ચાંપાનેર: 500 વર્ષથી ખાલી પડેલા નગરની સફર

પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર એક સમયે ગુજરાતની રાજધાની હતુ. હવે એનાં ખંડેરો ડુંગરમાળામાં ઠેર ઠેર વિખરાયેલા પડયાં છે. ત્યાં શું શું જોવાં જેવું છે?

OLYMPUS DIGITAL CAMERA

‘આ શહેર મહમૂદ બેગડાએ રાજપૂત રાજા પાસેથી જીતી લઈ પોતાનો દરબાર ત્યાં ખસેડયો હતો. આ શહેર દૂધ અને મધથી સભર હતું. ત્યાંનાં સપાટ મેદાનોમાં ઘઉં, જુવાર, ચોખા અને ચણા તથા કઠોળ પુષ્કળ પ્રમાણમાં થતાં હતાં. અહીં સુલતાન મુઝફ્ફર બીજો મોટી સંખ્યામાં બાજ પક્ષી, શકરો, ચપળ અને પાતળા શિકારી કૂતરાં, ગુનાશોધક કૂતરાં તથા ચિત્તાને શિકારમાં ઉપયોગી બને એ માટે રાખતો હતો. એણે પાંજરામાં પુરેલાં જંગલી પશુઓનુ સંગ્રહાલય પોતાના આનંદ માટે રાખ્યુ હતું…’

આ થયો ૧૬મી સદીનો આંખે દેખ્યો અહેવાલ..

હવે ૨૧મી સદીની વાત..

પાવાગઢ જતાં રસ્તામાં બન્ને બાજુ અને તળેટીમાં પણ અલગ-થલગ પડેલાં ખંડેરો આપણી મોટાભાગની પ્રજા માટે રસનો વિષય નથી. માટે ઐતિહાસિક બાંધકામો ધબકતાં રહેવાને બદલે શબ્દશઃ ખંડિયેર હાલતમાં ફેરવાયેલાં છે. ખંડેર આસપાસ ઝાડી-ઝાંખરાનો પાર નથી. સંગ્રહાલયને બદલે જંગલી પ્રાણીઓ અહીં મુક્ત રીતે રહે છે અને કેટલાંક ખંડેરોને પોતાનું ઘર પણ બનાવી નાખ્યું છે. પાળેલા શિકારીને બદલે જંગલી રખડું કૂતરાંઓ પણ છે. દૂધ કે મધને બદલે મધમાખીઓનુ સામ્રાજ્ય છે. અનાજ-કઠોળને બદલે ચો-તરફ જંગલી વનસ્પતિઓ ઊગી નીકળી છે.

ચાંપાનેર, એક વખતની ગુજરાતની રાજધાનીનુ અલગ અલગ સમયનુ આ વર્ણન છે. પ્રથમ વર્ણન પોર્ટુગીઝ પ્રવાસી ડયુઆર્ટ બારબોસાનું છે. બીજું વર્ણન તો આજે કોઈ પણ ચાંપાનેરની મુલાકાત લે એટલે નજર સામે ખડું થાય એમ છે.

૧૪૮૦માં પોર્ટુગલમાં જન્મીને ૧૫૦૦ની સાલમાં ભારત આવેલા બારબોસાએ ગુજરાતનાં કેટલાંક સ્થળો વિશે પોતાની ડાયરીમાં નોંધ કરી હતી. એમા ચાંપાનેર, અમદાવાદ, ખંભાત વગેરેનો સમાવેશ થાય છે (બારબોસા બીજા એક મહાન પ્રવાસીનો સાળો હતો. એ પ્રવાસીનું નામ ફર્ડિનાન્ડ મેંગેલન, જેના નામે પૃથ્વીની પ્રથમ વખત પરિક્રમાનો વિક્રમ નોંધાયેલો છે).

આજે ખંડેર થયેલું અને સદીઓથી ખંડેર તરીકે ઊભેલા ચાંપાનેરની જાહોજલાલી કેવી હશે તેનો થોડોઘણો ખ્યાલ બારબોસાના વર્ણનમાં મળી રહે છે.

ગુજરાતનું પાટનગર

સાતમી સદીમા રાજપુત રાજા વનરાજ ચાવડાએ ચાંપાનેર નગર સ્થાપ્યુ હતુ. ચાંપરાજ નામના સેનાપતિના નામે સાતમી-આઠમી સદીના રાજાધિરાજ વનરાજ ચાવડાએ નવાનગરનું નામ ચાંપાનેર રાખ્યુ હતું. સદીઓ સુધી વિવિધ રાજાઓના હાથમાં રહ્યા પછી પંદરમી સદીમાં ચાંપાનેરના ઈતિહાસનું નવુ પ્રકરણ શરૃ થયુ.

અમદાવાદમાં રાજ કરતા મહમૂદ બેગડાને ચાંપાનેરમાં બહુ પહેલાંથી રસ હતો. તેણે વારંવાર નાના-મોટા હુમલાના પ્રયાસો પણ કર્યા હતા. એમાં સફળતા ૧૪૮૪માં મળી. એ વર્ષે મહમૂદે ચાંપાનેર જીતી લીધું. ટેકરી, જંગલ, જળાશયથી શોભતુ ચાંપાનેર મહમૂદને એટલું બધું ગમી ગયું કે તેણે અમદાવાદને બદલે પોતાની રાજધાની ત્યાં ખસેડી. એટલે વડોદરાથી પચાસેક કિલોમીટર ઉત્તર-પૂર્વે આવેલુ એ નાનકડું નગર ગુજરાતનું પાટનગર બન્યું. મહમૂદે શહેરનું નામ પણ બદલીને ચાંપાનેરમાંથી (હજરત મુહમ્મદ પયગંબરના નામ પરથી) મુહમ્મદાબાદ કરી નાખ્યુ હતુ.

મહાન સંગીતકારનું જન્મસ્થળ

૧૫૩૫મા ચાંપાનેર પર મોગલ શહેનશાહ હુમાયુએ કબજો જમાવ્યો હતો. એ વખતે ચાંપાનેરમાં ટંકશાળ સ્થપાઈ હતી. એ સમયે ચાંપાનેરે બીજી એક નોંધપાત્ર વ્યક્તિની ભેટ આપી. ચાંપાનેરના કોઈ ગામે ગરીબ બ્રાહ્મણને ત્યાં ૧૬મી સદીમાં બાળકનો જન્મ થયો અને નામ પાડયુ બ્રિજનાથ. બ્રિજનાથ મિશ્રાએ પાછળથી ભારતીય સંગીતમાં નામ કાઢ્યું અને આજે તેઓ બૈજુ બાવરા નામે વધારે જાણીતા છે!

બાવરાનો જન્મ મધ્યપ્રદેશમા થયો હોવાની પણ દલીલ થાય છે. પરંતુ ભારતીય સંગીતનો ઈતિહાસ રજૂ કરતા બે લેખકો સુશીલા મિશ્રા (સમ ઈમ્મોર્ટલ્સ ઓફ હિન્દુસ્તાની મ્યૂઝિક) અને રામ અવતાર (હિસ્ટરી ઓફ ઈન્ડિયન મ્યૂઝિક એન્ડ મ્યૂઝિશિયન)ના કહેવા પ્રમાણે ચાંપાનેરમાં જન્મવા ઉપરાંત અહીંના દરબારમાં વર્ષો સુધી તેમણે સંગીત પણ પીરસ્યુ હતુ!

પતનનો પ્રારંભ

અકબરનો શાસનકાળ આવ્યો ત્યારે ચાંપાનેરના પતનના પ્રારંભનો આરંભ થઈ ગયો હતો. મોગલ કાળમાં ચાંપાનેરનું મહત્ત્વ ઘટતુ જતુ હતુ. કેમ કે થોડા દિવસ રહેવા માટે ચાંપાનેર મજાનુ શહેર હતુ પણ રાજધાની તરીકે વિકસી શકે કે લાંબો સમય ટકી શકે એવા ગુણો તેમાં ન હતા. તળેટી હોવાથી ધંધા-રોજગાર વિકસી શકે એમ ન હતા. મહમૂદ તેને બીજું મક્કા બનાવવા માગતો હતો, પણ એ શક્ય ન હતુ. 

મોગલો પછી મરાઠા આવ્યા અને તેમણેય ગુજરાતના ઘણા પ્રાંતો સાથે ચાંપાનેર જીતી લીધું. એ પછી સિંધિયાઓ, એ પછી વડોદરાની ગાયકવાડી સરકાર, એ પછી.. સત્તાઓ બદલાતી રહી અને ચાંપાનેર વધારે વધારે બિનઉપયોગી સાબિત થતું રહ્યુ.

OLYMPUS DIGITAL CAMERA

વર્લ્ડ હેરિટેજ સાઈટ

૨૦૦૪માં ‘યુનેસ્કો’એ ચાંપાનેરનું મહત્ત્વ પારખીને તેને ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ જાહેર કયુંર્. એ પહેલા સુધી પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો સિવાય કોઈને તેમાં રસ ન હતો. આજેય નથી! પણ વિરાસત જાહેર થવાને કારણે ૧૬મી સદીથી ભુલાયેલુ ચાંપાનેર છેક ૨૧મી સદીમાં ફરી સપાટી પર આવવું શરૃ થયું. જંગલમાં ખંડેરો જાણે ઉગી નીકળ્યા હોય એવો તેનો દેખાવ મધ્ય અમેરિકામાં ગુમ થયેલાં મય સંસ્કૃતિનાં શહેરો જેવો લાગે છે.

OLYMPUS DIGITAL CAMERA

રોમ અને પોમ્પેઈ જેવાં શહેરો પોતપોતાની ધરોહર પર ઊભા છે. ચાંપાનેરમાં પણ એ જ ધરોહર ધરબાયેલી છે.  ૧૯૭૦ના દાયકામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડો.રમણલાલ મહેતાના માર્ગદર્શન હેઠળ પાવાગઢની તળેટીમાં દેખાતાં ખંડેરોનુ ઉત્ખન્ન થયુ અને વ્યવસ્થિત લાગતાં ખંડેરોની જાળવણી શરૃ થઈ. ભારતીય પુરાતત્ત્વ ખાતા (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા)એ ચાંપાનેરમાં રસ દાખવ્યો. પરિણામ એ આવ્યુ કે ચાંપાનેરનાં સેંકડો બાંધકામ પૈકી સચવાયેલાં બાંધકામોનો જીર્ણોદ્ધાર થયો. એટલે આજે ચાલીસેક સ્થળો એવાં છે જે ચાંપાનેરનાં ઈતિહાસની સફર કરાવે છે. પરંતુ જરા મહેનત કરવામાં આવે તો સોએક સ્મારકો આસાનીથી જીવતાં થઈ શકે એમ છે.

ફતેહપુર અને હમ્પી આજે તો ક્યાંય વધારે વિકસિત થઈ ચૂક્યાં છે. વૈશ્વિક પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો પણ છે. તેની સરખામણીએ ચાંપાનેર બહુ પાછળ રહી ગયુ છે. બહારના પ્રવાસીઓ તો ઠીક, ગુજરાતીઓ માટે પણ ચાંપાનેર ભવ્ય હોવા છતાં આકર્ષણનુ કેન્દ્ર નથી. ચાંપાનેર આસપાસ પથ્થરો અને મેંગેનિઝ ધાતુની ઘણી ખાણો છે. એ ખાણોમાં સતત ચાલતું બ્લાસ્ટિંગ ચાંપાનેરને નુકસાન કરે જ છે. વળી પુરાત્ત્વખાતાના એક પથ્થર પણ નહીં ખસેડવાના જડ કાયદાઓને કારણે ચાંપાનેરના રહેવાસીઓને જ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઓળખાવામાં રસ નથી.

પુરાણકાળનું ચંપકનગર

પૌરાણિક ઉલ્લેખોમાં ચાંપાનેર ચંપકનગર તરીકે નોંધાયુ છે. પદ્મપુરાણ પ્રમાણે અહીં વિદારુણ નામક રાજવી રાજ કરતો હતો. ચાંપાનેરની ભવ્યતા વર્ણવતી ગાથાઓ સંસ્કૃતમાં પણ લખાઈ છે. પંદરમી સદીમાં છેક કર્ણાટકથી કવિ ગંગાધર અહીં આવ્યા હતા અને ચાંપાનેરની અનૂભુતિ તેમણે પોતાની કવિતામા પણ લખી હતી. પાવાગઢ અઢી હજાર ફીટ ઊંચો છે. ચાંપાનેર તળેટીથી શરૃ કરીને કેટલેક ઊંચે સુધી બાંધકામો ધરાવે છે. એટલે ચાંપાનેર આજે દેખાય છે, તેનાથી ઘણું મોટું હશે એ વાતમા કોઈ શંકા નથી. વળી પાવગઢથી જોઈએ એટલે જણાઈ આવે કે જંગલ વિસ્તારમાં હજુ અલ-ડોરાડોની માફક આખેઆખું નગર શોધવાનુ તો બાકી જ છે!

ચાંપાનેરનુ પૂરતુ ખોદકામ નથી થયુ એટલે તેની સાથે સંકળાયેલાં કેટલાંક રહસ્યોના જવાબો પણ મળતા નથી. આજનુ ચાંપાનેર તો ભલે ૧૪૦૦ હેક્ટરમાં પથરાયેલુ છે, પણ મૂળ નગર કેવડું હતું? ક્યાં સુધી તેનો ફેલાવો હતો? અત્યારે તેની મસ્જીદો ભવ્ય દેખાય જ છે, પણ તેનાથીય ભવ્ય બાંધકામો જંગલમાં ક્યાંક દટાયેલાં તો નથી ને? વગેરે રહસ્યો સાથે ચાંપાનેર જીવે છે.

ઈન્ડિયાના જોન્સના ખજાના જેવું નગર

હવે અહીંની એકથી એક ચડિયાતી મસ્જિદો, મિનારા, સાત કમાન, પાણીની ટાંકીઓ, દરવાજા, કિલ્લાની દીવાલ.. તેના કોતરણીકામ-કળા-કારીગરી માટે જગવિખ્યાત થયાં છે. મહેમૂદ પોતે લીલોતરીનો શોખીન હતો એટલે ઠેર ઠેર જળાશયો પણ બંધાવ્યાં હતાં. એ ખંડેરો આજે તો ઈન્ડિયાના જોન્સના ખજાના જેવા લાગે છે. ૧૪૮૨માં ગુજરાતમા દુષ્કાળ પડયો હતો. પણ ઢોળાવ પર આવેલા ચાંપાનેરને તેની નહિવત્ અસર થઈ હતી. ચાંપાનેરનું વોટર મેનેજમેન્ટ આજે પણ અભ્યાસનો વિષય બની શકે એમ છે. નગીના, જામી, કેવડા, એકમિનાર, લીલા ગુંબજ એમ વિવિધ મસ્જિદો, મંદિરો, ગઢ, પગથિયાં સાથેનો કૂવો, કદાવર દરવાજા, બાલ્કની જેવી ડોકાબારી, તળાવકાંઠાના બાંધકામો, જાહેર સભાસ્થળો.. અને એવું તો ઘણુંય છે જેના કારણે ચાંપાનેર આકર્ષક રહ્યુ છે અને સદીઓ સુધી રહી શકે એમ છે.

OLYMPUS DIGITAL CAMERA

ભારતીય-હિન્દુ બાંધકામોને નષ્ટ કરવાની મેહમૂદની નીતિ છતાં પુરાતન કાળના કેટલાક અવશેષો અહીં બચી ગયા છે. લકુલીશ મંદિર અહીં તેનો પુરાવો આપતું ઊભું છે. ભગવાન શિવના એક સ્વરૃપ લકુલિશનું મંદિર ચાંપાનેરનો જ હિસ્સો હોવા છતાં તેની બાંધણી, કોતરણી અને સમયગાળો અલગ હોવાનું સમજતાં વાર લાગે એમ નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે લકુલીશનુ એ મંદિર ચાંપાનેરનું  સૌથી જૂનું બાંધકામ છે, છેક દસમી સદીનુ. એટલે કે એક હજાર વર્ષ પુરાણું. ચાંપાનેર પોતે ભલે સાતમી-આઠમી સદીમા બંધાયુ હતુ પણ એ વખતના કોઈ બાંધકામો રહ્યા નથી. રહ્યા હોય તો હજુ મળ્યાં નથી. આજનું ચાંપાનેર છે એ તો પંદરમી સદીનું છે. તેની વચ્ચે શિવજી એકલા ધૂણો ધખાવીને બેઠા છે. જૈન મંદિર સહિતના બીજા બાંધકામો પણ અહીં છે.

ચાંપાનેરના નસીબે સતત શાસન આવ્યું નથી એટલે છેલ્લા પાંચસો વર્ષથી શહેર સમયાંતરે ખાલી થતું રહ્યું છે. ભારતના ઉત્તમોત્તમ પુરાત્ત્વીય બાંધકામોમા સ્થાન પામતુ ચાંપાનેર હવે તો સાવ ખાલી છે, માત્ર ખંડેરો ઊભાં છે, ઈતિહાસની કથા કહેવા માટે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *