Niagara Falls જોવાની કેટલીક રીત-ભાત પહેલા ભાગમાં રજૂ કરી. બીજા ભાગમાં ધોધનો ઈતિહાસ અને ધોધ માણવાના વધુ કેટલાક વિકલ્પો આપ્યા છે.
નાયાગરા નદી પર ધોધ તો લગભગ બારેક હજાર વર્ષથી વહે છે. પણ તેના પર ધ્યાન 17મી સદીના ઉતરાર્ધમાં પડ્યું. લુઈસ હેનેપિન નામના યુરોપિયન પાદરી અમેરિકાના ઉત્તરી હિસામાં ધર્મપ્રચારાર્થે ઘૂમી રહ્યા હતા. આ વિસ્તારમાં ઘણા ધોધ વહેતા હોવાનું સાંભળ્યું હતું. એક દિવસ તેમનો કાફલો આગળ વધી રહ્યો હતો ત્યારે તેમના કાને અવાજ અથડાયો. એ અવાજ જંગલના સજીવોનો ન હતો કે ન હતો કોઈ વનવાસીઓની વસાહતનો. શેનો અવાજ હતો એ જાણવા આગળ વધ્યા.. જંગલની ઘટામાંથી બહાર નીકળ્યા ત્યારે સામેનું દૃશ્ય જોઈને પાદરી બોલી ઉઠ્યા – ‘ઓહ ગોડ!’ તેમની સામે પ્રચંડ ધોધ વહેતો હતો. પાદરીએ વતન ફ્રાન્સમાં પરત જઈને આ ધોધની શોધ વિશે આખું પુસ્તક લખી નાખ્યું અને એ રીતે ધોધ વિશે યુરોપિયનોને પહેલી વખત માહિતી મળી. નાયાગરા નદી પર વહેતો હોવાથી એ ધોધ નાયાગરા નામે ઓળખાતો થયો. જોકે 17મી સદીના દસ્તાવેજોમાં નોંધાયા મુજબ સ્થાનિક આદિવાસીઓ આ ધોધને Onguiaahra તરીકે ઓળખતા હતા. એ ઉચ્ચાર ફેરફાર થતા થતા આજના નાયાગરા સુધી પહોંચ્યો છે.
એ વખતનું અમેરિકા અતી સામાન્ય રાષ્ટ્ર હતું, કોઈને અમેરિકામાં જ એટલો રસ નહોતો પડતો, એમાં ધોધ જોવા તો કોણ આવે? ત્રણેક સદી સુધી કોઈને ધોધમાં ખાસ રસ પડ્યો નહીં. છેક 19મી સદીમાં જ્યારે અમેરિકાનું મહત્ત્વ વધતું ગયું ત્યારે ધોધને પણ તવજ્જો મળવા લાગી. ધોધ આસપાસ નાની-મોટી બોટ સર્વિસ શરૃ થઈ, કોઈએ વળી નાના-નાના જળમાર્ગો પર પૂલ પણ બાંધ્યા. ધોધને પહેલી વ્યાપક પ્રસિદ્ધિ મળી 1859માં જ્યારે દોરડા પર ચાલવાનો કરતબ કરી જાણતા ફ્રાન્સના સાહસિક ચાર્લ્સ બ્લોન્ડીને નાયાગરા ધોધનો 1100 ફીટનો પનો દોરડા પર ચાલીને પાર કરી દેખાડ્યો. એ જોવા 25 હજાર લોકો એકઠા થયા હતા. પછી તો ધોધની ખ્યાતિ વધતી ગઈ. 1885માં અમેરિકી સરકારે આ વિસ્તારને ‘ધ નાયાગરા રિઝર્વેશન સ્ટેટ પાર્ક’ તરીકે આરક્ષિત જાહેર કર્યો.
20મી સદીમાં અમેરિકાએ આધુનિકતાના વાઘા પહેરવાના શરૃઆત કરી ત્યારે નાયાગરા ધોધ હનિમૂન ડેસ્ટિનેશન તરીકે લોકપ્રિય બન્યો. 1953માં હોલિવૂડ હિરોઈન મેરેલિન મનરોનને ચમકાવતી ‘નાયાગરા’ નામની જ ફિલ્મ આવી, જેમાં એ દંપતિ હનિમૂન માટે જ નાયાગરાની મુલાકાતે જતું હોય એવી વાર્તા છે. એ પછી તો એ ધોધ હનિમૂનર્સમાં ખાસ્સો લોકપ્રિય થયો અને આજે પણ છે. આજે જોકે તેની ઓળખ એડવેન્ચર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિસ્તરી ચૂકી છે.
ધોધનો અવાજ કેટલો છે
દૂરથી જ એ ધોધનો જળમર્મર પાદરીને સંભળાયો હતો. આજે પણ ત્યાં જતા પ્રવાસીઓને દૂરથી જ જળ પ્રપાતનો ઘૂઘવતો 90-95 ડેસિબલનો અવાજ સાંભળવા મળે છે. ધોધ દર વર્ષે સરેરાશ 3 ફીટના દરે ખવાતો જાય છે, એટલે કે પથ્થરોનું પતન થતું જાય છે. બારેક હજાર વર્ષ પહેલા જ્યાં હતો, તેનાથી આજે સાડા અગિયાર કિલોમીટર પાછળ ખસી ગયો છે (એ હિસાબે 50 હજાર વર્ષ પછી ધોધ સીધો સરોવરના કાંઠે પહોંચી જાશે, એટલે ધોધનું અસ્તિત્વ જ નહીં રહે!). એટલી જમીન ધોવાઈ ગઈ છે. પ્રચંડ પ્રવાહને કારણે પથ્થર અલગ પડીને પાણી સાથે વહેતા જાય છે. ધોધનું પાણી દુધિયા-ગ્રીન કલરનું લાગવા પાછળ પણ એ જ વૈજ્ઞાનિક કારણ છે. ધોધના પ્રચંડ જળ સાથે દર મિનિટે 60 ટન જેટલો પથ્થરનો ચૂરો પણ વહેતો જાય છે. ભૂગોળની ભાષામાં રોક ફ્લોર કહેવાતા આ કણોનો કલર દૂધિયો હોવાથી તેની સાથે મળતું જળ પણ એ કલરનું લાગે એ સ્વાભાવિક છે.
ઓબ્ઝર્વેશન ટાવર
ધોધને વધુ સારી રીતે જોવા નદીના પટમાં જરા અંદર એક ‘પ્રોસ્પેક્ટ્સ પોઈન્ટ’ નામનો ઓબ્ઝર્વેશન ટાવર ઉભો કરવામાં આવ્યો છે. 282 ફીટ ઊંચા ટાવર સુધી પ્રવાસીઓ જઈ શકે છે, ત્યારે જાણે ધોધની સામા જઈને ઉભા હોય એવું લાગે. સવારના સાડા આઠથી લઈને રાતના 9 સુધી પ્રવાસીઓ ટાવર પર જઈ શકે છે.
અહીં એક ‘સ્કાયલોન’ નામની હોટેલ છે, જે ઊંચા ટાવર પર સ્થિત છે. ગોળાકાર હોટેલમાં બેસીને પેટપૂજા કરતાં કરતાં પ્રવાસીઓ સમગ્ર વિસ્તારનો 360 ડીગ્રી નજારો માણી શકે છે. કેનેડા બાજુ કદાવર નાયાગરા સ્કાયવ્હીલ નામે કદાવર ચકડોળ ઉભું કરવામાં આવ્યું છે. તેમાં બેઠેલો પ્રવાસી ટોચ પર પહોંચે ત્યારે એ ધોધ કરતાં પણ 175 ફીટ ઊંચે હોય છે.
હેલિકોપ્ટર
આકાશમાં ઊડતાં ઊડતાં ધોધ જોવો હોય તો હેલિકોપ્ટર રાઈડની સુવિધા અહીં છેક 1961થી ઉપલબ્ધ છે. વાતાવરણ વિલન ન બને તો રોજ સવારે નવ વાગ્યાથી હેલિકોપ્ટર સફર શરૃ થઈ જાય છે અને સાંજે અંઘારુ ઘેરાવા લાગે ત્યાં સુધી ચાલે છે. અમેરિકા અને કેનેડા બન્ને બાજુએથી અલગ અલગ કંપનીની હેલિકોપ્ટર સવારી ઉપલબ્ધ છે.
સામાન્ય રીતે હેલિકોપ્ટર બારથી પંદર મિનિટ સુધી ઉડતાં રહે છે, એ દરમિયાન પ્રવાસીઓને નદી, ધોધ, નદીનો ખીણ પ્રદેશ, આસપાસનું જંગલ.. એ બધું જ જોવા મળી જાય છે. હેલિકોપ્ટર માટે એડવાન્સ બૂકિંગ અનિવાર્ય છે. હેલિકોપ્ટરની માફક નાનકડાં વિમાન વડે પણ નાયાગરાની એર ટૂર કરી શકાય છે. આ આકાશી સફરની વ્યક્તિદીઠ ફી 125થી 200 ડોલર જેવી છે.
ઝિપલાઈન
હેલિકોપ્ટર અને વિમાન જરા મોંઘા લાગે તો પછી ઝિપલાઈન દ્વારા સવા બસ્સો ફીટ ઊંચેથી ધોધનું વિહંગાવલોકન કરી શકાય છે. હેઠવાસના ભાગમાં જ્યાં ખીણ જરા સાંકડી છે, ત્યાં સામસામે દોરડા બાંધીને ઝિપલાઈન સુવિધા વિકસાવાઈ છે. 7 વર્ષથી વધારે વય હોય એવી કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે. સંપૂર્ણ ગાઈડેડ સફરની ટિકિટ 50 ડોલર જેવી છે અને તેમાં વળી ગ્રૂપ બુકિંગ તથા ફેમિલિ પાસની પણ સગવડ છે જે થોડા ડોલરની બચત કરાવી આપે છે. તેની વધુ માહિતી અહીંથી http://niagarafalls.wildplay.com મળશે. આગળ જતાં નદી યુ-ટર્ન જેવો વળાકં લે છે. ત્યાં વમળ (વ્હિર્લપૂલ)ની રચના થઈ છે. એ જોવા માટે પણ ઉપરથી એરો-કાર નામની રોપ-વે જેવી સફર ઉપલબ્ધ છે.
જંગલ સફર
આગળ જતાં જ્યાં પાણી શાંત થાય ત્યાં સ્વયં-સંચાલિત હોડીની સફર, જંગલ ટ્રેકિંગ, હાઈકિંગ-ક્યાયકિંગ.. વગેરે સહિતની અનેક સુવિધાઓ વિકસી છે. પ્રવાસીઓ પોતાના સમય-બજેટ પ્રમાણે તેનો અનુભવ લઈ શકે છે. જે રીતે ધોધમાં અનેક ધારાઓ વહે છે, એમ પ્રવાસીઓના મનોરંજનાર્થે અહીં અનેક ધારાઓ વિકસી છે. આ વિસ્તાર મૂળભૂત રીતે જંગલ છે. બીજા જંગલી પ્રાણીઓ તો આસાનીથી દેખાતા નથી, પણ જો ધ્યાન પડે તો આકાશમાં ઉડતાં ‘પેરેગ્રીન ફાલ્કન’ અને અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી ‘બોલ્ડ ઈગલ’ જોવા મળી શકે છે. ધોધ પાસે બોટાનિકલ ગાર્ડન અને બટરફ્લાય પાર્ક છે, જ્યાં પ્રકૃત્તિનો અભ્યાસ પણ કરી શકાય છે.
એમ લાગે કે ધોધની ભીડભાડથી દૂર જ રહેવું છે, તો પછી ‘નાયાગરા ગ્લેન નેચરલ રિઝર્વ’ની મુલાકાતે ઉપડી જવું જોઈએ. અલબત્ત, આ પાર્ક કેનેડા તરફ આવેલો છે. ધોધથી હેઠવાસમાં નદી સાંકડી ખીણમાં વહે છે. ખીણની બન્ને તરફનો જંગલ વિસ્તાર હાઈકિંગ માટે સ્વર્ગ સમાન છે. શાંતિ ઈચ્છતા પ્રવાસીઓ એ ટૂર પર નીકડી શકે છે.
ઓલ્ડ ફોર્ટ
ધોધથી થોડે દૂર ઓલ્ડ ફોર્ટ કહેવાતો કિલ્લો આવેલો છે. વિસ્તારવાદી ફ્રાન્સે 17મી સદીમાં આ વિસ્તાર પર કબજો જમાવ્યો હતો અને 1678માં અહીં આ કિલ્લા કમ મહેલનું બાંધકામ કર્યું હતું. પછી બ્રિટિશરોના હાથમાં આવ્યો. હવે તો અમેરિકી સરકારે તેને સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દીધો છે. 17મી સદીમાં અહીં ફ્રાન્સિસી અને રેડ ઈન્ડિયનો વચ્ચે લડાઈ થઈ હતી. પછી તો ઘણા નાના-મોટા જંગ થયા છે, જેનો ઈતિહાસ કિલ્લામાં સચવાયેલો છે.
ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં જે રીતે ચેન્જિંગ ગાર્ડની સેરેમની યોજાય છે એમ અહીં પણ નિયત સમયે અમેરિકન સિવિલ વોર સમયના સૈનિકો કેવા હતાં, તેની રજૂઆતના કાર્યક્રમો યોજાય છે. એ વખતે સૈનિકો 17મી સદીની વેશભૂષામાં સજ્જ હોય છે. આપણને એ જોઈને એક જ સેનાપતિ યાદ આવે, નેપોલિયન! અમુક કાર્યક્રમ એવા પણ છે, જેમાં પ્રવાસીઓ અગાઉથી પત્ર-મેઈલ-વ્યવહાર કરીને ભાગીદાર થવા ઈચ્છે તો નામ નોંધાવી શકે છે. સવારના 9થી સાંજના 7 સુધી ખુલ્લાં રહેતા કિલ્લામાં પ્રવેશવાની ફી બાળકો માટે 8, મોટેરાં માટે 12 ડોલર છે.
અમેરિકા અને કેનેડા બન્ને તરફ કુલ ગણીએ તો 49 સ્થળનો સમાવેશ નાયાગરા ધોધ વિસ્તારમાં થાય છે, જે પ્રવાસીઓ માણી શકે, અનુભવી શકે. એમાંથી પ્રવાસીઓ એક ડઝન સ્થળો પસંદ કરે તો પણ બે દિવસ તો સહેજેય પસાર થઈ જાય. એક તરફ પ્રવાસનની અઢળક આવક છે, તો બીજી તરફ ધોધના ધૂંઆધાર પડતાં પાણીનો વીજ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે છે.
a
શિયાળાની અસર આખા જગત સાથે આ ધોધને પણ થાય છે. ધોધ નાની-મોટી અનેક જળશીખાઓમાં વહે છે. અમેરિકાના ઉત્તર ભાગ-કેનેડામાં શિયાળા દરમિયાન ક્યારેક તાપમાન શૂન્ય નીચે 25 ડીગ્રી સુધી પહોંચે, દિવસમાં માંડ પંદરેક મિનિટ સૂરજદેવના દર્શન થાય. એ વખતે ધોધનો કેટલાક ભાગ થીજી જાય છે. જોકે આ ધોધ સંપૂર્ણપણે થીજી જાય છે, એવુ સાંભળવા-વાંચવા મળે તો એ વાત જરા વધારે પડતી ગણી લેવી.
ધોધનો પ્રચંડ જળપ્રવાહ સંપૂર્ણપણે થીજી જાય એવું સામાન્ય સંજોગોમાં શક્ય બનતું નથી. તાપમાનનો પારો નીચો ઉતરતો જાય એમ ઉપલી જળસપાટી બરફમાં ફેરવાઈ જાય. તેની નીચે તો પાણી વહેતું જ હોય છે. આખો ધોધ થીજી ગયો હોય અને પાણીનો પ્રવાસ સંપૂર્ણ પણે બંધ થયો હોય એવી સ્થિતિ અત્યાર સુધીમાં માત્ર 1848ની 29મી માર્ચે નોંધાઈ હતી. બાકી તો જાન્યુઆરી 2019માં જ ધોધનો કેટલાક ભાગ જામ થઈ ગયો હતો. પરંતુ ધોધ અટકી પડે ત્યારે હોલિવૂડ ફિલ્મ ‘ફ્રોઝન’ જેવાં જ દૃશ્યો અહીં જોવા મળે. સાહસિકો એ સ્થિતિ જોવા-માણવા પણ આવવાનું ચૂકતા નથી.