આણંદના સોજિત્રા તાલુકાનું ગામ મલાતજ ત્યાંના મગરો માટે જાણીતુ થઈ રહ્યું છે. અહીં મગર અને માણસોએ સાથે રહેવાનું શીખી લીધું છે. પરિણામે મગરો માણસોને કે માણસો મગરોનેે નુકસાન કરતા નથી. નાનકડા રહેણાંક વિસ્તારમાં આટલા બધા મગરો હોય એવુ આ ભારતનું કદાચ એકમાત્ર ગામ હશે! (નોંધ – લેખ 2013માં લખાયો હતો, માટે મગરની વસતીનો આંક હવે અલગ હોઈ શકે).
આણંદના સોજિત્રા તાલુકાનું ગામ મલાતજ ત્યાંના મગરો માટે જાણીતુ થઈ રહ્યું છે. ગામની પાંચેક હજારની વસતી સામે તળાવમાં ૨૫ કરતા વધારે મગરોનો વસવાટ છે. કાળક્રમે જોકે મગરો અને માણસોએ સાથે રહેવાનું શીખી લીધું છે. પરિણામે મગરો માણસોને કે માણસો મગરોનેે નુકસાન કરતા નથી. નાનકડા રહેણાંક વિસ્તારમાં આટલા બધા મગરો હોય એવુ આ ભારતનું કદાચ એકમાત્ર ગામ હશે!
આણંદ -ખેડા જિલ્લામાં સયાજીરાવની દુરંદેશીના પ્રતાપે જળાશયોની કોઈ કમી નથી. ગામદીઠ ઓછામા ઓછુ એક તળાવ તો હોય જ છે. આ પ્રદેશ લીલોતરીથી ભરપૂર લાગવાનું એક કારણ અહીંના વિપુલ માત્રામાં જળાશયો પણ છે. સંખ્યાબંધ તળાવો વચ્ચે સોજીત્રા તાલુકાના મલાતજ ગામનું તળાવ થોડુ અલગ પડે છે. બહારથી સામાન્ય લાગતું અહીંનુ તળાવ ૨૫ કરતા વધારે મગરો પેટાળમાં સંઘરીને બેઠુ છે!
મગરોની આટલી મોટી સંખ્યામાં હાજરી હોય એવા ગામો શોધવા આખા દેશમાં મુશ્કેલ છે. વડોદરા વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીમાં મગરની આખી મહાનગરપાલિકા બને એટલી વસતી છે, પરંતુ સામે પક્ષે વડોદરા પણ બહુ મોટુ શહેર છે. પાંચેક હજારની વસતી સામે ૨૫-૩૦ મગરોની હાજરી હોય એવુ તો ભાગ્યે જ ક્યાંક નોંધાતુ હશે. ચરોતર પ્રદેશના અન્ય ગામડાઓ જેવુ જ સમૃદ્ધ આ ગામ છે. ગામની કેટલીક વસતી પરદેશમાં પણ રહે છે અને મુખ્યત્વે બટાકાની ખેતી થાય છે. કવિ છોટમના ગામ તરીકે પણ આ ગામ સાહિત્યરસિકોમાં જાણીતું છે. એ બધી ઓળખ વચ્ચે મગરોની હાજરીએ ગામને ભારે પ્રસિદ્ધિ અપાવી છે.
મગર પૃથ્વી પરના ખુંખાર શિકારીઓ પૈકીનું એક પ્રાણી ગણાય છે. અલબત્ત, અનિવાર્ય ન હોય ત્યાં સુધી મગરો માણસોનો શિકાર કરતા નથી. પરંતુ તેના જડબાની તાકાતનો જોટો આખા જગતમાં જડે એમ નથી. પાણીમાં તો એ પાવરધા હોય જ છે, પરંતુ બહાર નીકળે ત્યારે પણ જમીન પર સડસડાટ દોડીને શિકારને આંબી શકે છે. કોઈને મોઢેથી ન પકડે અને પુંછડીની થપાટ મારે તો પણ ઘાયલ કરી શકે એવી ઘાતક એની તાકાત હોય છે. એવા મગરો ગામના તળાવમાં તરખરાટ મચાવતા હોય ત્યારે ગામવાસીઓ કઈ રીતે નિરાંતની ઊંઘ લઈ શકતા હશે?
ગામના યુવા સરપંચ દુર્ગેશભાઈ પટેલ ગામવાસીઓનું મગર સાથેનું સહજીવન સમજાવતા કહે છે, ‘આ મગર અહીં વર્ષોથી રહે છે. પરિણામે ગામના નાના ટાબરિયાથી લઈને વયોવૃદ્ધ વડિલ સહિતના બધા જ મગરોના વસવાટ ટેવાઈ ગયેલા છે. ચોમાસામાં તળાવ છલકાય ત્યારે મગરો ગામમાં ઘૂસી જાય એવા કિસ્સા બને છે. ગામને તેની કોઈ નવાઈ નથી. મગર કોઈને પણ નજરે પડે એટલે અમારુ જુવાનિયાઓનું એક ગ્રૂપ છે તેને જાણ કરી દે. અમે દોરડુ અને લાકડી લઈને પહોંચી જઈએ, મગરને પકડી લઈએ અને ફરી તળાવના હવાલે કરી દઈએ. એ અહીંનો નિયમિત ક્રમ છે.’
ગામવાસીઓ ગામમાં ગાય-ભેંસને ફરતી જોવા ટેવાયેલા હોય એ રીતે મગરો જોવા ટેવાયેલા છે. વિશાળ તળાવ ગામમાં જ હોવાથી મહિલાઓ કપડાં ધોવા તળાવના કાંઠે આવે છે તો વળી તરવરિયા તરવૈયાઓ તળાવના આ છેડે કુદકો લગાવી તરતા તરતા સામે છેડે પહોંચે છે. પરંતુ એમને કોઈને મગરોએ ક્યારેય નુકસાન કર્યુ નથી.
ગામવાસીઓના કહેવા પ્રમાણે અહીંના મંદિરના એક મહંતનુ એવુ વરદાન છે કે મગર ક્યારેય ગ્રામજનને હેરાન નહીં કરે. જોકે મગર શા માટે હુમલો કરતા નથી તેનું કારણ પ્રાણિશાસ્ત્રમાં છુપાયેલુ છે. મૂળભૂત રીતે મગરના ભોજન લિસ્ટમાં માણસો હોતા જ નથી. એમાંય વળી જેે તળાવ કે જળાશયમાં અન્ય ખોરાક મળી રહે ત્યાં તો માણસો સાથે સંઘર્ષમાં ઉતરવાનું મગરને કોઈ કારણ નથી. તળાવના કાંઠે ક્યારેક કોઈ કુતરું કે પછી અન્ય પ્રાણી મગરનો શિકાર બને એવા બનાવો નોંધાય છે. બાકી કોઈ માણસને મગરે ઝડપ્યો હોય એવો કોઈ કિસ્સો ગામવાસીઓને યાદ નથી.
ગામવાસીઓ અહીં ૫૦ કરતા વધારે મગર હોવાનું માને છે. હકીકતે આવડા નાના જળવિસ્તારમાં એટલી મોટી સંખ્યામાં મગરો રહી ન શકે. અંદરો અંદર જ યાદવાસ્થળી કરીને એકબીજાનો શિકાર કરી નાખે જો એટલા બધા મગરો આ તળાવમાં હોય તો. પરિણામે જાણકારો અહીં વધુમાં ૩૦ મગર હોવાનો અંદાજ મુકે છે. આ મગરોને બહારથી કોઈ ખોરાક પુરો પાડતું હોય તો એ માણસો પર હુમલો કરવા પ્રેરાય. પરંતુ ગામવાસીઓ મગરની જીંદગીમાં કોઈ રીતે દખલ કરતા નથી. મગર એની રીતે ખોરાક શોધી લે છે. પરિણામે તેમને માણસો સાથે સંપર્કમાં આવવાનું બહુ બનતું નથી.
તળાવના કાંઠે ઘણા માછલી પકડનારાઓ આવે છે. એમને માછલી પકડવાની કોઈ મનાઈ નથી. પરંતુ કોઈ માછલી સાથે મગરને પકડવાનો પ્રયાસ કરે તો ગામવાસીઓ એમ કરતા અટકાવે છે. કોઈને મગરને પકડીને બહાર લઈ જવાની છૂટ નથી. મગરની ચામડી અત્યંત કિંમતી હોય છે. ફેશનેબલ વસ્તુઓ બનાવતી પરદેશી કંપનીઓ મગરના ચામડાના બદલામાં લાખો રૃપિયાનું વળતર આપતી હોય છે. ચામડામાંથી બનતા પર્સ, પટ્ટા, પાકિટ.. વગેરેનું એક બહુ મોટુ માર્કેટ છે. અહીં જોકે કોઈ સંજોગોમાં કોઈ મગર સાથે દુષ્કૃત્ય ન થાય તેનું પુરતુ ધ્યાન રખાય છે. તળાવના જ એક ખુણામાં મગરો રહી શકે એવો વિશાળ ખાડો તૈયાર કરાયો છે.
તળાવનો ઘાટ છે, ત્યાં મગર આવી ન ચડે એટલે પાણીમાં એક ફાઈબરની જાળી પણ ફીટ કરાઈ છે. અલબત્ત, તો પણ મગર તો મન થાય ત્યારે ગામ-સફર કરવા નીકળી જ પડે છે. તળાવ ખાસ્સુ મોટુ છે એટલે તેને ફરતી સરહદ તૈયાર કરવાનું શક્ય નથી. વળી મગરો નુકસાન ન કરતા હોવાથી ગામમાં આવે તો પણ ગામવાસીઓને કશો વાંધો નથી. એક વખત તો એક મગર બહાર નીકળીને મૃત્યુ પામ્યો હતો. એટલે અહીંના લોકોએ તેની કાયદેસર અંતિમવિધી કરી હતી. તળાવના એક કાંઠે મકાનોની હારમાળા છે. ત્યાં વારંવાર ઘૂસી ન જાય એ માટે એક દિવાલ બનાવી દેવામાં આવી છે.
દુર્ગેશભાઈ અને તેમની ટોળકી માટે મગર પકડવા એ હવે કોઈ નવાઈ નથી. આસ-પાસના ગામમાંથી મગર દેખાયાનો ફોન આવે તો પણ તેઓ પહોંચી જાય છે. મગર પકડી લે છે અને મલાતજના તળાવમાં છોડી દે છે. મગર પકડવાનો ડર નથી લાગતો એ વાતનો જવાબ આપતા દુર્ગેશભાઈ ઉમેરે છે, ‘સરપંચ થયો એ પહેલા મને પણ બીક લાગતી હતી. પરંતુ સરપંચ થયા પછી તો આ કાયમની સ્થિતિ હતી. કોઈએ તો મગર પકડીને પાણીમાં પરત છોડવા પડે, એટલે અમે જ એ કામ ચાલુ કરી દીધું. હવે મગર પકડવામાં ફાવટ આવી ગઈ છે.’
તળાવના કાંઠે એક રજવાડી ઢબનુ સરકારી મકાન છે. હવે તો ત્યાં લાયબ્રેરી ચાલે છે પરંતુ વડોદરાના રાજવીઓએ વર્ષો પહેલા મગરનો શિકાર કરવા એ માચડાં જેવુ બાંધકામ કર્યુ હતું. મકાનની અગાસી પર ચડીને રાજવીઓ મૃગયા ખેલતા હતાં. અહીંથી પકડાયેલો એક મગર અત્યારે વડોદરાના કમાટીબાગની શોભામાં વધારો કરી રહ્યો છે. ગામમાં એકલા મગર છે એવુ નથી. વાંદરા અને મોરની વસતી પણ ઉડીને આંખે વળગે એવી છે. મોર સરળતાથી દેખાતા નથી, પરંતુ વાંદરાઓ તો ઠેર ઠેર હાજર જ હોય છે. એટલે મગર અને વાંદરાની વાર્તા વર્ષો પહેલા બાલ-મંદિરમાં ભણાવાતી હતી એવી સ્થિતિ અહીં તો હકીકતે સર્જાઈ શકે એમ છે. જોકે અહીંના કોઈ વાંદરાએ હજુ સુધી મગરની પીઠ પર સવારી કરવાની ગુસ્તાખી કરી નથી. ગામમાં કુલ બે તળાવ છે અને અને બન્ને એકબીજા સાથે જોડાયેલા છે. મગરો આ તળાવમાંથી પેલા તળાવમાં અને પેલા તળાવમાંથી વળી અહીં એમ આંટા-ફેરા કર્યા કરતા હોય છે.
ઉનાળો આવે ત્યારે ખાસ કરીને એપ્રિલ અને મે મહિનો મગર દર્શનનો ઉત્તમ સમય બની રહે છે. ત્યારે તળાવનું પાણી ઘટી ગયું હોય એટલે સાંજ પડતાંની સાથે જ મગરો કાંઠા પર લાઈનબંધ ગોઠવાઈ જાય છે. મલાતજ વાસીઓને તો મગરની કોઈ નવાઈ નથી, પરંતુ આજુબાજુના ગામ-શહેરવાસીઓ અહીં મગર જોવા આવે છે. રજાના દિવસોમાં તળાવના કાંઠે જાણે મગર-મેળો ભરાયો હોય એમ દર્શનાર્થીઓ ઉમટી પડે છે. અહીં ચાર-પાંચ ફીટથી લઈને દસેક ફીટ સુધીની લંબાઈના મગરોનો વસવાટ છે. પરિણામે મગર જોવા ઈચ્છતા લોકોને એકાદ મગર પણ દેખાઈ જાય તો ધક્કો વસુલ થઈ જાય છે.
તળાવમાં દૂર ખાલી મોઢુ કાઢીને તરતા હોય એવા મગર તો સરળતાથી દેખાઈ જાય છે, પરંતુ આખુ શરીર સપાટી ઉપર આવે એવા દીદાર દુર્લભ છે.
—
આ ગામ સાથે મારે અંગત લેણા-દેવી પણ છે. વર્ષો પહેલા આણંદ કોમર્સ કોલેજમાં ભણતા ત્યારે એનએસએસનો કેમ્પ કરવા અમારા શીક્ષકો અમને મલાતજ લઈ આવ્યા હતા. મલાતજની સ્કૂલમાં અઠવાડિયા સુધી રહ્યાં હતા અને સમાજ-સેવાના થાય એવા કામ કર્યાં હતા. રાત્રે ઠંડી લાગતી ત્યારે એકબીજાની શાલ ખેંચીને ઓઢી લેવાં જેવા ઘણા તોફાન પણ એ વખતે કર્યાં હતા. એ કોલેજકાળ હતો.