ચાર ધામની જાત્રા કે બાર જ્યોતિર્લિંગનો પ્રવાસ કરવાથી દુનિયા ફરાઈ જતી નથી. ખરેખર તો અસાધારણ સ્થળોએ જવું એ જ ખરું પ્રવાસન છે. જગતમાં એવા કેટલાક પ્રવાસો યોજાય છે, જ્યાંથી જીવંત પરત આવવાની ગેરંટી હોતી નથી. છતાં ત્યાં પ્રવાસીઓની કમી પણ નથી રહેતી..
ગોરીલા સફારી
નામ પ્રમાણે માઉન્ટેઈન ગોરીલાના દર્શન કરાવતા આ પ્રવાસનું આયોજન માત્ર આફ્રિકાના ગાઢ જંગલથી ઘેરાયેલા યુગાન્ડા દેશમાં થાય છે. દોઢસોથી બસ્સો કિલોગ્રામ વજન, પાંચ-સાત ફીટની ઊંચાઈ, કાળુભમ્મર શરીર અને કદાવર કાયા ધરાવતા ગોરીલાને જંગલમાં જોવા પણ દુર્લભ છે. આખા જગતમાં માઉન્ટેન પ્રકારના ગોરીલાની વસતી યુગાન્ડા-રવાન્ડા-કોંગોની સરહદે આવેલા વિરૃંગા નેશનલ પાર્ક અને બીજા યુગાન્ડામાં આવેલા બ્વિન્ડી નેશનલ પાર્કમાં છે. માઉન્ટેન ગોરિલાની કુલ સંખ્યા આખા જગતમાં ૯૦૦ કરતા વધારે નથી. દુર્લભ અને શરમાળ ગોરિલાને જોવા માટે યુગાન્ડા સરકાર સફારી યોજે, જેમ આપણે ત્યાં ગીરના સિંહ-સફારી યોજાય છે.
સવારે જંગલમાં ગયા અને સાંજે ગોરીલા જોઈને આવી ગયા એમ આ પ્રવાસ થતો નથી. પહેલા તો દસેક દિવસનો સમય ફાળવવો પડે, કેમ કે ગોરીલા એમ આસાનીથી દેખાતા નથી. ગોરીલા રહે એ પહાડી જંગલમાં પહોંચતા જ કેટલાક દિવસો લાગે છે. યુગાન્ડા સરકારે નક્કી કરેલા સફારી રસ્તાઓ પર ગાડી જાય ત્યાં સુધી ગાડી લઈને અને પછી ચાલીને જવાનું રહે છે. જંગલમાં તંબુ તાણીને અથવા તો ક્યાંક જંગલખાતાના કાચા-પાકા મકાનો આવે એમાં રાત ગુજારવી પડે. ગોરીલા દેખાય એ પહેલા દીપડા સહિતના અન્ય જીવો જોવા મળે એવી શક્યતા પણ ખરી. અત્યંત ગાઢ જંગલ વચ્ચે અનેક જોખમો અને આકરી ધિરજ પછી ગોરીલાની મું-દિખાઈ થાય એની કોઈ ગેરંટી નથી હોતી. દેખાય તો દેખાય, ન પણ દેખાય. અહીં પ્રવાસીઓને જંગલના જોખમો ઉપરાંત ગોરીલાના શિકારીઓથી પણ ડરવુ રહ્યું.
પ્રવાસના નિયમો ઘણા અઘરા છે, માટે બધા ત્યાં જઈ શકતા નથી. દરેક વ્યક્તિ માટે જંગલમાં પ્રવેશવા ૪૦૦ ડોલરની ફી ભરવાની થાય છે અને એ સિવાય થાય એ ખર્ચ તો અલગ, માટે પ્રવાસ શોખ ઉપરાંત સંપત્તિ પણ હોય તો જ ગોરીલા જોવાનો વિચાર થઈ શકે. ગોરીલા જેમને માત્ર મોટા કદના વાંદરાઓ લાગતા હોય એ લોકો માટે આ પ્રવાસ કામનો નથી.
જ્વાળામુખી પ્રવેશ
જ્વાળામુખી ફાટવો શરૃ થાય ત્યાંથી લોકો દૂર ભાગવા માંડે. પણ કેટલાક શોખીનો સળગતા જ્વાળામુખીનો જ પ્રવાસ યોજે છે. આઈસલેન્ડમાં થ્રિહનુકાગીગુર નામનો એક સક્રિય જ્વાળામુખી છે. એ ૪ હજાર વર્ષ પહેલા ફાટયો હતો, પણ તેના મુખમાં તો લાવા સતત ધધકતો રહે છે (સક્રિય જ્વાળામુખી સતત ફાટતો હોય એવુ નથી, પણ તેની આંતરિક ચેમ્બરમાંથી ધીમો ધીમો મેગ્મા નિકળતો રહે છે. નિષ્ક્રિય જ્વાળામુખી તો ઠરીને હજારો-લાખો વર્ષોથી શાંત બેઠો હોય, જેમ કે આપણો ગિરનાર). કુંજાનું મોઢુ સાંકડુ અને આંતરિક ભાગ ફાંદાળો હોય એમ આ જ્વાળામુખીની ટોચે આવેલા એક નાના પ્રવેશદ્વારથી અંદર જાવનું રહે છે. લિફ્ટ વડે પ્રવાસીઓને એકાદ હજાર ડીગ્રી તાપમાને લાવા-મેગ્મા વહેતો હોય એ ચેમ્બરમાં લઈ જવાય છે.
જ્વાળામુખીની એ આંતરિક ચેમ્બર અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આખેઆખુ ઉભુ કરી શકાય એવડી મોટી છે. કુવામાંથી ગાર કાઢતી વખતે જેમ ટ્રોલી વડે અંદર ઉતરવાનું હોય એવી જ રીતે આ પ્રવાસ યોજાય છે. સુરક્ષાના પુરતા બંદોબસ્ત પછી ગાઈડ સાથે ઉતરેલા પ્રવાસીઓ સલામત સ્થળો છે, ત્યાં જમીન પર ઉતરી શકે છે. મેગ્માની નજીક જવાની કોઈને છૂટ નથી. જ્વાળામુખીને દૂરથી રામરામ કરવાના હોય ત્યારે અહીં તો શબ્દશઃ જ્વાળામુખીના આંતરિક ભાગની સફર કરવાની થાય છે. એ જ્વાળામુખી નજીકના ભવિષ્યમાં ફાટવાની શક્યતા નથી, એટલા પુરતુ નિશ્ચિંત રહી શકાય છે. અહીં સગળતા જ્વાળામુખી ઉપરાંત પ્રવાસીઓને ગુફાનો પ્રવાસ કે પાતાળ-પ્રવેશ કરવાનો પણ અનુભવ થાય છે.
પેગ્વિન સાથે રહેવાસ
ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફિક ચેનલમાં પેગ્વિન જોવાની બહુ મજા પડે પણ તેમના એરિયામાં જવામાં સારાવાટ હોતી નથી. પ્લાયવૂડનું તળીયુ, એલ્યુનિયમની ફ્રેમ, ફ્રેમ ફરતે મઢેલુ નાયલોન.. એવી સામગ્રીનો બનેલા તંબુમાં એન્ટાર્કટિકા (દક્ષિણ ધ્રુવ) ખંડમાં પેગ્વિન સાથે રહી શકાય છે. એન્ટાર્કટિકામાં જવુ એ જ મોટુ સાહસ ગણાય છે, ત્યારે ત્યાં રહેવુ અને એ પણ પેગ્વિન સાથે રહેવું એ તો ઘણુ મોટુ સાહસ કહેવુ પડે. અલબત્ત, પ્રવાસીઓ માટે કેટલીક વ્યવસ્થાઓ હોવાથી મુશ્કેલીઓ થોડી હળવી થઈ જાય છે.
ઓસ્ટ્રેલિયાની એક કંપની એન્ટાર્કટિકામાં પેગ્વિન જોવા ઉપરાંત ઠંડી કેવી હોય એ અનુભવી શકાય એ માટે ત્યાં અઠવાડિયુ રહેવાની સુવિધા કરી આપે છે. શરદીમાં સળેખમ થઈ જતું હોય એવા શરીરો માટે આ પ્રવાસ અઘરો પડી શકે છે. ઠંડીની આદત હોય તો પણ એન્ટાર્કટિકાનું વિષમ વાતાવરણ શરીરને મોટો ઘસારો પહોંચાડે એ નક્કી વાત છે. એન્ટાર્કટિકામાં પહોંચ્યા પછી તો મુશ્કેલીઓ વેઠવાની આવે જ, પણ ત્યાં સુધી જતું પ્લેન તૂટી પડે, લેન્ડ ન થઈ શકે, તોફાનમાં આડા-અવળુ ઉતરી પડે.. એવા અનેક જોખમો રજાઓની શરૃઆત થતાં પહેલા જ આવી શકે છે. એ બધી સ્થિતિ સામનો કરવાની તૈયારી હોય એ લોકો જ આવુ વેકેશન માણી શકે છે.
ઈગ્લુમાં રાતવાસો
દક્ષિણ ધુ્રવથી સામા છેડે આવેલા ઉત્તર ધુ્રવના ગ્રીનલેન્ડમાં એવી સફર ઈગ્લુમાં રહેવાની યોજાય છે. બર્ફસ્તાનમાં રહેતા એસ્કિમો લોકો બરફના જ ઈગ્લુ નામે ઓળખાતા કુબા બનાવે છે, જે બધા ભૂગોળમાં ભણી ચુક્યા હશે. પણ એ ઘરમાં રહેવુ હોય તો? એ માટે પ્રવાસ યોજાય છે. ઈગ્લુમાં રહેવાનું, આર્કટિક પ્રદેશમાં થતાં સફેદ વરૃ, શિયાળ વગેરે સહિતના સજીવો જોવાના અને એક આખો દિવસ સફેદ રીંછો શોધીને તેનાં દર્શન કરવામાં પસાર કરવાનો. લાખો ચોરસ કિલોમીટરમાં જ્યાં ચારે તરફ બરફ જ ફેલાયેલો છે એવા સ્થળે રહેવાનો આ કઠોર અનુભવ છે.
ટાઈટેનિકની સમાધી સુધી ડૂબકી
દરિયામાં ઊંડે ઉતરવાનો શોખ હોય એ જ આ પ્રવાસમાં ઊંડે ઉતરી શકે એમ છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ૧૩ હજાર ફીટ નીચે વૈભવી જહાજ ટાઈટેનિકનો મૃતદેહ પડયો છે. ટાઈટેનિક જીવતી-જાગતી તો હવે જોઈ શકાય એમ નથી એટલે સાહસિકો હવે તેનો ભંગાર કે પાર્થિવ દેહ જે ગણો એ જોવા ડૂબકીઓ મારવાનું સાહસ કરે છે. ૧૦-૧૨ દિવસની એ સફરમાં ખાસ પ્રકારના વાહન દ્વારા દરિયાના તળિયે લઈ જવામાં આવે છે. દરિયાના વધતી ઊંડાઈ સાથે વધતુ પાણીનું દબાણ જોખમ વધારતુ રહે છે.
તળિયે પહોંચ્યા પછી જો વાહનને કંઈ પણ થાય તો ટાઈટેનિકનો મૃતદેહ જોવા ગયેલા પ્રવાસીઓના જીમૃતદેહ પણ ત્યાં જ ખડકાઈ જાય એવી સ્થિતિ સર્જાઈ શકે છે. ટાઈટેનિકની કબર સુધી પહોંચવા માટે રશિયાએ તૈયાર કરેલી મિર સબમરિનો વપરાય છે. દરિયા તળિયે તો અંધારુ જ હોવાનું પણ સબમરિનની પાવરફૂલ લાઈટો ટાઈટેનિકને જળાહળાં કરી મુકે છે. એ ઉપરાંત ઊંડા સમુદ્રના ચિત્ર-વિચિત્ર જીવો જોવા મળે એ લટકામાં..
ટાઈટેનિક તો નિર્જીવ છે પણ દરિયાઈ ખતરનાક સજીવ શાર્કને નજીકથી જોવાની પણ ડૂબકીઓ યોજાય છે. ઓસ્ટ્રેલિયાનો દરિયા કાંઠો ખુંખાર શાર્ક માછલીઓ માટે કુખ્યાત છે. અહીં ખાસ પ્રકારના પાંજરામાં બેસીને શાર્ક માછલીની આસપાસ દરિયામાં ઘૂમી શકાય છે. આફ્રિકા સહિત ઘણા દેશો શાર્ક માછલી દેખાડવાનું સાહસ કરે છે અને પ્રવાસીઓ એ જોવાનું પણ સાહસ દાખવે છે. ટાઈગર પ્રકારની શાર્ક માછલીઓ અત્યંત ઝનૂની હોવાથી ઘણી વખત બંધ પાંજરામાં ઉતરનાર પ્રવાસીઓને પણ ઉપર આવતા સુધીમાં ભીંસ પડી જતી હોય છે.
ડેથ રોડ પર સફર
આ રોડનું નામ સાંભળીને જ ત્યાં ન જવાનું કારણ મળી રહે એમ છે. બોલિવિયાનો ‘યુંગાસ રોડ’ જગતનો સૌથી ખતરનાક રોડ ગણાય છે અને તેના પર સફર દરમિયાન થતાં મોટા પ્રમાણમાં મોતને કારણે એ ‘ડેથ રોડ (મૃત્યુનો રસ્તો)’ તરીકે ખ્યાતનામ કે કુખ્યાત બન્યો છે. એન્ડિઝ પર્વતમાળામાં બોલિવિયાના પાટનગર લા પાઝથી શરૃ કરીને ક્રોઈકો સુધી પહોંચતો ૬૪ કિલોમીટરનો એ રસ્તો ખાંડાની ધાર જેવો છે. પહાડી વિસ્તારનું પડખુ કોતરીને બનેલો હોવાથી રસ્તા પર પસાર થતું વાહન ગમે ત્યારે ખીણમાં ખાબકે એવી પુરી સંભાવના છે.
પાવાગઢ કે આબુ જતી વખતે વાહનમાં જેવો ડર લાગતો હોય એનાથી અનેકગણો ડર અહીં પ્રવાસીઓને લાગે છે. પણ સાહસિકો આ રસ્તે જ સાઈકલિંગ કરે છે અથવા તો અન્ય વાહન લઈ પસાર થાય છે. બોલિવિયાની એક પ્રવાસન કંપની સાઈકલો દ્વારા સમગ્ર રસ્તે સફર કરાવે છે. હવે તો ક્રોઈકો-લા પાઝ વચ્ચે નવો સલામત રસ્તો તૈયાર થઈ ગયો છે, પણ સાહસપ્રેમીઓ આ રસ્તે જ પસાર થવાનું વલણ અપનાવે છે.
ડેથ રોડ જેવી સફર ચીનમાં પણ થાય છે. ચીનના હુઆ પર્વત પર એક સાંકડી કેડી જેવો રસ્તો છે. ક્યાંક એ રસ્તો પર્વતની ધાર પર છે તો ક્યાંક પર્વતની લગોલગ લટકાવેલા પાટિયા પરથી જીવના જોખમે પસાર થવાનું રહે છે. ક્યાંક ખડકમાં થયેલા ખાંચાઓમાં પગ ભરાવીને ઉતરવાનું આવે તો એવુ જ ચડાણ પણ આવે છે. એ સફર કર્યા પછી શિખર પર પહોંચી શકાય છે અને ત્યાંથી દૂર સુદુર સુધીની કુદરતની રચના જોઈ શકાય છે. અલબત્ત, કેટલાક પ્રવાસીઓ રસ્તો જોઈને પાછા વળવાનું પણ પસંદ કરે છે.
રીક્ષામાં ભારત ભ્રમણ
ભારતીયો છકડો રીક્ષામાં કે ટ્રેકટરમાં સફર કરી શકતા હોય તો એ પરદેશીઓ માટે એક સાહસની જ સફર છે. એટલે જ એક પ્રવાસન કંપની ‘ધ રીક્ષા રન’ નામે ભારતની રીક્ષાની સફરને પણ સાહસિક પ્રવાસમાં ખપાવે છે! અલબત્ત, એ પ્રવાસ છકડોમાં નહીં પણ ઓટો રીક્ષામાં યોજાય છે.
ભારતમા ભલે આપણે રીક્ષામાં મુસાફરી કરવાને સ્ટેટસ ન ગણતા હોઈએ પણ પરદેશીઓ રીક્ષામાં ભારતના દક્ષિણ-પશ્ચિમે આવેલા કોચીથી શરૃ કરી પૂર્વમાં છેક દાર્જિલિંગ સુધીની ૩૫૦૦ કિલોમીટર લાંબી સફર કરવા માટે લાખો રૃપિયા ખર્ચે છે. વર્ષમાં બે વખત આ પ્રવાસ ઉપડે છે. એમાંથી થતી આવકમાંથી વળી કેટલીક રકમ સામાજીક કાર્યો માટે વપરાય છે, એટલે પરદેશીઓની ગરીબ ભારતીયો માટે કશુંક કર્યુ હોવાની ભાવના પણ સંતોષાય છે!
* * *
આ બધા પ્રવાસો દરેક વ્યક્તિ માટે નથી. એ માટે સૌથી પહેલા તો શારીરિક અને પછી માનસિક લાયકાતો જોઈએ. ખર્ચો તો અઢળક થાય જ. કોઈ પ્રવાસ ગાઈડ વગર કરી શકાતો નથી. સુરક્ષાની પણ પુરતી ગોઠવણ કરવામાં આવી હોય છે. એ પછી પણ છેવટે તો બધુ ઈશ્વરના હાથમાં જ હોય છે. વળી આ પ્રવાસો એકલા કરવાની પણ છૂટ નથી. તમારી તો ટીમ હોવી જ જોઈએ સાથે આયોજકોના કોઈક સભ્યો પણ હોય છે. પણ સૌથી પહેલા સાહસ કરવા છાતીએ પાણી હોવુ જોઈએ..
I like this. Keep it up.