મસુરી : પહાડો કી રાનીની સફર

ઉત્તરાખંડમાં હરિદ્વાર પાસે છ હજાર ફીટ ઊંચે આવેલું મસુરી પ્રવાસીઓમાં પ્રિય છે. કારણ કે એક વખત ત્યાં પહોંચ્યા પછી ઠંડક, શાંતી, હિમાલયની નજીક અને કોલાહલથી દૂર હોવાનો અહેસાસ થાય એના જેવી કોઈ મજા નથી..

દહેરાદૂનથી પચાસેક કિલોમીટરના અંતરે આવેલું હીલ સ્ટેશન મસુરી ‘પહાડો કી રાની’ તરીકે જાણીતું છે. 1827માં કેપ્ટન યંગ નામનો પહાડ શોખીન અંગ્રેજ અહીં આવી પહોંચ્યો હતો. એ પછી તો બીજા અંગ્રેજોની લાઈન લાગી. તેમને રહેવા માટે બંગલા, કોટેજ, હવેલીઓ બની. આઝાદી પછી એ સ્થળ હીલ સ્ટેશન તરીકે વિકસ્યું.

મસુરીનો અંગ્રેજી સ્પેલિંગ પણ વિચિત્ર છે અને વળી એકથી વધુ સ્પેલિંગ પણ છે (Mussoorie/ Mussorie / Mussooree / Mansoorie). હિમાલયમાં થતાં ‘મન્સુર’ તરીકે ઓળખાતા વૃક્ષો પરથી આ વિસ્તાર ‘મન્સુરી’ તરીકે ઓળખાતો હતો. અંગ્રેજોને તેનો ઉચ્ચાર મસુરી ફાવ્યો એટલે એ કરી નાખ્યો અને સ્પેલિંગ પણ પોતાની રીતે બનાવી લીધો.

આજનું આખુ મસુરી પંદરેક કિલોમીટર લાંબી-પહોળી ડુંગરની પીઠ પર ગોઠવાયેલું છે. ભાગ્યે જ એકાદ રસ્તો સીધો-સપાટ છે. ઊંચા મકાનો છે, તો નીચા પણ છે. ત્યાંથી દૂર સુધી ફેલાયેલુ પર્વતિય સૌંદર્ય અને નીચાણમાં વસેલા વિસ્તારો જઈ શકાય છે. ઝિગ-ઝિગ આકારના રસ્તા પણ દેખાય.

અહીં સરળતાથી બે-ચાર દિવસ ફરી શકાય એમ છે.

૧ લાયબ્રેરી ચોક

મસુરીમાં ગમે તે દિશામાંથી આવતી ગમ તે ગાડી પહેલા જે ચાર રસ્તાએ પહોંચે એ ચાર રસ્તા લાયબ્રેરી ચોક તરીકે ઓળખાય છે. ત્યાં જૂના જમાનાની આકર્ષક બે માળની લાયબ્રેરી છે. ત્યાં એક છત્રી આકારનું બાંધકામ છે, જ્યાં બેસીને સાંજનો નજારો જોઈ શકાય. ઢોળાવ પર ગોઠવાયેલા કેટલાક મકાનોની લાઈટો રાત પડ્યે અહીંથી જોવા જેવી હોય છે.

૨ ગન પોઈન્ટ- ગન હીલ

ગન પોઈન્ટ અથવા ગન હીલ એટલે તોપ રાખવાનું સ્થળ. મસુરીના મુખ્ય બજાર પાસે આવેલા એક પાંચસોએક ફીટ ઊંચા ખડક પર સપાટ ભૂમિ છે. અંગ્રેજોના જમાનામાં ત્યાં તોપ ગોઠવાયેલી હતી. માટે એ સ્થળ ગન પોઈન્ટ કહેવાય છે.

ગન પોઈન્ટ જવા માટે પહાડી કેડી પ્રકારનો પગથિયાં રસ્તો અને રોપ-વે એમ બે રસ્તા છે. ચાલી શકાય એમ હોય તો કેડી પરથી જવું જોઈએ, નવો અનુભવ મળશે. એ વાત યાદ રાખવાની કે ગન પોઈન્ટ પર ગન નથી, એ ગન ઉતારીને નીચે રસ્તા પર એક સ્થળે કાચની પાછળ સાચવી મુકી દેવાઈ છે. ગન પોઈન્ટના મેદાન પર કેટલીક દુકાનો છે, જ્યાં નાસ્તો-પાણી મળી રહે છે.

૩ કેમ્પ્ટી ફોલ

મસુરી આવનારા પ્રવાસીઓ સૌથી પહેલા ક્યાંય જતાં હોય તો એ કેમ્પ્ટી ફોલ નામનો ધોધ છે. મસુરીથી પાંચેક કિલોમીટર દૂર રસ્તો વળાંક લે ત્યાં આ ધોધ ઉપરથી ખાબકે છે. મુખ્ય ધોધ તો ચાલીસ-પચાસ ફીટનો છે, પરંતુ પછી તેની શાખાઓ નીચે સુધી લંબાય છે.

ધોધ જ્યાં પડે છે, ત્યાં જળાશય બને છે. આ ધોધ સાંકડા રસ્તે આવેલો હોવાથી ત્યાં પ્રવાસીઓની ખાસ્સી ભીડ જોવા મળે છે. વાહન પાર્કિંગની પણ અહીં મુશ્કેલી સર્જાઈ શકે છે. ધોધ ઉપરના ભાગે છે, પણ જ્યાં જળાશય ભરાય છે ત્યાં હેઠવાસ સુધી જવા રોપ-વેની સગવડ છે. આ ધોધ સવારના ૬થી સાંજના ૬ સુધી ખુલ્લો રહે છે. પછી ધોધ તો વહેતો રહે, પરંતુ અંધારામાં જોવાની મજા ન આવે અને આસપાસની દુકાનો બંધ થઈ ગઈ હોય છે.

પણ જેમને ઓછી ભીડ જોઈતી હોય એમના માટે જરા દૂર આવેલા ઝારીપાની ધોધ, મોસી ધોધ, ભટ્ટા ધોધ.. એવા વિકલ્પો પણ છે. શાંતિથી ધોધ માણવા હોય તો કેમ્પ્ટીને બદલે બીજું કોઈ સ્થળ પસંદ કરવું જોઈએ.

૪ કેમલ બેક રોડ

મસુરી ફરતે ઊંચા-નીચા રસ્તાઓ બંધાયેલા છે. એક રસ્તા પર એક બાંકડો છે, જ્યાં બેસાડી તમને દૂરબીનથી ઉપરનું દૃશ્ય દેખાડવામાં આવે. દૂરબીનથી જોઈએ તો ઊંટ બેઠો હોય એવા આકારનો પથ્થર નજરે પડે. એટલે એ જગ્યા કેમલ બેક તરીકે ઓળખાય છે અને તે જ્યાંથી જોઈ શકાય એ જગ્યા કેમલ બેક રોડ તરીકે જાણીતી છે.

કેમલનો પથ્થર ગન હીલ પર છે, પરંતુ ગન હીલ પર પહોંચીને એ જોઈ શકાતો નથી, કેમ કે પહાડી ઢોળાવ પર છે. દૂરબીન સિવાય એ જોઈ શકાય એમ નથી. કેમલ બેક રોડ પર ભીડ નથી હોતી, એટલે મસુરીની ખરી શાંતિનો અહેસાસ થાય ખરો.

૫ મોલ રોડ-તિબેટિઅન માર્કેટ

અંગ્રેજો જ્યાં જ્યાં શોપિંગ કરતાં એ વિસ્તારને મોલ કહેતા. માટે શિમલા, મસુરી એવા ઘણા સ્થળોએ મોલ રોડ છે. મોલ રોડ એટલે ટૂંકમાં મુખ્ય બજાર સુધી જતો રસ્તો. મોલ રોડ પરતો સાંજે વાહનો પ્રતિબંધિત છે. જેથી પ્રવાસીઓ મુક્ત રીતે ત્યાં હરી-ફરી શકે છે.

પ્રવાસીઓ ફરવા નીકળ્યાં હોય એમ વાદળો પણ જાણે આમ-તેમ ફરતાં રહે અને તેનો તડકો-છાંયો મસુરીને અનુભવાતો રહે. રસ્તાના કાંઠે સુંદર રેલિંગ કરેલી છે. પ્રવાસીઓ બેસીને મસુરીના વાતાવરણની મોજ લઈ શકે એટલા માટે દર થોડા અંતરે સિટિંગ પોઈન્ટ બનાવેલા છે. આ રસ્તો વોકિંગ દ્વારા જ એક્સપ્લોર કરવા જેવો છે. અહીં આવેલું તિબેટિઅન માર્કેટ શોપિંગ માટે લોકપ્રિય છે, કેમ કે સસ્તા દામમાં સારી ચીજો મળી રહે છે.

૬ એવરેસ્ટ હાઉસ

દુનિયાનું સૌથી ઊંચુ શીખર એવરેસ્ટ, અંગ્રેજ અધિકારી જ્યોર્જ એવરેસ્ટના નામે ઓળખાય છે. હિમાલયના શીખરોનું માપન કરતી વખતે જ્યોર્જ એવરેસ્ટ ૧૮૩૨માં બંધાયેલા અહીંના મકાનમાં રહ્યા હતા. શહેરથી દૂર એક શીખર પર આવેલું મકાન અને આસપાસનો મેદાની વિસ્તાર પ્રવાસીઓને આકર્ષે એવો છે. કેમ્પિંગ, હાઇકિંગ માટે પણ આસપાસનો વિસ્તાર લોકપ્રિય છે. શહેરથી છએક કિલોમીટર દૂર આવેલા આ સ્થળે જવા માટે ટેક્સી કરવી પડે, બીજો કોઈ રસ્તો નથી. વળી એ તરફ અન્ય પ્રવાસન સ્થળો આવેલા નથી, માટે પ્રવાસીઓને ત્યાંની સફર જરા મોંઘી લાગે એવુ પણ બની શકે.

૭ લાલ ટિબ્બા

ટિબ્બા એટલે સ્થાનિક ભાષામાં શીખર. લાલ ટિબ્બાએ આ વિસ્તારનું સૌથી ઊંચુ શીખર છે. એટલે જમને વધુ ઊંચેથી મસુરી જોવું હોય, હિમાલયની ઊંચાઈના દર્શન કરવા હોય એ આ સ્થળે જવાનું ચૂકતા નથી. લાલ નામ પડવાનું કારણ એટલું કે સુર્યના કિરણો ત્રાંસા પડતાં હોય એ સમયે હિમાલય ઉપર કંકૂ છાંટણા કર્યાં હોય એમ તેનો રાતો કલર જોવા મળે છે.

૮ ક્લાઉડ એન્ડ

મસુરી પુરું થાય અને જાણે વાદળો શરૃ થતાં હોય એવુ આ સ્થળ ક્લાઉડ એન્ડ નામે ઓળખાય કેમ કે ત્યાંથી શરૃ થતી ખીણમાં વાદળોની જમાવટ જોવા મળે છે. શહેરથી સાતેક કિલોમીટર દૂર આવેલું આ સ્થળ જોવા જેવું છે, કેમ કે તેના વગર પહાડી સોંદર્ય કેવું હોય એ સમજી શકાય નહીં.

૯ કંપની ગાર્ડન

અંગ્રેજોએ અચૂક જેનું સર્જન કર્યું એવા સ્થળોમાં ગાર્ડનનો પણ સમાવેશ થાય. કંપની ગાર્ડન કે પછી મ્યુનિસિપલ ગાર્ડન નામના બગીચામાં અડધો દિવસ પસાર થઈ શકે. જાતજાતના ફૂલ-છોડ, એમ્યુઝમેન્ટ પાર્ક, વિવિધ રાઈડ્સ, જળાશય વગેરે અહીં છે.

૧૦ ખાણી-પીણી

મસૂરીમાં ખાવાના ઘણા વિકલ્પો છે અને વળી ભોજન સસ્તું પણ ખરું. મોમો નામની વાનગીની અહીં એક રેસ્ટારાં પ્રખ્યાત છે. તો લાયબ્રેરી ચોકમા જ નાસ્તા-પાણીની દુકાનો છે, જ્યાં  સમોસા ખાવા જેવા ખરાં. રસ્તા કાંઠે ક્યાંક પાન-માવાની દુકાનો પણ છે, જેથી મોઢું લાલ કરવાના શોખીનો નિરાશ નથી થતાં. રસ્તા કાંઠે બેસતા નાના ફેરિયા મકાઈ અને સ્થાનિક ફળો વગેરે વેચતા હોય છે. એ પણ ટેસ્ટ કરવા જેવાં ખરાં.

૧૧ હેપ્પી વેલી

શહેરના કલેક્ટર તરીકે આવતા અધિકારીઓએ જ્યાં અચૂક ટ્રેનિંગ લીધી હોય એ આઈએએસ એકેડમી મસુરીમાં આવેલી છે. એ પાસેનો વિસ્તાર હેપ્પી વેલી તરીકે ઓળખાય છે. પહાડ પરનો મેદાની વિસ્તાર આછેરી ખીણ જેવો લાગે એટલે નામ મળ્યું છે. મસુરી હનિમૂન ડેસ્ટિનેશન તરીકે જાણીતું છે. માટે ત્યાં હનિમૂન માટે આવનારા યુગલો આ ખુશનુમા સ્થળે આવવાનું ચુકતા નથી.

૧૨ કેમ્બ્રિજ બૂક સ્ટોર

બધાં પ્રવાસી તો નહી પરંતુ સાહિત્ય શોખીન, વાંચન પ્રેમીઓને ગમે એવું આ સ્થળ છે. કેમ કે કેમ્બ્રિજ બુક સ્ટોર મસૂરીમાં રહેતા લિજેન્ડરી અંગ્રેજી ભાષાના લેખક રસ્કિન બોન્ડના અડ્ડા તરીકે જાણીતો છે.

બોન્ડ દર શનિવારે ત્યાં 3થી 5 દરમિયાન બેસે અને એ દરમિયાન ચાહકો, વાચકો તેમને આવીને મળી શકે. ત્યાં રસ્કિન બોન્ડની વિવિધ ચોપડીઓ પણ વેચાણાર્થે મુકેલી હોય છે.

૧૩ બળભદ્ર મંદિર

કૃષ્ણના ભાઈ બળભદ્રનું મંદિર શહેરથી પંદરેક કિલોમીટર આઘે આવેલું છે. અહીં દર્શને આવનારા પ્રવાસીઓને મજા થઈ પડે કેમ કે અહીંથી હિમાલયનો દૂર દૂર સુધીનો નજારો દેખાય છે. દહેરાદૂન જેના પરથી નામ પડ્યું એ દૂન ખીણ, હિમાલયની શીખરમાળા વગેરે અહીંથી જોવા મળે છે.

૧૪ પ્રેમીઓનું સ્મારક

આ સ્થળ જવું અઘરું છે, કેમ કે મૂળ તો એ કબ્રસ્તાન છે. પરંતુ કેમલ બેક રોડ પરથી દૂરબીન દ્વારા જોઈ શકાય છે. પ્રેમમાં નિષ્ફળતા મળ્યા પછી અંગ્રેજ યુવક-યુવતીએ અહીં ખીણમાં પડતું મુકી જીવ દીધો હતો. તેની નિશાની રૃપે વિશાળ ક્રોસ દૂર ડૂંગરમાં બનાવાયો છે.

અંગ્રેજ યુવક-યુવતી તો ન રહ્યાં, પણ અત્યારના યુવક યુવતી ત્યાં જઈ પ્રેમની પ્રાર્થના કરે છે. વળી પ્રેમપંથ પર સફળતા મળે તો પછી ફરી આવીને ત્યાં ફૂલ ચડાવે, મીણબત્તી પ્રગટાવે.

૧૫ બેનોંગ જંગલમાં ટ્રેકિંગ

પહાડી સ્ટેશન હોવાથી આસપાસમાં નાના-મોટા ટ્રેકિંગના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. એક જાણીતો વિકલ્પ એટલે બેનોંગ વાઈલ્ડલાઈફ સેન્ચુરી. શહેરથી બારેક કિલોમીટર દૂરના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ-ભ્રમણ કરી શકાય છે. સવારના સાતથી સાંજના પાંચ સુધી ખુલ્લાં રહેતા જંગલમાં ૩ કલાકની ફી ૧૫૦ રૃપિયા છે. ટેક્સી દ્વારા ત્યાં સુધી પહોંચી શકાય છે.

મસુરી પ્રવાસન સ્થળ છે, એટલે કુદરતી ઉપરાંત અનેક કૃત્રિમ સ્થળો પણ ઉભા થયા છે, જેમાં ખાનગી ગાર્ડન, એડવેન્ચર પાર્ક, વેક્સ મ્યુઝિયમ વગેરેનો સમાવેશ થાય છે.

જતાં પહેલા જાણી લો

  • દહેરાદૂનના રેલવે સ્ટેશન પાસે ખાસ મસુરી માટેનું બસ સ્ટેશન છે. ઉતરાખંડ પરિવહનની બસો ત્યાંથી સતત ઉપડ્યા કરે છે. ટેક્સીનો આગ્રહ ન હોય તો આ સરકારી વાહનમાં સફર કરવા જેવી ખરી. ખાસ અગવડતા પડતી નથી, વળી સફર દોઢ-બે કલાકમાં પુરી થઈ જાય છે.
  •  મસુરીમાં ઢગલાબંધ એવા સ્થળો છે જે જોવામાં પ્રવાસીઓના બે-ત્રણ દિવસ પસાર થઈ શકે. આમ તેમ રખડપટ્ટી ન કરે અને એકાદ ટેકરી પર બેસી રહે તો પણ મજા આવે.
  • ધર્મશાળા છે અને ફાઈવ સ્ટાર રિસોર્ટ પણ છે, જેવી પ્રવાસીઓની પસંદ એ પ્રકારે રહેવાની સગવડ મળી રહે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *