‘ટેમ્પલ ઓફ થાઉઝન્ડ ગેટ્સ..’ એ તો મંદિરનું જાણીતું નામ છે, પરંતુ મૂળભૂત રીતે એ ઈનારી નામના દેવીનું સ્થાનક છે. માટે ‘ફુશિમી ઈનારી ટેમ્પલ’ નામે ઓળખાય છે. એ મંદિર કોનું છે અને કોણ ત્યાં બિરાજે છે, તેના કરતા વધારે મહત્વનો તેનો દેખાવ છે. એ મંદિરને હકીકતે હજાર દરવાજા છે.
દરવાજા એટલે ખોલ-બંધ થાય એવા નહીં, પરંતુ મંદિરને હોય એવી કમાન. એમાં પણ બધા દરવાજા મંદિરની પહેલા નથી આવતા, કેટલાક મંદિરની પાછળના ભાગમાં છે. મંદિર ટેકરીના ઢોળાવ પર છે. ત્યાંથી આગળ પગથિયાં ચડીને ટેકરી સુધી જઈ શકાય છે. જેમને ચાલવાનો વાંધો ન હોય અને સમયની કમી ન હોય એ પ્રવાસીઓ ઉપર સુધી જાય. ઉપર લોકો શાંતિની શોધમાં જાય અને એ મળે પણ ખરી કેમ કે ચાલીને થાકી ગયા પછી આરામ કરવા બેસે એટલે આપોઆપ શાંતિનો અનુભવ થાય જ.
અડોઅડ ઉભા કરેલા દરવાજા એટલે કે કમાન વિવિધ આકારની છે. કેટલીક સામાન્ય દરવાજા જેવડી, કેટલીક તોતીંગ દરવાજા જેવી. આ દરવાજા અહીં લોકો ફીટ કરી જાય છે, જ્યારે તેમની ઈચ્છા પૂરી થાય. એટલે થાઉઝન્ડ ગેટ હકીકતે મંદિરનો ચડાવો છે. હવે દરવાજાની જગ્યા નથી. માટે નાના-નાના દરવાજા પ્રતીકાત્મક રીતે ભેટ ધરવામાં આવે છે.
નીચે કાળો અને ઉપર લાલ કલર ધરાવતી કમાનો પર તેના દાતાના નામ પણ લખ્યા છે. એ મંદિરના ફોટા અખબારોમાં નિયમિત રીતે છપાતા રહેતા હોય છે. એટલે થોડીક માહિતી હતી, બાકીની ત્યાં મળી. મંદિરના પ્રાંગણમાં એક બીજું મંદિર જોવા મળ્યું.
નાનકડા મંદિરના દરવાજામાં જોયું તો ઘોડાની મૂર્તિ હતી. સતાધારમાં પાડો પૂજાય છે એમ અહીં ઘોડો પણ પૂજાય છે? કેમ? જ્યારે પરિવહનના સાધનો ન હતા, ત્યારે ઘોડેસવારી જ થતી હતી. જાપાનના સમુરાઈ યુગમાં જેમની પાસે વધુ ઘોડા એ વ્યક્તિ શક્તિશાળી ગણાતી હતી. કથા પ્રમાણે એક મોટા માણસની ઈચ્છા પૂરી થઈ એટલે તેણે પોતાનો જાદૂઈ ઘોડો મંદિરને દાનમાં આપી દીધો. એ ચમત્કારીક ગણાતા ઘોડાના અવસાન પછી તેનું પૂતળું અહીં ઉભું કરી દેવાયુ છે.
જાપાનમાં જેમ જેમ અમારી સફર આગળ ચાલતી હતી એમ એમ જાપાની અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેના સામ્યની નવી નવી વિગતો સામે આવતી જતી હતી. મને તો ભારતના મંદિરોમાં પણ રસ નથી પડતો પરંતુ આવી જાણકારી મળે તેની આગવી મજા છે. ઘોડાની સવારી પરથી ઉતરીએ એ પહેલાં બીજી મૂર્તિ જોવા મળી. એ શિયાળની હતી.
મંદિરમાં શિયાળ, એ પણ વળી ઠેર ઠેર મૂર્તિ સ્વરૃપે ગોઠવાયેલું છે. આપણે ત્યાં વાઘ-ઉંદર વગેરેની મૂર્તિ હોય તો જાપાનમાં ન હોઈ શકે? આ મંદિરમાં ઈશ્વરનું વાહક શિયાળ છે, માટે અહીં તેને પણ પવિત્ર ગણાયુ છે. પાછળના જંગલમાં થોડા-ઘણા શિયાળ વસે છે, પણ ખરા.
મંદિર દર્શન કરીને અમે ક્યોટો પેલેસ જોવા પહોંચ્યા. વચ્ચે થોડા વરસાદે ક્યોટોના અસ્થિર વાતાવરણનો પરિચય પણ કરાવ્યો. માત્ર પંદરેક લાખની વસાહત ધરાવતુ ક્યોટો જાપાનું સાતામા ક્રમનું મોટુ શહેર છે. પરંતુ તેનો ઈતિહાસ આખા જગતમાં તેને એજોડ બનાવે એવો છે. પુરાતન સંસ્કૃતિ જાળવી રાખ્યા પછી પણ બધી આધુનિક સુવિધાઓ ભોગવતું ક્યોટો જગતનું પહેલુ સ્માર્ટ સિટી ગણાય છે.
ટ્રેનમાંથી ઉતરીને પેલેસ સુધી ચાલીને જતા હતા ત્યાં રસ્તા પર એક જગ્યાએ કોઈ વિશાળ લંબગોળ રીંગ જમીન પર ગોઠવેલી દેખાઈ. એ કદાવર બાંધકામ પર ચડીને શહેરના થોડા-ઘણા દીદાર લઈ શકાય એમ હતા. એ બાંધકામ ખાસ ઊંચુ ન હતું. પણ હતુ શું? ઈકુકોએ જણાવ્યું કે બસ સ્ટેશન છે, પણ બસો બધી પેટાળમાં આવે, ઉપર આવું આકર્ષક બાંધકામ. અમે પણ તેના ઉપર ચડ્યા, આમ-તેમ આંટા માર્યા અને ફોટા પાડી મહેલમાં પ્રવેશ્યા.
ક્યોટો ઈમ્પિરિયલ પેલેસ એવુ સતાવાર નામ ધરાવતા મહેલમાંથી સદીઓ સુધી જાપાન પર શાસન થયું છે. તેનું ઐતિહાસિક મહત્વ છે. વડોદરાના મહેલની માફક આ મહેલના અમુક વિસ્તારમાં રોયલ પરિવાર રહે છે, બાકીનો ભાગ પ્રવાસીઓ માટે ખુલ્લો છે. આ મહેલ ખાસ્સો મોટો છે, ફરતે મજબૂત દીવાલ છે અને દીવાલ બહાર વળી પાણીની નીક છે. માટે કોઈ આસાનીથી મહેલમાં પ્રવેશી ન શકે. રાજમહેલોમાં હોય એવી ગુપ્ત સુરક્ષા વ્યવસ્થા પણ હતી જ.
જાપાની પેલેસ આપણા જેવા ભવ્ય નથી હોતા. માટે થોડી વારમાં જ ચક્કર મારીને અમે બહાર નીકળી ગયા. ક્યોટો રેલવે સ્ટેશન જઈને અમારે અત્યાર સુધીની અમારી સૌથી લાંબી બુલેટ સવારી માટે ટ્રેન પકડવાની હતી.