દાતાર : ગિરનારનું લોકપ્રિય શિખર

જૂનાગઢના પાદરમાં ઉભેલો ગિરનાર અનેક શિખરોનો સંગમ છે. અંબાજી સૌથી વધુ પ્રસિદ્ધ શિખર-તીર્થધામ છે, તો જૂનાગઢવાસીઓમાં દાતાર લોકપ્રિય છે. તેની તસવીરી સફર..

જૂનાગઢના કોઈ પણ છેડેથી ગિરનારનું ઊંચુ શીખર અંબાજી દેખાય અને ડાબે-જમણે ટેકરીઓની હારમાળા જોવા મળે. રાત પડ્યે અંબાજી જતાં પગથિયાની લાઈટો જળહળે એટલે ગિરનાર પર કોઈ પ્રકાશની વાંકી-ચૂંકી રેખા વહેતી હોય એવુ લાગે. તેનાથી જમણી બાજુ એક નાની પ્રકાશિત રેખા દેખાય, એ દાતારની સીડી.

તળેટીમાંથી રાત પડ્યે ગિરનાર આવો દેખાય..

ગિરનાર પર જવાની ઓછામાં ઓછી 3 સીડી છે. એક સીડી મુખ્ય એટલે કે અંબાજી પર જાય. તેનાથી ડાબી તરફ સીડી છે, જે ભરતવન-સિતાવન જાય છે. આ બન્ને સીડીઓ ભવનાથ તળેટી વિસ્તારમાં જ છે. એ સિવાય ખાસ્સે દૂર વિલિંગ્ડન ડેમ પાસે એક સીડી છે, જે દાતારની.

આ ગિરનારની મુખ્ય સીડી છે, જે જરા કઠીન પણ છે.

ગિરનાર કરતાં દાતાર નાનું શિખર છે, ચઢાણ-ઉતરાણ કરવાનું સરળ છે અને ભીડ ઓછી હોય છે. માટે જૂનાગઢ અને આસપાસના રહેવાસીઓ અડધો દિવસના આઉટિંગ માટે જવું હોય તો દાતાર ઉપડી જાય.

શિખર ઉપર જમિયલશા પીરની જગ્યા છે, જેને હિન્દુ અને મુસલમાન બન્ને પ્રજા માને છે. સમર્થ ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ તેમના અભ્યાસપૂર્ણ પુસ્તક ‘જૂનાગઢ અને ગિરનાર’માં નોંધ્યા પ્રમાણે જમિયલશા રા માંડલિકના સમયમાં એટલે કે 1470ના ગાળામાં ફરતાં ફરતાં જૂનાગઢ આવ્યા હતા. મૂળ તેઓ સિંઘના નગરઠઠ્ઠા શહેરના રહેવાસી હતા.

વિલિંગ્ડન ડેમ જૂનાગઢનું લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, પણ ચોમાસા પુરતું. પાણી ન હોય ત્યારે એ વિસ્તાર ઉજ્જડ લાગે. ડેમના છેડેથી જ દાતારનાં પગથિયાં શરૃ થાય છે. દાતાર પર સામન પહોંચાડવા માટે ઊંટ ચાલી શકે એવી કેડી પણ પગથિયાંની બાજુમાં બનેલી છે.
પગથિયાં ચડતાં જઈએ એમ જૂનાગઢનું વિહંગવલોકન નજરે પડવા લાગે. વચ્ચે દેખાય એ જળાશય નરસિંહ મહેતા સરોવર
આસપાસના ગામોને પાણી પુરા પાડતા ડેમ અને તેની પાછળ સર્જાયેલા જળાશયો.
દાતાર પર જવા માટે સરળ સીડી છે, જે છેક 1894માં બંધાઈ હતી. જૂના પથ્થરો હજુ પણ સલામત છે.
દાતાર જતાં રસ્તામાં એક અતિ સુંદર વાવ પણ આવે છે. જોકે મોટા ભાગના પ્રવાસીઓ એ વાવ જોવાનું ચૂકી જાય છે, જાણકારીના અભાવે. આ વાવ જૂનાગઢના નામી વજીર બહાઉદ્દીનભાઈએ બંધાવી હતી.
ચોમાસામાં પગથિયાં ચડતાં ચડતાં આવું સૌંદર્ય જોવા મળે. એટલે ચઢાણ આકરું લાગતું નથી.
દાતારનું મંદિર ગુફામાં છે, આસપાસ થોડુ બાંધકામ પણ કરેલું છે. દૂરથી જોઈ શકાય એટલે પથ્થર પર ચૂનો પણ લગાવેલો છે.
દાતાર પાસે નગરિયો પથ્થર નામનો વિસ્તાર છે. ત્યાં આવેલા પથ્થરો પર બીજો પથ્થર મારવાથી નગારું વાગતું હોય એવો અવાજ આવે…ધમ…ધમ…ધમ…
કાળા ભમ્મર દેખાતા આ ફળ કરમદાના છે, ખાવામાં કોઈ વાંધો નથી.
દાતારની ગૌ-શાળા… અહીં આવતા પ્રવાસીઓને સોરઠી પરંપરા પ્રમાણે વિનામૂલ્યે ચા-પાણી, ભોજન મળી રહે છે.

(મોટા ભાગની તસવીરો –રૃષિ અને રોહિત ખંભાયતા)

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *