને અંક ખરીદતા નથી. સૌ કોઈ એ વાત સ્વીકારશે કે સફારી જે સામગ્રી આપે છે, તેના પ્રમાણમાં કિંમત બહુ મામુલી રાખે છે. એટલે કે સસ્તાદરે જ્ઞાનવાન સમાજનું નિર્માણ કરવામાં સફારી મહત્ત્વનો રોલ ભજવી રહ્યું છે. એ વાતો જોકે અજાણી નથી. એટલે આપણે વાત કરીએ સફારીની કિંમતમાં આવેલા ઉતાર ચડાવની…

પહેલા અંકની કિંમત ૩ રૃપિયા હતી. પછી? પછી તરતના અંકોની તો ખબર નથી પણ આઠમા અંકની કિંમત પાંચ રૃપિયા હતી. અંક નંબર ૪૬થી વધીને બાર થઈ હતી. ૪૬મો અંક જાન્યુઆરી-ફેબુ્રઆરી ૧૯૯૬માં પ્રગટ થયો હતો. આગલા અંકની કિંમત ૧૦ રૃપિયા જ હતી. અંક નંબર ૪૭ની કિંમત પણ વેકેશન અંકને કારણે બાર રૃપિયા હતી. ૪૮મા અંકથી ફરી દસ રૃપિયા કરી દેવાઈ હતી. અકોના પ્રકાર પ્રમાણે પણ સફારીના મૂલ્યમાં વઘ-ઘટ થતી રહે છે.

૧૬૪થી છૂટક કિંમત વધારીને પંદરને બદલે ૧૮ રૃપિયા કરવામાં આવી હતી. છેક ૮૫ નંબરના અંકથી એ કિંમત ચાલી આવતી હતી, જે સતત આઠ વર્ષ રહી. એ માટે સફારીને અભિનંદન આપવા રહ્યાં. બાકી આઠ વર્ષ ભાવ વધ્યા વગર સતત સારી ક્વોલિટી આપતી હોય એવી કઈ ચીજ માર્કેટમાં મળે છે? સફારીએ એ વધારાની નોંધ સંપાદકના પત્રની નીચે મૂકી હતી. દર વખતે એ નોંધ મૂકવાની પરંપરા જળવાઈ જ છે.

એ પછીનો ભાવ વધારો ૧૭૧માં અંકે આવ્યો હતો. એ વખતથી ભાવ ૨૦ રૃપિયા થયો હતો. ભાવ વધારા માટે સંપાદકે વ્યાજબી કારણો પણ રજૂ કર્યા હતાં. અલબત્ત, એ કારણો ન હોય તો પણ સફારીના વાચકો ભાવ વધારા સામે ક્યારેય સરઘસ-રેલી કરતાં નથી. કે નથી ઉચ્ચારતા એક પણ શબ્દ.

વીસેક અંકો પછી ૧૯૨મા નંબરથી સફારીના કલેવર બદલાયા અને કિંમત વધીને ૨૫ રૃપિયા થઈ. વધીને વધીને સફારીની છૂટક કિંમત ૫૦ રૃપિયા થઈ છે, પરંતુ એ દિવાળીઅંકો પુરતી જ. છેલ્લો દિવાળી અંક ૨૪૫માં નંબરનો હતો, જેની આટલી કિંમત હતી. તેની સામે પાનાંની સંખ્યા પણ નિયમિત કરતાં વધારે હતી. કુલ ૧૦૨ પાનાં હતાં. છૂટક કિંમત ૨૨૧માં અંકે (ઓક્ટોબર ૨૦૧૨)માં ૨૫થી વધીને ૩૦ થઈ હતી. એ પછી વધતી વધતી હવે 40 રૃપિયાએ પહોંચી છે. એટલા રૃપિયામાં અમદાવાદમાં બે દાબેલી પણ ખરીદી શકાતી નથી.

શરૃઆતમાં કદાચ સફારીનું લવાજમ ૧૦૦ રૃપિયા હતું. ૫૩મા અંકથી બાર અંકોનું લવાજમ વધારીને ૧૨૦ રૃપિયા કરાયુ હતું. ૩૫ વર્ષમાં લવાજમ વધી વધીને સાડાત્રણ ગણુ વધી ૩૫૦ થયુ છે. એ કિંમત ખરેખર બહુ ઓછી ગણવી રહી. કેમ કે અંગ્રેજીમાં નેશનલ જ્યોગ્રાફિક ખરીદવું હોય તો એક અંકની કિંમત ૨૭૫ રૃપિયા છે. ‘વાયર્ડ’ મેગેઝિનનો એક અંક ૬૦૦ રૃપિયાનો આવે છે. અને એ રૃપિયા ખર્ચ્યા પછીય એમાં નગેન્દ્ર વિજય જેવો ભાષાવૈભવ હોતો નથી.

અંક નંબર ૧૧૮માં લવાજમની વિગત નીચે એક અચરજ પ્રેકર વાક્યુ જોવા મળ્યુ હતું. લખ્યુ હતું: ‘નોંધ-લવાજમની રકમ પર વ્યાજ આપવામાં આવશે નહિ’. આવુ શા માટે લખવું પડયુ હશે એ ‘બ્રહ્માંડ એક છે કે અનેક’ તેનાં જેવુ જ રહસ્ય છે. પછીના અંકમાં એવી નોંધ હતી નહીં. કે બીજા અંકોમાં પણ ક્યારેય એ સૂચના ધ્યાને ચડી નથી. શરૃઆતમાં લવાજમધારક વાચકોને સફારી સ્મૃતિપત્ર લખતુ હશે, કેમ કે અંક નંબર ૮૬માં જાહેરાત છે કે હવે સ્મૃતિપત્ર મોકલાશે નહીં!

સફારીના નિયમિત અંકના પાનાં અત્યારે ૭૦ છે. એક સમયે ૫૨ હતાં, પછી ૬૦ થયા, ૬૮ થયા, ૭૨ થયા.. હવે જોકે ૭૦ પાનાં છે. વિશેષાંક સિવાય પાનામાં ફેરફાર હોતો નથી. જેમ કે દિવાળી અંક કે વેકેશન અંક. અલબત્ત, હવેના અંકોમાં કાગળ વધારે ઊંચી ગુણવત્તાનો વપરાતો હોવાથી અંક જરા વધારે દળદાર લાગે છે.

waeaknzw

Gujarati Travel writer.