Unexplored India : શું તમે ભારતમાં અજાણ્યા અને શાંત સ્થળોએ ફરવા જવાનો વિચાર કરો છો.. તો વાંચી લો આ લિસ્ટ

ગુજરાત બહાર ફરવા જવાની વાત આવે કે પછી ભારતના ફરવાલાયક સ્થળોની વાત આવે ત્યારે આપણા બધાના મનમાં અમુક ચોક્કસ સ્થળોના નામ આવે છે. આ સ્થળો એવા છે કે જે વર્ષોથી પ્રવાસન માટે પ્રચલિત છે. જો કે ભારતમાં આ સિવાયના પણ ઘણા સ્થળો એવા છે કે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ સ્થળોની સુંદરતા અદ્ભુત અને કલ્પનાશક્તિ બહારની છે. ત્યાં મળતી શાંતિ, આનંદ અને અનુભવનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે.  આ પ્રવાસન સ્થળો વિશે સામાન્ય રીતે તમને ક્યાંય સાંભળવા નહીં મળે. ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા અને ઓછા ખેડાયેલા આવા 15 પ્રવાસન સ્થળો વિશે અહીં માહિતી આપવામાં આવી છે.

1. કર્નૂલ શહેર, આંધ્ર પ્રદેશ

ખુશનુમા વાતાવરણ, ભવ્ય ભુતકાળ અને મજાના માણસો આ બધું આ એક જગ્યા પર મળશે. રોજબરોજની એકસરખી ઘરેડમાંથી બ્રેક લેવા ઇચ્છતા લોકો માટે આ સ્થળ એકદમ યોગ્ય છે. અહીં વેણુગોપાલસ્વામી મંદિર, આંજનેયસ્વામી મંદિર અને ન્યુ શિરડી સાઇંબાબા મંદિર સહિતના અનેક મંદિરો પણ છે. તો આ સિવાય બેલમ ગુફા, ઓરવાકુલ્લુ રોક ગાર્ડન, અબ્દુલ વહાબનો મકબરો, બિરલા મંદિર, રોલપાડુ વન્ય અભિયારણ્ય સહિતના અન્ય આકર્ષણ પણ આવેલા છે.

અહીં ફરવા જતા લોકોને આ જગ્યા ઘણી પસંદ આવે છે, તમને પણ આવશે જ. ઉનાળા દરમિયાન અહીં ગરમનું અને ચોમાસામાં વરસાદનું પ્રમાણે વધારે રહે છે. માટે કુર્નાલ જવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.

કર્નૂલ હૈદરાબાદથી સવા બસ્સો કિલોમીટર દક્ષિણે આવેલું છે.

2. જિરો, અરુણાચલ પ્રદેશ

નામ ભલે જિરો રહ્યું, પરંતુ આ જગ્યાને પ્રવાસનના મામલે ફુલ માર્ક મળે તેમ છે. દેશના ઉત્તર-પૂર્વ કે સેવન સિસ્ટર્સ તરીખે ઓળખાતા ભાગની આ એક ઓછી જાણીતી જગ્યા છે. અરુણાચલ પ્રદેશમાં આવેલું આ શહેર પ્રાકૃતિક સૌંદર્યને માણવા ઇચ્છતા લોકો માટે પરફેક્ટ છે. અહીં તમે જ્યાં નજર કરશો ત્યાં કુદરતની કલાકારી જોવા મળશે.

ચારેબાજુ લીલા રંગના કુણા ચોખાથી ભરેલા ખેતરો અદ્ભુત દ્રશ્ય સર્જે છે. અહીં આખું વર્ષ આહ્લાદાયક વાતાવરણ હોય છે. કુદરતનો ખોળો ખુંદતા અહીંની સુંદરતા કેમેરામાં કંડારવી એક લ્હાવો છે. અહીં અપતાની જનજાતિના લોકો વસવાટ કરે છે, જેઓ વિશેષ મમતાળુ હોય છે.

  • ઝીરો વેલી ઈટાનગરથી ૧૧૦ કિલોમીટર ઉત્તરમાં આવેલી છે.
  • અરૃણાચલમાં ભારતના નાગરિકોએ ઈનરલાઈન પરમિશન લેવી પડે જે આ લિન્ક પરથી મળી શકે છે.

3. ગુરેજ વેલી, કાશ્મીર

કોઇ પરિકથામાં હોય તેવા પ્રાકૃતિક દ્રશ્યો, અદ્ભુત સુંદરતા, ખળખળ વહેતી નદીઓનું સંગીત અને ઠંડી હવાઓ ગુરેજ વેલીની ઓળખ છે. લીલા આચ્છાદિત ઢોળાવો પર ચરતા ઘેટાના ટોળા કોઇ કલ્પના કે ચિત્ર જેવા લાગે છે. આ સુંદર સ્થળ ‘એલઓસી’ (લાઇન ઓફ કંટ્રોલ) પાસે આવેલું છે, જેથી આ જગ્યા સુરક્ષિત પણ છે. અહીં તમને સતત ભારતીય સેનાનું પેટ્રોલિંગ અને વિજિલન્સ જવા મળશે. જે તમારા પ્રવાસને વધારે રોમાંચક બનાવશે.

સપ્ટેમ્બર મહિનો આ જગ્યા પર જવા માટેનો શ્રેષ્ઠ સમય છે. સપ્ટેમ્બર દરમિયાન ગુરેજ વેલીનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે. જો તમને ખીણો અને પર્યાવરણ સાથે લગાવ હોય તો આ જગ્યા તમારા ટ્રાવેલ લિસ્ટમાં હોવી જોઇએ.

ગુરેજ વેલી કાશ્મીરથી સવાસો કિલોમીટર દૂર ઉત્તરમાં આવેલી છે.

4. માજુલી, અસામ

માજુલી દુનિયાના સૌથી મોટા મીઠા પાણીના ટાપુ તરીકે પ્રસિદ્ધ છે. અસામના જોરહાટ જિલ્લામથકથી 20 કિમી દૂર બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું છે. માજુલીને અસામ રાજ્યની સાંસ્કૃતિક રાજધાની પણ ગણવામાં આવે છે. આ ઓછી જાણીતી જગ્યા પર વર્ષ દરમિયાન અનેક પ્રકારના ઉત્સવો અને તહેવારોની અદ્ભુત ઉજવણી થાય છે. ફરવા જેવું અને કરવા જેવું અહીં ઘણું બધું છે.

અહીં જે ખાવાનું મળે છે, તેના તમે ફેન બની જશો. આ સ્થાન સાથે અનેક ધાર્મિક દંતકથાઓ પણ જોડાયેલી છે. સ્થાનિક લોકો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે અહીં આવ્યા હતા. ચોમાસા દરમિયાન આ જગ્યાની સુંદરતામાં અનેકગણો વધારો થાય છે. માટે ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમયગાળો આ જગ્યા પર જવા માટે શ્રેષ્ઠ છે.

માજુલી ગુવાહાટીથી ૩૫૦ કિલોમીટર પૂર્વમાં, જ્યારે જોરહટથી ૪૨ કિલોમીટર ઉત્તરમાં આવેલો છે.

5. પાટણ

ગુજરાતના ભવ્ય ભૂતકાળ સાથે સંકળાયેલું પાટણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટના લિસ્ટમાં છે. પાટણમાં આવેલી રાણકી વાવને યુનેસ્કોએ 2014ના વર્ષમાં વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરી છે. પાટણ એ એક સમયે ગુજરાતની રાજધાની હતી. 10મી સદીની આ વાવ ગુજરાતના સોલંકી વંશની ભવ્યતા દર્શાવે છે. 

આ વાવની દીવાલો પર ભગવાન રામ, વામન અવતાર, મહિષાસુરમર્દિની, કલ્કિ અવતાર અને ભગવાન વિષ્ણુના વિભન્ન અવતારોની તસવીરો અંકિત છે.આ વાવને જોઈને લાગશે કે ધરતીની અંદર સમાયેલા કોઈ સુંદર મહેલને જોઈ રહ્યા છો. હેરિટેજ અને ભવ્ય ભૂતકાળમાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ ઉત્તમ છે. ઓક્ટોબરથી માર્ચ દરમિયાન અહીં વાતાવરણ અનૂકુળ હોય છે.

પાટણ અમદાવાદથી સવાસો કિલોમીટર ઉત્તરમાં છે.

6. શોજા, હિમાચલ પ્રદેશ

શોજા હિમાલયની ટેકરીઓમાં આવેલું એક સુંદર ગામડું છે. અહીં તમને લાકડામાંથી બનાવેલા સુંદર મંદિરો અને ઘર જોવા મળશે. જેની બહાર બેસીને હિમાલયની અદ્ભુત સુંદરતાનો આનંદ પણ માણી શકાશે. આસપાસ આવેલા નાના તળાવો, ઝરણા, ખીણ વગેરે આ જગ્યાની સુંદરતામાં વધારો કરે છે. ઘાસના મેદાનો અને ઢોળાવો અહીં આવનાર પ્રવાસીઓના મન મોહે છે.

અત્યારની ફાસ્ટ લાઇફમાંથી બ્રેક લઇને શાંતિનો અનુભવ કરવા માંગતા લોકો માટે આ સ્થળ શ્રેષ્ઠ છે. આમ તો આખુ વર્ષ અહીં વાતાવરણ ખુશનુમા જ હોય છે, પરંતુ એપ્રિલથી જુન વચ્ચેનો સમય શ્રેષ્ઠ છે.

શોજા શિમલાથી દોઢસો કિલોમીટર ઉત્તરમાં છે.

7. તીર્થન વેલી, હિમાચલ પ્રદેશ

તીર્થન વેલી હિમાચલ પ્રદેશમાં છુપાયેલો ખજાનો છે. જેને હિમાચલનું સિક્રેટ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રવાસ માટે ઓછી જાણીતી આ જગ્યા અપાર કુદરતી વૈભવથી ભરેલી છે. દરેક વ્યક્તિને અહીં આકર્ષણ માટેનું કારણ મળી રહે છે. એડવેન્ચર સ્પોર્ટ્સ, ટ્રેકિંગ, રખડપટ્ટી, ફોટોગ્રાફી, ફિશિંગ, કેમ્પિંગ વગેરે તમામ વસ્તુઓ માટે આ જગ્યા શ્રેષ્ઠ છે.

અહીં કરવા જેવી અનેક વસ્તુઓ છે. અને જો કંઇ ના કરવું હોય, તો બસ કુદરતના ખોળે આરામ કરવાનો આનંદ તો ખરો જ. બરફ આચ્છાદિત પહાડો અને લીલા ઘાસના ઢોળાવો આ જગ્યાને વધારે મનમોહક બનાવે છે. માર્ચથી જુન અને ઓક્ટોબરથી નવેમ્બર આ જગ્યાના પ્રવાસ માટેનો શ્રેષ્ઠ સમય છે.

તીર્થન ખીણ વિસ્તાર શિમલાથી પોણા બસ્સો કિલોમીટર ઉત્તરમાં આવેલો છે.

8. ગોકર્ણ, કર્ણાટક

ગોકર્ણ પોતાના સ્વચ્છ અને સુંદર દરિયાકિનારા માટે પ્રસિદ્ધ છે. અત્યાર સુધી ઓછુ જાણીતું સ્થળ હવે તેના બીચ રિસોર્ટના કારણે યુવાનોમાં લોકપ્રિય થઇ રહ્યું છે. અહીં થતા વોટર સ્પોર્ટ્સ કે પછી વોટર એડવેન્ચર પણ માણવા લાયક છે. આ સિવાય ગોકર્ણનું ધાર્મિક મહત્વ પણ છે. ગોકર્ણમાં અનેક ઐતિહાસિક હિંદુ મંદિરો આવેલા છે. એટલે કે તીર્થયાત્રાની સાથે સાથે દરિયાકિનારાની મજા.

ગોકર્ણનું વાતાવરણ એકદમ સ્વચ્છ અને શાંત છે. અહીં આવેલા બીચ પણ વૈવિધ્યથી ભરેલા છે. જેમને તેમના આકારના આધારે નામ આપવામાં આવ્યા છે. જો કે એક ખાસિયત એ પણ છે કે ગોકર્ણનો આકાર ગાયના કાન જેવો હોવાથી તેનું નામ ગોકર્ણ પડ્યાની માન્યતા છે. એટલે કે ગોવાની ભીડભાડથી દૂર અને છતા ગોવા કરતા પણ સારો આનંદ માણવો હોય તો આ સ્થળ શ્રેષ્ઠ છે.

ગોકર્ણ ગોવાના માર્ગોથી સવાસો કિલોમીટર દક્ષિણમાં, જ્યારે હુબલીથી દોઢસો કિલોમીટર દૂર છે.

9. હલેબીડુ, કર્ણાટક

પ્રાચીન સમયના હોયસલ રાજવંશની રાજધાની એવું હલેબીડુ પોતાના ઐતિહાસિક બાંધકામોના કારણે પ્રસિદ્ધ છે. ખાસ કરીને હોયસલ કાળના મંદિરો અને બાંધકામોનું વિશેષ આકર્ષણ છે. આ શહેરમાં બેલુર, કેદારેશ્વર મંદિર, જૈન મંદિર, હોયસલેશ્વર મંદિર અને શાંતલેશ્વર સહિતના મંદિરો આવેલા છે. જેનું બાંધકામ, કોતરણી અને મૂર્તિઓ જોવાલાયક છે. ખાસ કરીને મહાશિવરાત્રિ અને દિવાળી દરમિયાન અહીંનું વાતાવરણ તમને મંત્રમુગ્ધ કરી દે તેવું હોય છે.

પ્રાચીન બાંધકામોમાં રસ હોય તેવા લોકો માટે પણ આ સ્થળ ઉત્તમ છે. અહીંના મંદિરોની કોતરણી અને નકશીકામનો જોટો મળે તેમ નથી. ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમય આ સ્થળના પ્રવાસ માટે શ્રેષ્ઠ છે.

હલેબીડુ કર્ણાટકના હાસન જિલ્લામાં આવેલું છે, બેંગાલુરુથી ૨૧૦ કિલોમીટર અને મેંગલોરથી ૧૭૦ કિલોમીટર દૂર છે.

10. કનાતલ, ઉત્તરાખંડ

કનાતલ ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલા અને હિમાલયના પર્વતો તથા ખીણોથી ઘેરાયેલા નાનકડા ગામડામાંઅલગ પ્રકારની શાંતિનો અનુભવ થશે. એવું પણ કહી શકાય કે કનાતલ એ દેશની સૌથી ઓછુ જાણીતું અને છતા અદ્ભુત પ્રવાસન સ્થળ છે.

અહીં તમે મિત્રો સાથે મસ્તી પણ કરી શકશો અને પાર્ટનર સાથે રોમાન્સ પણ કરી શકશો. સફરજનના બગીચા, જંગલી ફુલો, વનસ્પતિ અને ખુશનુમા વાતાવરણ તમને ખુશ કરી દેશે. કનાતલની આસપાસ પણ સુરકંડા દેવી મંદિર, ચંબા, કોડિયા જંગલ સહિતના જોવાલાયક સ્થળો આવેલા છે અને તે પણ 15 કિમીની અંદર.

કનાતાલ હરિદ્વારથી ૧૦૦ કિલોમીટર જ દૂર છે. દહેરાદૂન એરપોર્ટ અહીંથી ૭૫ કિલોમીટર દૂર છે.

11. ડમરો, અરુણાચલ પ્રદેશ

ડમરોમાં અરુણાચલ પ્રદેશના સૌથી ઉંચા લટકતા પૂલ આવેલા છે. જાણે કે સ્વર્ગ સુધી જવાનો રસ્તો હોય તેવું આ પૂલને જોઇને લાગે. વાંસ અને દોરડામાંથી બનેલા આ પૂલ મોટાભાગે અહીં આવેલી યામને નદી પર આવેલા છે. આ સિવાય વાંસમાંથી બનેલા ઘર પણ આકર્ષક હોય છે.

ખેતરોમાં ઉભેલો પાક, મોટા દેડકાઓ, જંગલી ભેંસો વગેરે બધું અહીં જોવા મળશે. તો અહીં રહેતા લોકો પણ તેમની સંસ્કૃતિ અને રહેણી કહેણીને કારણે ખાસ છે. છેલ્લા થોડા સમયથી ડમરોમાં ફાર્મ સ્ટે ટુરિઝમ ઘણુ પ્રચલિત બન્યુ છે. અહીં જે નદીઓ, ઝરણા અને તળાવો આવેલા છે તે એટલા સ્વચ્છ અને શુદ્ધ હોય છે કે તેવા દ્રશ્યો બીજે કશે જોવા નહીં મળે.

પાસીઘાટ સૌથી નજીક ૪૨ કિલોમીટરે આવેલું એરપોર્ટ છે, જ્યારે અગરતલાથી સવાસો કિલોમીટર દૂર છે.

12. માવલ્યનોંગ, મેઘાલય

ભારત અને બાંગ્લાદેશની સરહદ નજીક આવેલું માવલ્યંનોંગ ગામ ભારતનું જ નહીં પણ સમગ્ર એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. ગામના રસ્તાઓ એકદમ સ્વચ્છ અને દાગ વગરના છે, જેની બંને બાજુ ફૂલની ક્યારી છે. આખા ગામમા થોડા થોડા અંતર પર વાંસની કચરાપેટી જોવા મળે છે. પ્લાસ્ટિક પર અહીં સંપુર્ણ પ્રતિબંધ છે અનેઅને ઘુમ્રપાન કરવું એ ગુનો છે.

આ ગામને ભગવાનના બગીચા તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વચ્છતા સિવાય પર્યાવવરણ સંરક્ષણ પણ ગામલોકોના રોજીંદા જીવનનો જ એક ભાગછે. અહીં તમને કુદરતી રીતે વૃક્ષોમાંથી બનેલા પૂલ જોવા મળશે, જે ભારતમાં બીજે ક્યાંય નથી. અહીં સ્વચ્છતા અને સુંદરતાનો જે અનુભવ થશે તેનું શબ્દોમાં વર્ણન અશક્ય છે.

મેઘાલયના પાટનગર શિલોંગથી આ ગામ ૯૦ કિલોમીટર દૂર બાંગ્લાદેશની બોર્ડર પાસે આવેલું છે.

13. સંદકફુ, પશ્ચિમ બંગાળ

સંદકફુનો અર્થ થાય છે ઝેરના છોડની ઉંચાઇ. આજગ્યા વોલ્ફસ બેન(બચ્છનાભ) નામના છોડનું ઘર છે. જે એક પ્રકારનો ઝેરી છોડ છે. જેના પાંદડા, ડાળીઓ, બીજ અને ક્યારેક તો ફૂલ પણ ઝેરી હોય છે. જો કે તેનો નિયત માત્રામાં ઔષધિ તરીકે ઉપયોગ પણ થાય છે. આ છોડના લીધે આ જગ્યાનો સમાવેશ ભારતની સૌથી ખતરનાક જગ્યાઓમાં થાય છે. જોકે આ સિવાય સંદકફુ પર્વત ટ્રેકિંગ માટે પ્રસિદ્ધ છે.

આ પર્વત પશ્ચિમ બંગાળનો સૌથી ઉંચો પર્વત છે, જેની ઉંચાઇ 3600 મીટર છે. આ જગ્યા પરથી તમે બરફ આચ્છાદિત હિમાલયનો આનંદ પણ માણી શકો છો. આ પર્વત પર ચડીને તમે દુનિયાના સૌથી ઉંચા પાંચ શિખરોમાંથી ચાર શિખરોને જોઇ શકો છો.

પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટેશન દાર્જિંલીંગથી સંદકફુ ૭૫ કિલોમીટરના અને સિલિગુરીથી ૧૨૦ કિલોમીટરના અંતરે આવેલું છે.

14. જાવાઇ, રાજસ્થાન

જો તમને સાહસિક પ્રવૃતિમાં કે પછી વાઇલ્ડલાઇફમાં રસ હોય અને ખાસ કરીને દીપડાને નજીકથી જોવાની ઇચ્છા હોય તો  જગ્યા આ તમારા માટે જ છે. આ જગ્યા અને તેની ખાસિયત વિશે બહુ ઓછા લોકોને ખબર છે, જેથી મેઇનસ્ટ્રીમ ટુરિઝમમાં તેનું સ્થાન નથી. જાવાઇમાં તમને રહેવા અને ખાવા પીવાની શાહી સગવડ મળશે.

રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા જાવાઇમાં દીપડા સિવાય પણ હંસ, રાજહંસ, સારસ, રીંછ, હરણ, વરુ વગેરે સહિતના અનેક પશુ-પંખીઓ જોવા મળશે. તો જવાઇ ડેમ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પહાડો અને ઉંચા ખડકો વચ્ચે ઘેરાયેલા આ ડેમનું સૌંદર્ય પણ માણવાલાયક હોય છે.

જાવાઈ અમદાવાદથી પોણા ત્રણસો કિલોમીટર, આબુથી ૧૦૦ કિલોમીટર અને ૧૨૦ કિલોમીટર દૂર આવેલું છે.

15. મૈનપાટ, છતીસગઢ

છત્તીસગઢના સરગુલા જિલ્લામાં પર્વતો પર આવેલા મૈનપાટને છત્તીસગઢનું શિમલા કહેવામાં આવે છે. આમ તો મૈનપાટ પણ એક હિલ સ્ટેશન છે, પરંતુ બહુ ઓછા લોકોને તેના વિશે ખબર છે. અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્ય, સાડા ત્રણ હજારફૂટની ઉંચાઇ, ખુશનુમા વાતાવરણ અને શિયાળામાં થતી બરફ વર્ષાના કારણે તેને છત્તીસગઢનું શિમલા કહેવામાં આવે છે.

જંગલ, નદીઓ, ઝરણા, પક્ષીઓ, પ્રાણીઓ, પહાડો વગેરે તમામ પ્રકારના કુદરતી સૌંદર્યનો મેળાવડો થયો છે. આ સિવાય મૈનપાટ મિનિ તિબેટ પણ કહેવાય છે, કારણ કે પાછલા કેટલાક સમયમાં અહીં તિબેટયનોની વસતી વધી છે. આ એવી જગ્યા છે કે જ્યાં ભારત સરકારે તિબેટના લોકોને શરણ આપી છે. અહીં અનેક ધોધ અને સુંદર ઝરણા આવેલા છે.

છત્તીશગઢના પાટનગર રાયપુરથી મૈનપાટ ૩૬૦ કિલોમીટર ઉત્તરમાં છે.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “Unexplored India : શું તમે ભારતમાં અજાણ્યા અને શાંત સ્થળોએ ફરવા જવાનો વિચાર કરો છો.. તો વાંચી લો આ લિસ્ટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *