જેસલમેર પ્રવાસ-1 : રણની રેતને ખાળતું નગર મળે…

રણમાં આવેલું અને ફિલ્મોથી વખણાયેલું જેસલમેર નગર કેવું હશે? એ જાણવા માટે અમે મિત્રો એ રજવાડી નગરની સફરે નીકળી પડયા.

15 ઑગસ્ટ, 2014

ધ્વજવંદનની કાર્યવાહી પતાવીને અમે અમદાવાદ બહાર નીકળ્યા ત્યાં સુધીમાં સવારના દસ વાગી ચૂક્યા હતા. પ્રવાસી અમે પાંચ હતા, મારા સિવાયના ચાર એટલે પ્રોફેસર ઈશાન, કૅમિસ્ટ વિશાલ પટેલ, કમ્યુનિકેશન એજન્સી ચલાવતો તુષાર આચાર્ય અને શિક્ષણ સંસ્થા ચલાવતા બાપુ અનિરૃદ્ધસિંહ પઢેરિયા.

જેસલમેર જવા માટે અમે નીકળી પડયા હતા. સાડા પાંચસો કિલોમીટર દૂર આવેલા જેસલમેર સુધીમાં બપોર પછી કે મોડી સાંજ થવાનો અંદાજ હતો. અમને ઉતાવળ પણ ક્યાં હતી? રાજસ્થાનમાં પ્રવેશીએ એ પહેલાં જ પેટપૂજા કરવાનો સમય થયો, પણ સદ્ભાગ્યે હાઈ-વે પર કોઈક મસ્ત રેસ્ટોરાં મળી આવી. બરાબર ખાઈ લીધું એટલે ગાડીમાં થોડી ઊછળ-કૂદ ચાલતી હતી એ શાંત થઈ ગઈ. ડ્રાઇવર દિનેશ સિવાય સૌ કોઈ નિષ્ક્રિય થયા. જરા વધારે પેટ ધરાવતા કેટલાક મિત્રોનાં તો નસકોરાં પણ બોલવા લાગ્યાં.

ANIRUDDHSINH PADHERIA, VISHAL PATEL, TUSHAR, MY SELF AND ISHAN (MISSING)

રાજસ્થાનનો મુખ્ય રસ્તો જોધપુર-ઉદયપુર-જયપુર તરફનો… પણ જેસલમેર રણમાં આવેલું છે, રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં છે. એ માટેનો રસ્તો બાડમેર થઈને જાય છે. રસ્તો ચતુરમાર્ગીય ન હતો તો પણ લગભગ ખાલી કહી શકાય એવો, એટલે પ્રવાસ વિના વિઘ્ને ચાલી રહ્યો હતો. રસ્તામાં ચા-પાણી સિવાય અમારે બ્રેક લેવાનું કોઈ કારણ ન હતું. વળી એ રસ્તે કોઈ આકર્ષક જગ્યા પણ આવે નહીં.

એ વખત આજના જેટલી મોબાઇલ એપનો નહીં, એટલે બુકિંગનું કામકાજ ઇન્ટરનેટ પરથી માહિતી લઈ ફોન પર કરાવ્યું હતું. જઈને જોવાનું, ફાવે તો રહેવાનું. પહેલી વખત એ તરફ જઈ રહ્યા હતા. પહેલી વખત સાથે પાંચેય લાંબા પ્રવાસે જઈ રહ્યા હતા. વિવિધ પ્રકારની મૂંઝવણો અમારી સામે કિલોમીટર દર્શાવતા પથ્થરની માફક એક પછી એક આવી રહી હતી. એ બધી ચર્ચાનો દોર ચાલતો હતો ત્યાં છેલ્લી સીટ પર ખૂણામાં ગોઠવાયેલા એક મિત્રના અંતરમાંથી અવાજ આવ્યોઃ ‘હું તો અગાઉ જેસલમેર જઈ આવ્યો છું!’

ઇન્કમટેક્સના દરોડામાં મળી આવે એવી આ અત્યાર સુધી છૂપી રહેલી માહિતી જોઈને અમને સૌને પહેલા અચરજ થયું, પછીઆનંદ થયો. દરોડા પછી સ્વેચ્છાએ કબૂલાત કરવામાં આવે એમ તેણે વધુ માહિતી આપી : ‘કે ત્યાં એક ગુજરાતી ભાઈ રહે છે, અમદાવાદના જ છે, વર્ષોથી ત્યાં રહે છે. હોટેલ-રેસ્ટોરાં ચલાવે છે. અમે ત્યાં જ રહ્યા હતા.’

‘તો ભાઈ લાવને નંબર…એને પૂછી જોઈએ.’

વિનયભાઈ કો ફોન લગાયા જાય એવી સૂચના વગર જ જેસલમેરમાં ફોન કર્યો. વિનયભાઈ ફોનમાં વિનયપૂર્વક કહ્યું તમે અમદાવાદથી આવો છો અને મારો સંપર્ક કર્યો એટલે હવે આવી જાવ. મારી જગ્યા ખાલી જ છે. એ ન ફાવે તો બીજા મિત્રોની હોટેલ્સ પણ છે. ડોન્ટ વરી… તમને કંઈ તકલીફ નહીં પડે. અમને નિરાંત થઈ.

જેસલમેરનું પાદર આવ્યું ત્યાં સાંજ પડવા આવી હતી. રસ્તામાં પ્રોફેસરે માહિતી આપી કે આ કિલ્લા પર સત્યજીત રાયે ‘સોનાર કિલ્લા’ નામની ફિલ્મ બનાવી છે. કેમ કે દૂરથી એ પીળા રેતિયો પથ્થરનો કિલ્લો સોનાનો ઢોળ ચડાવ્યો હોય એવો લાગે. સાંજે અમનેએવું જ દૃશ્ય જોવા મળ્યું. હજારેક વર્ષથી ત્યાં આવતા સૌ કોઈને એ અણનમ ઊભેલો કિલ્લો એ રીતે જ દર્શન આપતો હતો.

શહેર કિલ્લાની અંદર અને બહાર એમ બે ભાગમાં વહેંચાયેલું છે. અમારે કિલ્લાની અંદર રહેવાનું હતું. પાદરમાં જઈને અગાઉથી મળેલી સૂચના પ્રમાણે રાહ જોવી શરૃ કરી. થોડી વારે વાંકા-ચૂંકા રસ્તામાંથી એક સ્કૂટર આવ્યું. તેના પર સવાર વિનયભાઈએ સૂચના આપી : મારી પાછળ આવો.

મૂળ અમદાવાદના વિનયભાઈની હોટેલ સિદ્ધાર્થ ( https://hotelsiddharthajaisalmer.com/)

ગાડી એક સ્થળે પાર્ક કરાવી દીધી. થોડું ચાલીને તેમના ઘર પ્લસ હોટેલ ‘સિદ્ધાર્થ’માં પહોંચ્યા. નીચે એ રહે, ઉપરના બે માળ પ્રવાસીઓ માટે. અમને રૃમ બતાવ્યા, રસપ્રદ હતા. વધુ રસપ્રદ વિનયભાઈનો સ્વભાવ હતો. ગ્રાહકોને ખંખેરી લેવાનો એમનો સ્વભાવ ન હતો એ અમને સમજાઈ ગયું. નીતિપૂર્વક બિઝનેસ ચલાવતા હતા એટલે અમને ત્યાં જ રહેવાનું પસંદ પડયું. સામાન ગોઠવી, રેતી ખંખેરી, સાફ-સૂફ થઈને સૌથી પહેલા ભોજન માટે નીકળી પડયાં. જેસલમેર ફરવાની શરૃઆત સવારે કરવાની હતી.

જેસલમેર ફરતે રણ છે માટે રાત પડયે શહેર ભવ્ય દેખાય. દૂર સુધી ફેલાયેલો રણનો અંધકાર અને વચ્ચે જગમગતું આ ગામ. અમે અગાસી પર પહોંચ્યા ત્યારે પ્રચંડ પવન ફૂંકાતો હતો. એટલો બધો પ્રચંડ કે અગાસી પર આંટા-ફેરા કરવામાં પણ સાવધાની રાખવી પડે. અમારો એક મિત્ર શારીરિક રીતે પાતળો હોવાથી પ્રોફેસર અને વિશાલ એવી ચર્ચા કરી રહ્યા હતા કે ધારો કે તું અહીંથી ઊડી જાય તો ક્યાં જઈ પડે?

નગરની સફર અને સફર દરમિયાન જોવા મળેલી રસપ્રદ સૂચના

જેસલમેર માટે જોકે આ પવન નિયમિત હતો. દૂર રણમાં ક્યાંક એકાદ ગામની નાની લાઇટો પણ દેખાતી હતી. સમગ્ર રચના જુદી દુનિયા પ્રકારની. એ દુનિયાને સવારે વિગતવાર ખેડવાની હતી.

તેની વાત બીજા ભાગમાં..

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *