વારાણસીમાં જોવા જેવી૭ જગ્યા : ખાવા-રહેવા જેવા સ્થળોનું લિસ્ટ

kashi vishwanath mandir

કાશીમાં જોવા જેવા સ્થળોની તો કમી નથી, પરંતુ અહીં મહત્વના સાત સ્થળોની યાદી આપી છે

૧. કાશીવિશ્વનાથ મંદિર

કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા આખા દેશમાંથી ભક્તો કાશી-બનારસ-વારાણસીમાં આવતા રહે છે. આ શહેર કાશી, વારાણસી કે પછી બનારસ એમ ત્રણ નામે ઓળખાય છે. શહેરનું મુખ્ય આકર્ષણ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર બાર જ્યોતિર્લિંગ છે. માટે દેશભરમાંથી ભક્તો મહાદેવ હર.. મહાદેવ હર.. બોલતા ત્યાં આવે છે. જોકે અગાઉ કાશીની મુલાકાત લીધી હશે એ જાણતા હશે કે મંદિર પરિસર ઘણુ સાંકડુ અને ગીચોગીચ હતુ. હવે એ સમગ્ર વિસ્તારને કાશી વિશ્વનાથ કોરિડોર તરીકે વિકસાવાયો છે.

પહેલા એવુ હતુ કે મંદિરમાં મર્યાદિત લોકો જઈ શકતા હતા અને લાંબી લાઈનમાં રાહ જોવી પડતી હતી. મહાદેવ મંદિર હોવા છતાં દિવસના અમુક કલાકો વળી અહીંના સંચાલકો બંધ રાખે છે. એટલે દેશના ખૂણે ખૂણેથી આવનારા ભક્તોએ ફરજિયાત રાહ જોવી પડે. એ બધી વાતોમાં ફરક નહીં પડે કેમ કે મંદિર સંચાલકોની માનસિકતા પર આધારીત છે. પરંતુ મંદિર પ્રાંગણ મોટું થયું એટલે સુવિધા જરૃર સચવાશે.

  • મંદિર બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે
  • કોઈ પ્રકારના ઈલેકેટ્રોનિક સાધનો લઈ જઈ શકાશે નહીં. એટલે મોબાઈલ-કેમેરા બહાર જમા કરાવવા પડશે. એ માટેની વ્યવસ્થા ત્યાં છે.
  • કોરિડોરમાં નાની-મોટી 50 ઈમારતો આવેલી છે.
  • પ્રદક્ષિણા પથ તૈયાર કરાયો છે અને કાશીનું મહત્વ વર્ણવતા 22 શીલાલેખ પણ લગાડાયા છે.
  • મંદિર સાથે પ્રવાસી સુવિધા કેન્દ્ર, વેદિક કેન્દ્ર, ભોગશાળા, મ્યુઝિયમ, ગેલેરી, ફૂડ કોર્ટ વગેરે પણ વિકસાવાયા છે.
  • મંદિરની સંપૂર્ણ વિગતો ગુજરાતીમાં આ લિન્ક પર આપી છે

2. ચોર્યાસી ઘાટ

કાશીનું બીજું મોટું આકર્ષણ ગંગાનો કાંઠો છે. ગંગાના કાંઠે અહીં ૮૪ ઘાટ આવેલા છે. તમામ ૮૪ ઘાટ તો ફરવા અઘરા છે, પરંતુ કેટલાક ઘાટ દેશ-પરદેશમાં ખાસ્સી પ્રસિદ્ધિ ધરાવે છે. જેમ કે રાજા હરિશ્ચંદ્રએ જ્યાં સ્માશાનમાં નોકરી કરી હતી એ મણિકાર્ણિકા ઘાટ. સૃષ્ટિની શરૃઆતથી આજ સુધી ત્યાં સતત ચીતા સળગતી રહે છે. એક મૃતહેદની ચિતા શાંત થાય એ પહેલા બીજો, બીજો મૃતદેહ ખતમ થાય એ પહેલા ત્રીજો એમ.. આવતા જ રહે છે. માટે લોકો કુતૂહલ ખાતર પણ આ ઘાટ જોવા આવે છે.

  • ગંગાના કાંઠે ૮૪ ઘાટ છે. દરેક ઘાટ ફરવા અઘરા પડે કેમ કે આકરા પગથિયા ચડવા-ઉતરવા પડશે. સાંકડી ગલી-કૂંચીમાંથી પસાર થવું પડશે
  • હોડી ભાડે કરીને બધા ઘાટ સામેથી પસાર થઈ શકાય
  • મણિકાર્ણિકા વગેરે બધા ઘાટ અહીં આવી જાય છે
  • સાંજે આરતી જોવા જેવી હોય છે
  • કેટલાક નોંધપાત્ર ઘાટ
    • મણિકાર્ણિકા ઘાટ
    • દશાશ્વમેઘ ઘાટ
    • અસ્સી ઘાટ
    • રાજ ઘાટ
    • સિંધિયા ઘાટ
    • મન-મંદિર ઘાટ
    • લલિતા ઘાટ
    • તુલસી ઘાટ
    • દરભંગા ઘાટ
    • ગંગા મહેલ ઘાટ

૩. ભારત માતા મંદિર

ભારત દેશ આપણી માતા છે, તો પછી એનું મંદિર પણ હોવું જોઈએ ને. એ મંદિર કાશમીં છે. અમદાવાદમાં જેમ ગુજરાત વિદ્યાપીઠ છે એમ કાશીમાં પણ ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. એ શિક્ષણધામની અંદર આ મંદિર આવેલું છે. ત્યા ભારત માતાનો અખંડ નકશો જમીન પર પથરાયેલો છે

  • સવારે ૭થી ૫.૩૦ સુધી મુલાકાત લઈ શકાય છે
  • મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠની  અંદર આ મંદિર આવેલું છે

૪. તુલસી માનસ મંદિર

તુલસીદાસનું ભારતના ઈતિહાસમાં અનેરું મહત્વ છે. કેમ કે આપણે ભગવાન રામ કે રામાયણના અન્ય પાત્રોને ઓળખીએ છીએ તુલસીદાસ અને મહાત્મા વાલ્મીકી જેવા મહાનુભાવોને કારણે. એમણે જે વર્ણન કર્યું તેની કલ્પના મુજબના જ ભગવાનને આપણે વંદન કરીએ છીએ. માન્યતા મુજબ અહીં બેસીને તુલસીદાસે રામાયણ લખી હતી.

  • તુલસી દાસ સાથે સંકળાયેલુ મંદિર
  • બપોરે ૧૨થી ૩.૩૦ દરમિયાન બંધ હોય છે
  • મંદિર સાથે હસ્તપ્રતો અને પુરાતન ચીજોનું અહીં સંગ્રહાલય પણ છે.

૫. કબિર મઠ (કબિર ચૌરા)

કાશીની સાંકડી ગલીમાં એક બાજુ તો જૂનાં-પાનાં મકાન ઉભા છે, પણ ડાબી તરફની દીવાલ આકર્ષક બની ચૂકી છે. એ દીવાલ પર એક પછી એક ભીંત પર ઉપસાવેલા ચિત્રો (મ્યુરલ) ત્યાંથી પસાર થનારા સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. વળી દરેક ચિત્ર બે-બે લીટીમાં લખ્યું છે – ‘કબીરા ખડા બજાર મેં, લીયે લુકાઠી હાથ. જો ઘર ફૂંકે અપના, ચલે હમારે સાથ.’ બીજા મ્યુરલમાં લખ્યું છે, ‘માટી કહે કુભાંર સે તુ કાહે રૌંદે મોહે, એક દિન ઐસા આયેગા મૈં રૌંદૂંગી તોહે.’

કબીરના દોહા લખેલી એ દીવાલ ‘કબિર ચૌહારા’ નામના વિસ્તારની છે. સાંકડી ગલીના છેડે ચૌરાહામાં પ્રવેશવાનો દરવાજો છે, જ્યાં ઉપર લખેલુ છે કે સદ્ગુરુ કબીર સાહેબની આ મૂળ ગાદી છે. માટે આ જગ્યા ‘કબીર મઠ’ કે ‘કબીર ચૌરાહા’ કે પછી ‘કબીર ધામ’ એવા વિવિધ નામે ઓળખાય છે. ઉત્તર પ્રદેશમાં ચૌરાહા શબ્દ વધુ પ્રચલિત હોવાથી કબીર ચૌરાહા જ આ સ્થળની ઓળખ બની ચૂકી છે. કેમ કે જીંદગીના ઘણા વર્ષો તેમણે અહીં જ ગાળ્યા હતા અને સાધના-સમાજ સુધારણા-દંભ સામેની લડત સહિતની પ્રવૃત્તિ પણ અહીં જ રહીને કરી હતી.

  • સાંજના સમયે જવામાં આવે તો કબિરના ભજનો પણ ચાલતા હોય એમ બને
  • કબીર ધામની દીવાલ પર આવા ચિત્રકામ સાથે કબીરની પંક્તિઓ લખેલી છે
  • કબીર વાપરતા હતા એ બધી સામગ્રી હવે સાચવી રખાઈ છે
  • http://www.kabirchaura.com/

૬. સારનાથ

સારનાથ એ બોદ્ધ ધર્મનું મહત્વનું સ્થળ છે. શહેરથી લગભગ દસેક કિલોમીટર દૂર આવેલું છે. અહીં મુખ્ય તો ૪૪ મીટર ઊંચો ધામેક સ્તૂપ જોવા જેવો છે. આ કદાવર સ્તૂપ વળી ૨૮ મીટરનો વ્યાસ ધરાવે છે. એટલે ભવ્ય બાંધકામ જોવુ એ એક અલગ પ્રકારની મજા છે.

  • સ્તૂપનું બાંધકામ ૧૫૦૦ વર્ષ કરતા જૂનું છે
  • વિસ્તાર સાંજના ૫ સુધી ખુલ્લો રહે છે
  • અહીં મ્યુઝિયમ પણ જોવા જેવુ છે

૭. રામગઢનો કિલ્લો

આઝાદી પહેલા ઘણા રજવાડા હતા એમાં એક રામગઢનું પણ રજવાડું પણ હતું. એ કાશી પાસે આવેલું છે. જૂનો કિલ્લો, મ્યુઝિયમ વગેરે અવશેષો અહીં છે. જોકે કિલ્લો ખાસ સચવાયો નથી. પરંતુ મહેલ હતો તેને મ્યુઝિયમમાં ફેરવી નંખાયો છે. ત્યાં ઐતિહાસિક ચીજો જોવા જેવી છે. જેમ કે એક તલવાર ૪.૫ કિલોગ્રામ વજનની છે. એ ભારતની સૌથી વજનદાર તલવાર મનાય છે.

  • મુલાકાત માટે અડધો દિવસનો સમય જોઈશે
  • ૨૦ રૃપિયા જેવી ટિકિટ છે
  • કાશી નરેશ મહારાજા બલવંત સિંહે ૧૭૫૦માં બાંધકામ કરાવ્યું હતું

ખાવા જેવી જગ્યા

  • વિશ્વનાથ મંદિર આસપાસ ગલીઓમાં લચ્છી-રબડી મળશે, એ ટ્રાય કરવા જેવી
  • રેલવે સ્ટેશન પાસે રિંગણાના ભજીયા મળે છે
  • કચોરી-શબ્જી અહીં લોકપ્રિય બ્રેકફાસ્ટ છે, સવારમાં બધે મળશે
  • બાટી ચોખા, બિહારી વાનગી છે પણ ખાવા જેવી
  • બનારસી પાન
  • મલાઈયો નામે ઓળખાતી દૂધની મસ્ત મીઠાઈ મળશે, અહીંની સ્પેશિયાલિટી છે

રહેવા જેવી જગ્યા

  • Sardar Vallabh Bhai Patel Dharamshala –  094542 99883 (આ જગ્યા મોટી, સુવિધા વાળી છે)
  • કૈવલ જ્ઞાન મંદિર ગુજરાતી ધર્મશાળા,  094535 28241
  • Shri Revabai Bhai Shankar Hindu Gujrati Dharamshala

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *