ટેકનોલોજીએ કઈ રીતે આપણો પ્રવાસ સરળ કરી દીધો?

પૈડાંવાળી બેગ, એટીએમ, ઓનલાઈન બૂકીંગ, જીપીએસ, ડિઝિટલ કેમેરા, પેસેન્જર વિમાનો.. આ બધી શોધો ન થઈ હોત તો પ્રવાસ-રખડવા જવાનું જેટલુ સહેલુ છે, એટલુ સરળ કદાચ ન હોત! આ બધી શોધો-સુવિધાઓએ પ્રવાસ સરળ બનાવ્યો છે, લોકોને રખડતા કર્યાં છે. માટે પ્રવાસીઓએ તેમનો આભાર માનવો રહ્યો.

1903માં પહેલું વિમાન ઉડ્યું એ સાથે પ્રવાસનને પણ વેગ મળ્યો.

૧૭ ડિસેમ્બર, ૧૯૦૩.
રાઈટ બંધુઓએ અમેરિકાના કાંઠે એક નાનકડું પ્લેન ઊડાવવામાં સફળતા મેળવી એ હવાઈયાત્રા સાથે આડકતરી રીતે પ્રવાસનની પણ શરૃઆત હતી. કેમ કે એ પહેલા ઊંચે ઊડીને પંખીની જેમ યાત્રા કરી શકાય એ વાત કલ્પના માત્ર જ ગણાતી હતી.
રાઈટ બંધુઓના વિમાન શોધાતાંની સાથે જ પ્રવાસીઓ ઊડવા લાગ્યા એવુ ન હતું. પરંતુ એ પછીના દાયકાઓમાં વિમાનોના આકાર-પ્રકાર-ડિઝાઈનો ફેરફાર પામતા રહ્યાં. એ બધા ફેરફારો પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને થયાં. દરમિયાન બે વિશ્વયુદ્ધ આવી પડયા. એ વખતે મુસાફરો માટે વિમાનો બનાવવાને બદલે ફાઈટર જેટની વધારે જરૃર હતી. જેટ એન્જીનો તો છેક ૧૯૩૯માં જ બની ચુક્યા હતાં પણ પ્રવાસીઓને ઊંચકીને હેરાફેરી કરે એવો સમય આવતાં આવતાં ૧૯૬૦નો દાયકો આવી પહોંચ્યો.

૧૯૫૨માં લંડન અને આફ્રિકાના જોહાનિસબર્ગ વચ્ચે પહેલી કમર્શિયલ જેટલાઈન ફ્લાઈટ ઊડી હતી. વર્ષો પછી બોઈંગ-૭૪૭ વિમાનોનું આગમન થયું. તોતિંગ કદના અને આરામદાયક વિમાનોએ પ્રવાસની વ્યાખ્યા જ બદલાવી નાખી. એવી જ રીતે એરબસ કંપનીએ ડ્રિમલાઈનર વિમાનો લોન્ચ કર્યા. વિમાની મુસાફરો વધવાની સાથે વિમાની કંપનીઓ પણ વધી. પરિણામે હવાઈભાડાંમાં હરિફાઈ સર્જાઈ, જે છેવટે પ્રવાસીઓ માટે લાભદાયી સાબિત થઈ. ભારતમાં તો કેટલાક રૃટ એવા પણ છે, જ્યાં ઓફ સિઝનમાં ટ્રેનના એસી ક્લાસ કરતાં વિમાની ભાડું સસ્તુ હોય છે! પરિણામે લોકો સરળતાથી વિમાની મુસાફરી પર પસંદગી ઉતારવા માંડયા છે. હવે તો રોજની ૯૦ હજાર કરતા વધારે ફ્લાઈટો આખા જગતનેે સતત હવામાં રાખે છે.
* * *
પેરુમાં આવેલી ‘માચુ પિક્છુ’ નામની પુરાત્ત્વિય સાઈટ આખા જગતમાં સૌથી વધુ મુલાકાત લેવાતા પ્રવાસન સ્થળ પૈકીનું એક સ્થાન છે. પણ ૧૯૧૧માં હિરમ બિંગમ નામના સંશોધક અહીં અજાણતા આવી પહોંચ્યા એ પહેલા ઈન્કા સંસ્કૃતિના પ્રાચીન નગરો વિશેે જગતને ખાસ ઉત્સુકતા ન હતી. યાલે યુુનિવર્સિટીમાં પુરાત્ત્વ ભણાવતા પ્રોફેસર બિંગમ હકીકતે તો ખોવાઈ ગયેલા શહેર વિલકબામ્બાની શોધમાં ગયા હતાં. અહીં એન્ડિઝ પર્વતોના જંગલમાં ખાંખાખોળા કરતાં સ્થાનીક ખેડૂતોએ હિરમને એટલી વિગત આપી કે જંગલમાં ક્યાંક કશુક બાંધકામ જેવુ તો છે હો! હિરમ અને તેમના સાથીદારો એ બાંધકામ સુધી પહોંચ્યા. એ સાઈટ હકીકતે માચુ પિક્છુ નામે આજે આખા જગતમાં પ્રસિદ્ધ બનેલી સાઈટ હતી.

પેરુમાં આવેલી ‘માચુ પિક્છુ’ પુરાત્ત્વિય સાઈટે અજાણ્યા સ્થળોના એડવેન્ચર ટુરિઝમને વેગ આપ્યો એમ કહી શકાય.

પ્રવાસીઓને એ સાઈટ પ્રત્યક્ષ રીતે મદદ ન કરતી હોવા છતાં જગતમાં પ્રવાસની વ્યાખ્યા બદલવામાં તેનો મહત્ત્વનો ફાળો છે. માચુ પછી દક્ષિણ અમેરિકા ખંડની આવી કુદરતી સાઈટો શોધાતી થઈ અને એ બધી પ્રવાસન સ્પોટ પણ ગણાવા લાગી. સાથે સાથે જગતભરમાં કુદરતમાં દટાયેલા-વિખરાયેલા પડેલા સ્થળોએ રખડવા જવાનો એક ક્રેઝ શરૃ થયો જે આજે પણ ઈકો ટુરિઝમ, વાઈલ્ડ સફારી વગેરે જેવા વિવિધ નામો સાથે યથાવત છે.

* * *

અંધારામાં રોડ પર મુસાફરી કરતી વખતે ડ્રાઈવરની મદદ કોણ કરે? એક મદદગાર છે, રસ્તા પર થયેલા માર્કિંગ! રસ્તાના બે ભાગ પાડતાં પટ્ટા, રસ્તાની કોર પુરી થાય છે એ દર્શાવતી લીટીઓ, ડાબે-જમણે વળવાનું માર્ગદર્શન આપતા વળાંકદાર રેડિયમ પટ્ટાઓ.. વગેરેની કદાચ મુસાફરોને ખાસ કદર હોતી નથી. પરંતુ રસ્તા પર માર્કિંગ કરવાની આ શોધ ન થઈ હોત તો અનેકગણા વધારે અકસ્માતો થતાં હોત, એ વાત કોઈ પણ ડ્રાઈવર સ્વીકારશે.
રસ્તા પરથી નીકળતી વખતે અંધારામાં સોનેરી ચમકાટ દાખવતા રેડિયમના પટ્ટા ભારે રૃડા-રૃપાળાં અને સરળ લાગે. પણ, તેની શરૃઆત ૧૯૧૧માં અમેરિકામાં થઈ હતી.

રસ્તા પરના રેડિયમ સાઈન બોર્ડે ઘણા જીવ બચાવ્યા છે અને પ્રવાસ સરળ બનાવ્યો છે.

મિશિગન રાજ્યના ‘વાયને રોડ કમિશન’ના કોઈ સભ્યએ રસ્તા પર માર્કિંગની સૂચના આપી હતી, જેનો અમલ પણ થયો. ટ્રેન્ટોના રીવર રોડ પર સૌથી પહેલુ માર્કિંગ થયુ હતું. એ માર્કિંગ કેટલાં મહત્ત્વના છે, તેનો અહેસાસ ડ્રાઈવિંગ કરતી વખતે ‘જો રસ્તા પર માર્કિંગ ન હોત તો..’ એવી કલ્પના કરીએ એટલે આપોઆપ થઈ રહે છે.

* * *
ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે ગાડાઓની લાંબી કતારોમાં સામન ભરીને લોકો હિજરત કરી રહ્યાં હોય એવુ દૃશ્ય બહુ જાણીતુ છે. પરંતુ હવેના યુગમાં એવો પ્રવાસ શક્ય નથી. સામાન ગાડાઓમાં ભરીને બહાર જવાનું હોય તો કોણ જાય? પરંતુ પૈડાંવાળી સુટકેસોએ પ્રવાસને સરળ બનાવ્યો છે.

વ્હિલચેર ધરાવતી બેગ ન હોત તો આપણે પ્રવાસ કેવી રીતે કરતાં હોત?

૧૯૭૦ના દાયકામાં બર્નાડ સ્ડો નામના સંશોધક ‘અમેરિકન લગેજ કોર્પોરેશન’ના અધ્યક્ષ હતાં. તેમને સૌથી પહેલા ભારેખમ સુટકેસો ઉપાડવી સરળ બને એ માટે તેમાં કંઈક કરામત કરવાનો વિચાર આવ્યો. એમાંથી જ તેમણે બેગ નીચે વ્હિલ ફીટ કરી દેવાનો ઉપાય શોધી કાઢ્યો અને તેની પેટન્ટ પણ મેળવી. સુટકેસમાં પૈડાંઓ ફીટ થયા પછી ફરવા જતી વખતે સાથે વધુ સામાન લેવાનું પ્રવાસીઓ માટે સરળ બન્યું. શરૃઆતી સુટકેસોમાં ચાર પૈડાંઓ હતાં, બાદમાં બે પૈડાંઓવાળી સુટકેસો તૈયાર થઈ. આજે કોઈ પણ પ્રવાસી તેનાથી અજાણ નથી.

* * *

ફરવા કે રખડપટ્ટી કરવા ગયા હોઈએ અને ત્યાંના ફોટા ન પડે એ તો કેમ ચાલે? કેમેરાની શોધ તો પોણા બે સદીથી થઈ ચુકી હતી પરંતુ એ કેમેરાઓ પ્રવાસમાં સાથે ફેરવવા મુશ્કેલ હતાં. સરળીકરણની શરૃઆત ૧૯૭૨માં થઈ જ્યારે પહેલો ડિઝિટલ કેમેરા માર્કેટમાં આવ્યો. જુનવાણી કેમેરાઓમાં રોલ ચડાવવો અને ૩૬ ફોટા પડે ત્યાં અટકી જવુ એ મોટી મર્યાદા હતી. ડિઝિટલાઈઝેશન થયા પછી અનેક ફોટાઓ પાડી શકાતા હતાં. ફોટોગ્રાફીનું રિઝલ્ટ પણ સુધર્યુ હતું. કેમેરા સસ્તા થયાં, કદ નાનુ થયુ અને વપરાશ સરળ બન્યો. પરિણામે ફોટોગ્રાફીનો જરા-તરા શોખ હોય એ લોકો પણ કેમેરા ખરીદતાં થયાં હતાં.

પ્રવાસના ફોટોગ્રાફ્સની હવે ચિંતા નથી.

હવે સ્થિતિ એવી આવી છે કે કેમેરાને કારણે ફોટોગ્રાફરોની સંખ્યા વધી રહી છે. આધુનિક મોબાઈલ્સમાં પણ જાત-ભાતની સુવિધા સાથેના કેમેરાઓ ફીટ થયેલા હોય છે, એટલે લોકો બહાર જતી વખતે ફોટા પાડવાનું શું થશે તેની ચિંતા કરતા નથી! મોબાઈલયુગમાં કેમેરો સાથે ફેરવવો પણ હવે તો અનિવાર્ય રહ્યો નથી.

* * *

પ્રવાસમાં સાથે લીધેલા પૈસા પાટલૂનના ચોર ખિસ્સામાં રાખવા પડતાં હતાં. એનાથી પહેલાના જમાનામાં વળી ચોયણીના નેફામાં રાણીસિક્કા સીવી લેવા પડતાં હતાં. હવે એ બધી સંપત્તિ ૫.૪ સેન્ટિમિટર પહોળા અને ૮.૫ સેન્ટિમિટર લાંબા ક્રેડિટ કાર્ડમાં સમાઈ જાય છે.

ક્રેડિટ કાર્ડનો સૌથી પહેલો ઉલ્લેખ આ નવલકથામાં થયો હતો.

૧૮૮૭માં આવેલી નવલકથા ‘લૂકિંગ બેકવર્ડ’માં સૌ પ્રથમ વખત ક્રેડિટ કાર્ડનો આઈડિયા રજુ થયો હતો. તેના કેટલાક વર્ષો પછી અમેરિકાની હોટેલ્સ અને ગેસ સ્ટેશનોમાં ક્રેડિટ કાર્ડની પ્રથા શરૃ થઈ. આજના જેવા ગંજીફાના પાનાં પ્રકારના રૃપકડાં કાર્ડ ૧૯૫૦ના દાયકામાં એન્ટર થયાં. હવે મોટા ભાગની બેંકો તેના કસ્ટમરોને ક્રેડિટ કાર્ડ આપતી ફરે છે. ક્રેડિટ કાર્ડને કારણે પ્રવાસ દરમિયાન સાથે રોકડ રાખવાનું જોખમ ટાળી શકાયું છે. ખિસ્સામાં એક પણ રૃપિયો ન હોય અને ક્રેડિટ કાર્ડ હોય તો ખરીદી થઈ શકે છે. નિશ્ચિંતપણે પ્રવાસ થઈ શકે તેની થોડીઘણી ક્રેડિટ તો ક્રેડિટ કાર્ડને આપવી રહી.

એવી ક્રેડિટ એટીએમને પણ આપવી પડે. ખિસ્સામાં કાર્ડ  લઈને નિકળ્યા પછી હોટેલ સહિતના બીલ તો કાર્ડથી ચૂકવી શકાય. પરંતુ રસ્તાના કાંઠે ચા પીધી હોય તો એ ચૂકવણી રોકડમાં કરવી પડે અને એ માટે નજીકના એટીએમમાંથી પૈસા ઉપાડવા પણ પડે. ઠેર ઠેર ગોઠવાયેલા એટીએમ એ કામ સરળ કરી આપે છે. ૧૯૬૭માં ઈંગ્લેન્ડની બર્કલે બેંકે સૌથી પહેલા એનફિલ્ડ વિસ્તારમાં એટીએમ સ્થાપ્યુ હતું. ૨૦૧૩ના આંકડા પ્રમાણે જગતભરમાં વિવિધ બેંકોના કુલ ૨૪ લાખ કરતા વધારે એટીએમ ગ્રાહકોની સેવામાં રીતસર ચોવીસ કલાક ખડે પગે ઉભા છે.

* * *

મોબાઈલમાં ઈન્ટરનેટ છે અને ઈન્ટરનેટમાં આખુ જગત છે. પ્રવાસને સરળ બનાવામાં ઈન્ટરનેટનો અનેક રીતે ફાળો છે. એમાં સૌથી મોટો ફાળો એટલે ઓનલાઈન બૂકિંગ! હોટેલે, વાહન, રેલવે, વિમાન, ફેરીબોટ.. બધુ જ વેબસાઈટ દ્વારા ઘરે બેઠા કે ગમે ત્યાંથી ઓનલાઈન બૂક કરાવી શકાય છે. અત્યાર સુધી એજન્ટોની મોનોપોલી અને દાદાગીરી હતી, જે તોડવામાં ઓનલાઈન બૂકિંગ સિસ્ટમને ઘણે અંશે સફળતા મળી છે. કેટલાક એજન્ટો મન પડે એ રીતે પ્રવાસીઓને લૂંટી શકતા હતાં. તેનું પ્રમાણ ઓછુ થયુ છે. વળી ક્યાં ફરવા જવા જેવુ છે, ક્યાં કઈ રીતે જઈ શકાય, ત્યાં શું જોવા જેવુ છે, કોણે જોયા પછી કેવો અભિપ્રાય આપ્યો છે, વગેરે વિહતો ટ્રાવેલ ગાઈડ વેબસાઈટો પર મળી રહે છે.

ઓનલાઈન નકશાઓને કારણે સરળતાથી પ્રવાસનો મનપસંદ રૃટ આંકી શકાય છે. ઓનલાઈન બૂકિંગ અને બીજા સ્માર્ટ ફોન.. બન્નેના કોમ્બિનેશનનો પણ પ્રવાસીઓને ફાયદો થયો છે. કાગળની બનેલી ટિકિટ હાથમાં રાખવાનું ભુલી ગયા હોય તો પણ માત્ર એસએમએસના આધારે રેલવે પ્રવાસ થઈ શકે છે. વિમાનમાં પણ બોર્ડિંગ પાસ મેળવતા પહેલા સુધીની કાર્યવાહીમાં મોબાઈલમાં મળેલી ટિકિટ બતાવી શકાય છે. ટિકિટ તો ઘરે ભુલાઈ ગઈ છે, હવે શું થશે.. એ સ્થિતિ નિવારી શકાય છે.

ઓનલાઈન ગાઈડ ઉપલબ્ધ ન હતી ત્યારે ૧૯૭૨માં શરૃ થયેલું ‘લોન્લી પ્લાનેટ’ નામનું જગતનું સૌથી પ્રસિદ્ધ ટ્રાવેલ મેગેઝિન કામ લાગતુ હતું. પ્રવાસીઓ મેગેઝિન અને તેના દ્વારા બહાર પાડવામાં આવેલા પુસ્તકો સાથે લઈને ફરવા નીકળતા હતાં. હજુ પણ આપણે ત્યાં આવતા પરદેશી પ્રવાસીઓના હાથમાં પુસ્તક કે મેગેઝિન જોવા મળે અને તેના પૂંઠાનો રંગ ઘાટ્ટો બ્લૂ હોય તો સમજવું કે એ લોન્લી પ્લેનેટમાં વાંચી વાંચીને રખડપટ્ટીનો આનંદ લઈ રહ્યાં છે! પ્રવાસીઓ ફરવા જતાં પહેલા જે-તે સ્થળને લોન્લી પ્લેનેટે કેટલા માર્ક આપ્યા છે એ જોઈને સ્થળ પસંદ કરે એટલી ઊંચી લોન્લી પ્લેનેટની આબરૃ છે!

* * *

ભારતમાં જીપીએસનો ઉપયોગ હવેે ધીમે ધીમે વધી રહ્યો છે. અમેરિકા-યુરોપમાં જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ના સહારે પ્રવાસ કરનારાઓ અસંખ્ય એકલવીરો છે. જીપીએસ ડીવાઈસ કાર કે બાઈક કે સાઈકલમાં ફીટ કર્યા પછી ઈચ્છિત સ્થળે પહોંચવાનું અઘરું નથી. જીપીએસના કારણે અત્યાર સુધી અસ્પર્શિત રહેલાં કેટલાક સ્થળોએ રખડનારાઓ વધ્યા છે.

જીપીએસને કારણે ભુલા પડવાનો ડર રહેતો નથી. જીપીએસ મૂળભૂત રીતે દિશા-દર્શન કરતી અમેરિકી ઉપગ્રહોની સિસ્ટમ છે. ભારત પણ હવે જીપીએસ જેવું જ પોતાનું ઉપગ્રહિય ઝુમખુ વિકસાવી રહ્યો છે, જે આંગળી ચિંધ્યાનું પુણ્યકારક કાર્ય કરશે.

* * *

ટાઈટેનિક ડુબી એ દુર્ઘટના હતી. પરંતુ એ અકસ્માતે દરિયાઈ મુસાફરીના સમિકરણો બદલી નાખ્યા હતાં. એ પહેલા જહાજો પણ ડૂબી ન શકે એવા હોય એવી વ્યાપક માન્યતા હતી.

ટાઈટેનિકના બે ટૂકડા થયા એ સાથે જહાજ અનસિન્કેબલ હોઈ શકે એવી માન્યતાના પણ ટૂકડા થયા. પરિણામે દરિયાઈ પ્રવાસ સુરક્ષાના નવા નિયમો તૈયાર થયા. આગબોટ-જહાજોના બાંધકામોમાં વધારે મજબૂતી લાવવા પ્રયાસો થયા અને ખાસ તો દરેક જહાજ ડૂબી જ શકે છે, એવી માનસિકતા સાથે આગોતરી તૈયારીઓ શરૃ થઈ. પરિણામે મોટી સંખ્યામાં અકસ્માતો અટકી શક્યા.

 

* * *

જાપાને ૧૯૬૦ના દાયકાથી પવનવેગી ટ્રેન શરૃ કરવાના પ્રયાસો આરંભી દીધા હતાં. એટલે આજે જાપાનમાં ૩૦૦-૪૦૦ કિલોમીટરની ગતીએ દોડી શકતી બૂલેટ ટ્રેનો ધમધમાટી બોલાવે છે. જાપાન પછી યુરોપમાં વ્યાપક પણે બૂલેટ ટ્રેનો શરૃ થઈ અને કેટલીક ટ્રેનો તો એક સાથે અનેક યુરોપિયન દેશોનો પ્રવાસ કરાવી શકે એવી લાંબી રેન્જમાં દોડતી થઈ.

ભારત જેવા દેશમાં બુલેટ થાય ત્યારે ખરી પરંતુ દેશે રેલ પ્રવાસનું આધુનિકિકરણ કર્યું. જેમ કે આપણે ત્યાં બૂલેટ આવે ત્યારે ખરી પણ સવાસો કિલોમીટરે દોડતી શતાબ્દી ટ્રેનો પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે ઠાલવે જ છે.

* * *

રશિયન ઉદ્યોગપતિ ડેનિસ ટીટો અવકાશમાં પ્રવાસ માણી આવ્યા છે અને હવે તો મંગળ સુધીની વન-વે જાત્રાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ આપણે ત્યાં વેકેશન અને પછી ચોમાસામાં રજાઓનો માહોલ આવશે એટલે રખડવા-ફરવાની કાર્યવાહી તો અટકવાની નથી. પરંતુ ફરીને સુખરુપ ઘરે આવી ગયા પછી જરા યાદ કરવા પ્રયાસ કરવો કે આ શોધ-સંશોધનો તમારા પ્રવાસમાં કેટલા ઉપયોગી થયાં..

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *